વીક એન્ડ

બદારી રેસિડન્સ – બેંગલુરૂ એક વળાંકાકાર દીવાલની મજા

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

સ્થાપત્યમાં જરૂરી નાટકીયતા માટે આ એક સારું ઉદાહરણ છે. આ મકાનની બે ખાસિયત છે એમ કહેવાય. એક, આગળના દેખાવમાં રખાયેલી વળાંકાકાર દીવાલ, તેની સાથે જોડાયેલ લીલોતરી વાળી બાલ્કની અને આ સમગ્ર સ્થાનની બે માળ જેટલી ઊંચાઈ ધ્યાન ખેંચે છે. બીજું, આ આવાસની મધ્યમાં આવેલ દીવાન-ખંડ કે જે એક યા બીજી રીતે આવાસના દરેક અગત્યના સ્થાનને અને દરેક અગત્યની આવન-જાવનને એક સાથે પકડી રાખે છે, જોડી રાખે છે. તે સાથે આ આવાસમાં કુદરતી હવા-ઉજાસને પણ યોગ્ય પ્રાધાન્ય મળ્યું છે. સમગ્ર આવાસ દીવાન-ખંડની રચનાના પ્રકારની કારણે આંતર્ભીમુખ જણાય છે તો સાથે સાથે બહારની પરિસ્થિતિ સાથેના તેના સંવાદને કારણે કંઈક બહિર્મુખતા પણ ઊભી થાય છે. આ સમગ્ર રચનામાં ભોયરા ઉપરાંત ત્રણ માળની ઊંચાઈ હોવા છતાં જે રીતે તેમાં માસીંગ કરવામાં આવ્યું છે તેનાથી તેની વિસ્તૃતતા ઓછી નથી જણાતી. આધુનિક જીવનશૈલી, આધુનિક પસંદગી, આધુનિક ઉપકરણો તથા આધુનિક સ્થાન-વ્યવસ્થાનું આ એક સારું ઉદાહરણ છે.

2019માં બંધાયેલ કાડેન્સ સ્થાપત્ય દ્વારા આશરે 2400 ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં નિર્ધારિત કરાયેલ આ રચના બીજી બધી રીતે એટલી નોંધનીય નથી. અહીં સ્થાનિક સત્તા મંડળના બાંધકામના કાયદાનું અનુસરણ કરાયું છે, સ્થાનિક આબોહવાને પ્રતિભાવ અપાયો છે, ફિનિશિંગ માટે નવીન અને ભપકાદાર સામગ્રી વપરાઈ છે, અને તે બધા સાથે સ્થપતિએ પોતાની ક્ષમતા દર્શાવી છે. આ બધાનો વ્યવસ્થિત સમન્વય કરી, સમગ્રતામાં, એક રસપ્રદ રચના અસ્તિત્વમાં આવી છે.

આ સમગ્ર રચનામાં જે તે સ્થાનની ગોપનીયતા જળવાય છે તો સાથે સાથે કૌટુંબિક સમીકરણો દ્રઢ બને તે માટેના પ્રયત્ન થયાં છે. અહીં ઉપયોગિતા પ્રમાણે સીધી દીવાલો છે તો સાથે સાથે રસ જાગ્રત કરવા માટે વળાંકોનો પણ અસરકારક ઉપયોગ થયો છે. અહીં ભૌમિતિક સાદગી પણ છે અને ક્યાંક વળાંકની મજા પણ છે. અહીં મહત્ત્વની દિશા નિર્ધારિત પણ થાય છે અને સાથે સાથે એક પ્રકારની સ્થિરતા પણ સ્થપાય છે. અહીં માનવીય પ્રમાણમાપને અનુકૂળ સ્થાન પણ છે અને ભવ્યતા અનુભવી શકાય તે માટે વિશાળતા પણ છે. અહીં દરેક સપાટી પોતાની દ્રઢતા રજૂ કરે છે અને સાથે સાથે કેટલાક કુદરતી તત્ત્વો સાથે સંવાદ પણ સ્થપાય છે. અહીં ફિનિશિંગની પેલેટને જેટલું મહત્વ અપાયું છે એટલું જ મહત્ત્વ વોલ્યુમને પણ અપાયું હોય તેમ જણાય છે. આમ પણ સ્થાપત્ય એ વોલ્યુમની રમત છે. જો વોલ્યુમ વ્યવસ્થિત હોય તો બાકીની બધી વસ્તુઓ આપમેળે ગોઠવાતી જાય. જો વોલ્યુમ વ્યવસ્થિત હોય તો ઉપયોગિતામાં પણ સરળતા રહે. સ્થાપત્યની અનુભૂતિ પણ ત્રિપરિમાણીય – વોલ્યુમેટ્રિક હોય છે.

