Weather Update Today: રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યમાં આજે પણ ધુમ્મસ છવાયેલું છે. પશ્ચિમ હિમાલય વિસ્તારમાં પશ્ચિમ વિક્ષોભ સક્રિય થવાથી હવામાન વિભાગે આગામી બે દિવસ 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને વાતાવરણ ખરાબ રહેવાનું એલર્ટ જાહેર કર્યુ છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડો પર ભારે હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય અનેક જગ્યાએ વરસાદની પણ શક્યતા છે.
હવામાન વિભાગે શનિવાર અને રવિવારની સાજે તથા રાતના સમયે હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે. તેનાથી ઠંડીમાં વધારો થશે, તેમજ ગાઢ ધુમ્મસ પણ છવાયેલું રહેશે. વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગ મુજબ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાનમાં 12-13 જાન્યુઆરી તથા પૂર્વ ઉત્તર પ્રદેશમાં 11 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેશે. આગામી ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન 2-4 ડિગ્રી વધવાની સંભાવના છે, જે બાદ તેમાં ઘટાડો થશે.
મુંબઈમાં કેવું રહેશે હવામાન
મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ઉત્તર ભારતની ઠંડી હવાની અસર જોવા મળી રહી છે. મુંબઈમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી આસપાસ રહેશે. અહીંયા પ્રદૂષણનું સ્તર પણ વધી ચૂક્યું છે પરંતુ રાહતના કોઈ સંકેત નથી.
મધ્યપ્રદેશમાં બે દિવસ સુધી ઠંડીમાં રાહત મળશે. આજે અને આવતીકાલ માટે ગ્લાલિયર, જબલપુર સહિત 34 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં અનેક જિલ્લામાં શીતલહેર ફરી વળી છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ઓડિશામાં લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણું કરતાં જોવા મળ્યા હતા. આગામી બે દિવસ કાતિલ ઠંડી પડી શકે છે.
Also read: Gujarat માં ઠંડીનો ચમકારો વધ્યો, કોલ્ડ વેવથી લોકો ઠુંઠવાયા
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા 7 દિવસ માટે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, એટલે કે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. આ સાથે જ ઠંડીના જોરમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એકે દાસે વધુમાં જણાવ્યું હતું કે, 7 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે અને લઘુત્તમ તાપમાન આગામી 24 કલાકમાં 2-3 ડિગ્રી ઊંચું જવાની શક્યતાઓ છે પરંતુ તે પછી લઘુત્તમ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ઉત્તરાયણ દરમિયાન ઠંડીનો અનુભવ થશે.