વાયરસનું નામ ગોખવું કે એને સમજવો?
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
આ લેખ લખતાં પહેલાં 24 કલાક તો વાયરસનું નામ ગોખતાં થયા… `હ્યુમન મેટા ન્યુમો’ વાઈરસ… બરાબરને?
હું તો થોડો ભણેલો છું એટલે ઘરવાળીએ ભૂખ્યો રાખી અને ગોખાવી દીધું, પરંતુ અમુક લોકોની હાલત તો એવી છે કે નામ ગોખશે ત્યાં વાયરસની અસર દેશમાં પૂરી થઈ ગઈ હશે. અમુકને તો શું આવ્યું અને શું ગયું? તે ખબર જ નહીં પડે તેના માટે ચીનથી આવતા વાઈરસ બધા સરખા.
દર વખતે નવો વાયરસ આવે ત્યારે સૌથી પહેલું સોસાયટીના નાકે આવેલી ચાની ટપરી કે પાનના ગલ્લે તેની અસર અને આડઅસર વિશે ગોળમેજી પરિષદ યોજાય. સિગારેટનો કસ મારી અને ધુમાડાની સાથે સલાહ ફેંકતા ચુનિયાએ `આ વખતનો વાયરસ ધ્યાન નહીં રાખો તો તકલીફ કરશે’ તેવું વિધાન કરે અને સામે ઊભેલા, ધુમાડો ગળતા લોકો એને પ્રેમથી સાંભળે પણ ખરા. નવા વાયરસની ઉત્પત્તિ ચામાચીડિયાના સુપમાંથી ચાલુ થાય અને છેલ્લે લેબોરેટરીમાં બને. જુદા-જુદા સમુદાયોની પ્રતિક્રિયા પણ જુદી જુદી.જુદી જુદી જાતના લોકો દ્વારા વાઈરસનો સામનો કેવી રીતે કરવો તેની સૂચનાઓ વહેતી થશે. ચાલો, નજર નાખીએ તો…
ગુજરાતીઓ: ફાફડા-જલેબી, ભજિયા બનાવવાની સામગ્રી, ખાખરા અને ફાકી, માવા, પાન-મસાલા, મુખવાસનો સ્ટોક ભરી લેવો
પંજાબીઓ: પીવાનું, ખાવાનું પૂરતા સ્ટોકમાં રાખવું, ખાસ લસ્સી. `લસ્સીથી કોરોનાને ડર લાગે છે.’ સવાર-બપોર-સાંજ 3 ટાઈમ લસ્સીનું સેવન કરવાથી તબિયત સારી રહે છે.
દક્ષિણ ભારતીયો:`રસમ ગાર્ગલ’ એક નવો ઉપાય બજારમાં મૂકશે. દરેક સ્વરૂપમાં ચોખાનો સ્ટોક ખૂટવો ના જોઈએ.
ઘરગથ્થુ ઉપાયોની રેસીપીઓ ઓટલા પરિષદ, ઠવફતિંફાા મહાવિદ્યાલય, રફભયબજ્ઞજ્ઞસ અને ઇન્સ્ટામાં વાઈરસ કરતાં વધારે ઝડપે ફેલાશે.
તુલસી, આદુ, નીમ અને શહદ મિક્સ કરીને દવા બનાવે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ પછી કંઈક એવું ઉમેરે કે તે પોતે પણ ન પીએ.'
સરસવ તેલથી આંગળી બોળી અને નાકમાં ઘસીને શાંતિથી બેસો. અરે ભાઈ ચિંધાડતાં પહેલાં એક વાર તમે તો પ્રયોગ કરો. સરસવ તેલની ગરમી અને સુગંધ વાઈરસ ભૂલવાડી દે તે વાત સાચી, પરંતુ આ નુસખો ચિંધાડનાર આખી જિંદગી યાદ રહે.
આમ પણ ગુજરાતીઓ એટલા બધા ઘરેલુ નુસખા અજમાવે કે શાંતિ ન મળવાને કારણે તમામ વાઈરસ ભાગી જાય!
વાઈરસ શબ્દ સાંભળતાં જ સલાહ ચાલુ થઈ જાય, જેમ કે ગરમ પાણી પીવો, વાઈરસને ગરમીથી ડર લાગે છે.'
પાંચ મિનિટ માઇક્રોવેવમાં બેસી જાવ તો નામો-નિશાન નહિ રહે.’ (કોનું?) આવી બધી સલાહો વચ્ચે મારી તો તમને સૌને સલાહ છે કે કોઈની સલાહ માનશો નહીં. વાઈરસની ગંભીરતા સમજતા નથી ને લોકો નાહકની ફિલોસોફી જાડે, જેમકે…
આ વાઈરસ ટુરિસ્ટ જેવા છે, સફરના શોખીન.'
એ તમારાં એક્સ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ જેવો છે જાય જ નહિ.’
`હા, આ વાઈરસથી લૉકડાઉન આવશે કે નહીં તે ચર્ચા હજી શરૂ થઈ નથી, પરંતુ આગોતરાં પગલાં સ્વરૂપે મને જાણવા મળ્યું છે કે કોણે શું કર્યું.
