વીક એન્ડ

ગ્રાન કનેરિયા – ખડકો પર કોતરાયેલાં શહેરોમાં…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

એક જ વર્ષમાં બે વાર કેનેરી આયલેન્ડ થોડું જવાય? એ વાત પર અમાં પ્લાનિંગ ચાલુ થયેલું. હવે કેનેરી આયલેન્ડ તો કુલ સાત છે. તેમાંથી અમે માત્ર ફુઅર્ટેવેન્ટુરા અને ટેનેરિફે સારી રીતે ગયેલાં. બાકી હજી લાન્ઝારોટે, લા પાલ્મા, અને ગ્રાન કનેરિયાની વિગતે મુલાકાત બાકી જ હતી.

યુરોપમાં રહેવું અને ઠંડીમાં રજાઓ પ્લાન કરવાનું કામ સાથે આવે એટલે કેનેરી ટાપુઓ પહેલાં યાદ આવે. હજી સ્પ્રિગમાં ફુઅર્ટેવેન્ટુરામાં વધુપડતી હાઇક કરીને પાછાં આવેલાં એટલે ડિસેમ્બરમાં ફરી એક અઠવાડિયું જરા બ્રેકની વાત થઈ તો પહેલાં મડૈરા, ગ્રીસનો કોઈ ટાપુ કે ઇજિપ્ત જ પહોંચી જવાની ચર્ચા થઈ. પછી થયું કે હજી પાંચ ટાપુઓ બાકી જ હોય તો વેધર અને લાઇટ બંને ગ્રાન કનેરિયાનાં માફક આવે તેમ છે. એક સમયે તો હું ફુઅર્ટેવેન્ટુરા પાછી જવા તૈયાર થઈ ગઈ હતી, ત્યારે લાગ્યું કે એક જ સ્થળે વારંવાર વેકેશન પર જવાની જર્મન આદત હવે નજીક આવી ચૂકી છે. અંતે જ્યારે ગ્રાન કનેરિયાનું બુકિગ થયું ત્યારે પહેલી શાંતિ એ હતી કે ડિસેમ્બરમાં જર્મનીની ત્રણ-ચાર ડિગ્રીમાંથી ગ્રાન કનેરિયાની પચ્ચીસ-ત્રીસ ડિગ્રીમાં જવા મળશે. એક અઠવાડિયું તો નક્કી હૂંફાળું બની જશે.

એક કલાકનો ટાઇમ ડિફરન્સ અને સાડા ચાર કલાકની ફ્લાઇટ અમને નોર્થ આફ્રિકાની પેરેલલ એટલાન્ટિકમાં ગોઠવાયેલા આ ટાપુઓ પાસે લઈ આવી. લેન્ડ થતાંની સાથે જ હૂડિઝમાં ગરમી થવા લાગી હતી. કાર રેન્ટ કરી અને અમારી ચાર જણાની નાનકડી પાર્ટી એક સ્થાનિક એસયુવીમાં અમારા એપાર્ટમેન્ટ તરફ નીકળી પડી. રસ્તામાં ખડકો, વેજિટેશન, નાનકડો દરિયાકિનારાનો રનવે, બધી વાતો થઈ. રોડ્સ એટલા મજેદાર હતા કે એક વાત તો નક્કી લાગી, કેનેરી આયલેન્ડ ટૂરિઝમની કમાણી પર રિચ જરૂર બની ગયા છે, બાકી ગ્રાન કનેરિયા તો એવી રીતે ખડકોથી લદાયેલો ટાપુ છે કે ત્યાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ખડકો અને પહાડોને કોતરીને બનાવવામાં આવેલું છે. એવા જ રસ્તાઓ પર ગબડતી ગાડીમાં રસ્તામાં પોકેટ્સમાં આવતાં હોટલ અને રિસોર્ટ દેખાયાં. વચ્ચે એક આખો વિસ્તાર હોલીડે હોમ્સનો આવ્યો. ત્યાં જ ઘણી સુપરમાર્કેટો પણ હતી. ત્યાં રોકાઈને થોડો નાસ્તો અને થોડા દિવસ ચાલે એટલું પીવાનું પાણી લીધું. વેકેશન મોડ એકદમ હાઇ પર હતો.