આવાસના પ્રવેશ બાદ, નીચેના માળ પર બે માળની ઊંચાઈવાળો મકાનના હૃદય સમાન દીવાન-ખંડ છે. અહીંથી દાદરા પણ શરૂ થાય છે અને લિફ્ટ પણ. આ દીવાન-ખંડ સાથે રસોઈ, ભોજન કક્ષ, બહારની બેઠક જેવાં કૌટુંબિક તથા સામાજિક સ્થાનો સંકળાયેલા છે. ઉપરના માળની સીટિગ તેમજ લિફ્ટ તેમ જ દાદરનો માર્ગ પણ અહીં ખુલે છે. આનાથી બે માળ વચ્ચેની ઊંચાઈનો ભેદ જાણે લુપ્ત થઈ જાય છે. અહીં બાજુમાં બહારથી જ સીધા નીચે ભોયરામાં જવા માટે દાદરા અપાયા છે. અહીં પહેલા માળે બેડરૂમ છે અને એક બેડરૂમ સાથે સંકળાયેલું, નીચેના ભાગમાં ઓવર-લુક કરતું, વ્યક્તિગત સીટિગ છે. આ સીટિગથી નીચેના માળ સાથેનો દૃશ્ય-સંપર્ક જળવાઈ રહે છે. અહીંના બધા બેડરૂમ એટેચ વોર્ડરોબ તથા ટોયલેટ સાથે હોય તે સ્વાભાવિક છે. અમુક કિસ્સામાં તો બેડરૂમનું ક્ષેત્રફળ અને આ સંરચનાનું ક્ષેત્રફળ એક સમાન થઈ જાય છે.

આ જે તે કુટુંબની જીવનશૈલીનું પ્રતિબિંબ છે. મકાનની જે અનુભૂતિ માટે અગત્યની વળાંકાકાર દિવાલ છે તે આ ટોયલેટની બહારની દીવાલ છે. અહીં બીજા માળે વધુ અંગત કહી શકાય તેવું એક બેડરૂમ છે અને એક હોમ-થિયેટર સાથેનો ફેમિલી-રૂમ છે. તે ઉપરાંત અગાસીમાં જકુજી માટેનો હોજ, થોડીક લીલોતરી, મુક્ત રીતે બેસવાની જગ્યાઓ પણ છે, જે શહેરની રઘવાટ ભરેલી જિંદગીમાં થોડો વિરામ આપી શકે.અગત્યની વાત એ છે કે આ મકાનમાં ક્યાંય દંભ નથી. અહીં દેખાડો કરવાની ચેષ્ટા નથી. એક પ્રકારની રેખાકીય સ્પષ્ટતા અહીં જોવા મળે છે જેની સાથે ક્યાંક નાટકીયતા પણ ઊભરે છે. ફિનિશિંગમાં કીમતી સામગ્રી વપરાયા છતાં અહીં એક પ્રકારની સરળતાથી જોવા મળે છે. આ એક નમ્ર મકાન છે જેમાં નમ્રતા દ્રઢતાથી વ્યક્ત થઈ છે.

માલિકને ગૌરવ અપાવી શકે તેવી આ રચના છે. જોકે આ મકાનમાં જે પ્રકારનો વળાંક પ્રયોજાયો છે તેમાં થોડી શુદ્ધતાની જરૂર હતી. સાથે સાથે એમ પણ કહી શકાય કે આ વળાંક મકાનના અન્ય ભાગો સાથે કોઈ પણ પ્રકારનો સંવાદ સ્થાપિત નથી કરતો – તે એક આકસ્મિક અને અલાયદી ઘટના બની રહે છે.

સ્થાપત્યમાં નીતનવા ઘણાં પ્રયોગો થતાં રહે છે. કેટલાકને સ્વીકૃતિ મળે છે અને કેટલાક બાજુમાં ધકેલાઈ જાય છે. કેટલાક નવી વિચારધારા સ્થાપવામાં સફળ બને છે તો કેટલાક તેમાં નિષ્ફળ જાય છે. સ્થાપત્યને નિર્ધારિત કરતા પરિબળો સંખ્યામાં એટલા વધારે છે અને ગુણવત્તામાં એટલા જટિલ છે કે તેમાંના એક પરિબળ પર પણ જો, પૂરે પૂરી નિષ્ઠાથી કામ કરવામાં આવે તો પણ પ્રશંસનીય સર્જન થઈ શકે. આ વાત આ મકાનના સ્થપતિ બરાબર સમજ્યાં હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button