સામાન્ય રીતે પુરુષો ઘરનો ખોરાક ખાવા માટે વધારે ટેવાયેલા હોય છે, પરંતુ આ વખતે ગયા લૉકડાઉનમાં એક કાવતરાનો ભોગ બની અને ઘરઘાટી તથા રસોયાનું કાર્ય કરવું પડેલું તે ન કરવું પડે એટલે પહેલેથી જ ડિસ્પોઝિબલ પ્લેટ અને ત્રણ મહિના ચાલે તેટલી મેગીનો સ્ટોક કરશે. જે બાળકો ઑનલાઈન અભ્યાસ કરતાં હતાં તેમને ઓછો પ્રોબ્લેમ થયો છે, પરંતુ જે બાળકોએ ઘરે માતા-પિતા પાસે ગણિતનું શિક્ષણ લીધું છે તે ચાર વર્ષે પણ શીખેલું ભૂલી શકતાં નથી ને સાચું ગણિત ગણી શકતાં નથી.
હજુ તો લેખ લખતો હતો ત્યાં ચુનિયાની એન્ટ્રી થઈ. હાથમાં રહેલી કંકોત્રીનો ઘા કર્યો મને કહે: નહીં જીવવા દે...' મેં પૂછ્યું:
શું થયું.’ તો મને કહે: આ વાઇરસ...' હું તરત જ ઊભો થઈ ગયો અને બે ફૂટ છેટો ઊભો રહીને એને કહ્યું:
નાકે રૂમાલ રાખ..’ જોકે પછી મને યાદ આવ્યું કે આ વાઈરસ બાળકો માટે ખતરા રૂપ વધારે છે- બાળક બુદ્ધિ માટે નહીં અને વાઈરસ વાઈરસને ન વળગે, છતાં સાવચેતી રૂપે હું બે ફૂટ છેટો થઈ ગયો.
ચુનિયાને હાડોહાડ લાગી આવ્યું મને કહે: હવે તમે પણ મને નહીં સમજી શકો એમ ને? વાઈરસ નથી થયો, પરંતુ વાઈરસના વાંકે મારે જે સહન કરવું પડે છે તે કહેવા આવ્યો છું. લગ્નની આ સિઝનમાં માંડ એકાદ જગ્યાએથી જમણવારનું આમંત્રણ આવ્યું ત્યાં આ વાઈરસનું બહાનું કાઢી અને આજે ફોન પર મેસેજ આવ્યો કે
આપ સૌ સ્વજનો વાઈરસનો ભોગ ન બનો, માંદા ના પડો, તે માટે થઈ અને જમણવાર કૅન્સલ કરવામાં આવ્યો છે. ચાંદલો મોકલી આપશો…’ મને તો એકવાર મન પણ થઈ ગયું કે સામો મેસેજ કરું કે `ભલે માંદો પડું. હું તો જમવાનો જ…!’ મિલનભાઈ, આને વાઈરસે બચાવી લીધો બાકી બે દિવસ અગાઉથી ભૂખ્યો રહીને પણ જમવા જાવાનો હતો.’
અચાનક મારા કાન પાસે આવીને કહ્યું કે `આ એક ખાનગી વાત છે… બીજા કોઈને ન કહેશો, પરંતુ જાણવા મળ્યું છે કે ચીનથી કંડલા પોર્ટ ઉપર બે ક્નટેનર ભરીને વાઈરસ કોઈએ મગાવ્યા છે, તેનું પગેરું આપણી સોસાયટીમાં જ નીકળશે તેવું લાગે છે.’ મેં કહ્યું: હા, સાચી વાત છે બે ક્નટેનર ભરીને મગાવ્યા છે અને ત્રીજી લાઈનમાં રહેતા ઑટોમોબાઈલના વેપારી હસમુખભાઈએ મગાવ્યા છે, પરંતુ તારા જાસૂસને કહેજે કે એ વાઈરસ નહીં, પરંતુ વાઈસર છે. સ્કૂટરના સાઇલેન્સરના વાઈસર. ચીનમાં સસ્તાં પડે છે…!
હવે તમે ઘરના જ છો તો એક ખાનગી વાત તમને કહી દઉં કે ચીન આવા વાઈરસ ભારતમાં શું કામ મોકલે છે? જીન પીંગે બે પેગ મારી એક વાર બકી માર્યું હતું કે જ્યાં સુધી તમે ચાઈનીઝ ભેળ બનાવવાનું બંધ નહીં કરો ત્યાં સુધી અમે વાઈરસ બનાવીશું…! આવું તો ઘણું છે, ભાઈ.. કેટલું લખવું?
વિચારવાયુ:
મોમ: (સેનીટાઈઝરનો યુઝ) નો ચિન્ટુ,
ધીસ ટાઇમ ઓન્લી પિચુક..
આપણે ઘરે છીએ, નેઇબરનાં ઘરે કે મોલમાં નહીં.
સો ઓન્લી પિચુક…
નોટ પીચુક.. પીચુક… પિચુક…ઓકે? ગુડબોય!