આમ તો બધા કેનેરી ટાપુઓ સ્પેનનો ભાગ છે અને દરેક ટાપુ પર પોતાનાં અલગ રિજન અને શહેરો છે. ગ્રાન કનેરિયાની મ્યુનસિપાલીટીઓને વિગતે સમજવાનો મોકો તો નહોતો મળ્યો, પણ અમે તે સમયે ગ્રાન કનેરિયાના પુર્ટો રિકો નામના ગામમાં એક અપાર્ટમેન્ટમાં રોકાયેલાં. ત્યાં રિસોર્ટ માટેનું સૌથી લોકપ્રિય ગામ છે માસપાલોમાસ. ત્યાંની ટૂરિસ્ટી ભીડથી અમે થોડું દૂર રહેવાનું પસંદકરેલું. જોકે ઓનલાઈન ફોટા પર દેખાતો હતો એટલો જ આકર્ષક એપાર્ટમેન્ટ ખુદ હવે એક ટૂરિસ્ટી એરિયામાં જ હતો. બધી તરફ નજર પડે ત્યાં સુધી કાં તો દરિયો હતો કાં તો બીચ રિસોર્ટ અથવા હોલીડે એપાર્ટમેન્ટ્સ. મજાની વાત એ છે કે રિટાયર્ડ યુરોપિયનો અને બ્રિટિશરો તો અહીં મહિનાઓ સુધી પડ્યાં રહે છે. એટલે અહીં જે પણ નવું બાંધકામ થાય છે તે ટૂરિઝમ સંબંધિત જ છે. આ ટૂરિસ્ટી વિસ્તારોને બાદ કરતાં થોડાં શહેરોમાં સ્થાનિક લોકોનાં ઘરો પણ છે જ. જોકે અહીં જે પણ લોકલ રહે છે તે કોઈ ને કોઈ રીતે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં લાગે છે.

યુરોપની જ લોકપ્રિય માર્કેટ ચેઇન સ્ટોર સ્પાર, આલ્ડી વગેરે અહીં પણ હતાં જ, પણ તેમનું પણ સ્થાનિક સ્વરૂપ હંમેશાં જોવા જેવું હોય જ છે. ખાસ તો અહીં લોકલ ફ્રૂટ્સ, ડ્રિંક્સ અને નાસ્તામાં હંમેશાં કંઇનું કંઇ અલગ મળી જ આવતું. આ વખતે અમે એપાર્ટમેન્ટ પસંદ એટલે કરેલો કે હોટલના ફિક્સ્ડ બ્રેકફાસ્ટ, ઓલ ઇન્ક્લુસિવ મીલ્સ અને ડ્રિંક્સમાં તબિયત અને ફિટનેસનો દાટ વળી જતો. સેલ્ફ કેટરિગ વધુ મોંઘું પડે અને સતત હવે ક્યાં ખાઇશું અને શું કરીશુંના પ્રશ્નો પણ રહે, પણ અંતે તેની પણ અલગ મજા હોય છે. અમે આ વખતે તે મજા પણ લઈ જોઈ. અંતે તો ઘણી સ્થાનિક રેસ્ટોરાં ટ્રાય કરવા પણ મળી જ. રોજ એક જ પ્રકારનાં બૂફેથી આ વખતે બ્રેક મળ્યો તે પણ સાં રહૃુાં.

પુર્ટોરિકો એવા ખડક કે પછી ટેકરી પર બનેલું હતું જેને ધીરે ધીરે અલગ અલગ સ્ટેજ પર સમતળ બનાવીને રહેવાલાયક બનાવવામાં આવ્યું હતું. ત્યાં દરેક રોડથી દરિયો તો દેખાતો જ, સાથે દરેક બાંધકામ એ રીતે થતું કે બધું જ સી-ફેસિંગ બને. અહીં સી-ફેસિંગ ન હોવા માટે સાવ ટોચ પર જઈને ઊંધી દિશા પકડવી પડે તેવું હતું. પહાડ પર લગભગ ટોચ પાસે સી-ફેસિંગ એપાર્ટમેન્ટ તો મજેદાર રહૃાો, ત્યાં સાત દિવસ સુધી રોજ પાર્કિંગ કરવામાં ખાસ કસોટી થઈ ગઈ. અહીં બીજી એક કસોટી હતી સ્પેનિશ બોલવાની. મોટાભાગે હોટલ કે એપાર્ટમેન્ટના રિસેપ્શન સિવાય કોઈ ભાગ્યે જ અંગ્રેજી બોલતું. રેસ્ટોરાંનાં વેઇટરો પણ ભાગ્યે જ અંગ્રેજી બોલતા. જોકે તેનાથી કોઈ દિવસ કામ અટક્યું નહિ. રેગ્યુલર સ્પેનિશ બોલતા દેશોમાં જવાનું થાય ત્યારે સ્પેનિશ શીખવાની ઇચ્છા થઈ આવે તે પણ સ્વાભાવિક છે. તે પણ બકેટ લિસ્ટ પર છે જ.

ગ્રાન કનેરિયામાં આવીને પડ્યા રહેવાનું પણ શક્ય છે જ. ક્યારેક પૂલ પાસે પડ્યા રહો, ક્યારેક બીચ પર, ક્યારેક બાલકનીમાં, પણ ભારતીય પ્રવાસીઓ માત્ર પડ્યાં રહે તે ઘણું મુશ્કેલ લાગે. આવનારા દિવસોમાં બનાના પ્લાન્ટેશન, ડ્યુન્સ, સ્થાનિક મર્કાડો, એક્વેરિયમ, બર્ડ પાર્ક અને ડોલ્ફિન શોના પ્લાન બની ચૂક્યા હતા. ટાપુ ભલે નાનો રહૃાો, અમે ત્યાંનું વૈવિધ્ય ચૂકવાનાં ન હતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button