અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠને લઈ શહેરને શણગારવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા દ્વાદશી ઉત્સવને લઈ શહેરમાં ઉત્સાહનો માહોલ છે. સીએમ યોગી આદિત્યનાથ આજે ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. શ્રીરામ જન્મભૂમિ ભવ્ય મંદિરમાં રામલલ્લાના વિરાજમાન થવાના પ્રથમ વાર્ષિકોત્સવ પ્રતિષ્ઠા દ્વાદશી પર આજથી 13 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. 11 જાન્યુઆરીએ રામલલ્લાના મહાભિષેક, શ્રૃંગાર, ભોગ અને પ્રાક્ટ્યની આરતી થશે. જે બાદ બપોરે 2 થી 5 વાગ્યા સુધી મુખ્ય સમારોહ યોજાશે. જેનો શુભારંભ યોગી આદિત્યનાથ કરશે.
આ ઉપરાંત અગંદ ટીલા પર રામચરિતમાનસના પાઠ, રામાયણ પ્રવચન, શ્રીરામ જન્મ કથા અને સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. રામલ્લાના દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓને મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે. શ્રીરામ રાગ સેવા અને વધાઇ ગીતનો કાર્યક્રમ પણ યોજાશે.
Also read: પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ હવે રાષ્ટ્ર પ્રતિષ્ઠાનો સમય છેઃ પીએમ મોદી
પ્રાણ પ્રતિષ્ઠા અવસર પર દર્શન માટેની સમય મર્યાદામાં દોઢ કલાકનો વધારો કરવામાં આવ્યો છે. રામલલ્લાની ઉત્સવ મૂર્તિ તથા બાળક રામ માટે દિલ્હીમાં વિશેષ વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યા છે. આ વસ્ત્રોમાં સોના-ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિર પરિસરને 50 ક્વિન્ટલ કરતાં વધુ ફૂલોથી સજાવાયું છે. સમગ્ર કાર્યક્રમ પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. એટીએસની ટીમ પણ સુરક્ષામાં લગાવવામાં આવી છે. વીઆઈપીની હાજરી તથા ભીડને ધ્યાનમાં રાખી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠને ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે. સમગ્ર અયોધ્યાને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.