બોલો! દમણ એક્સાઇઝ વિભાગના ગોડાઉનમાંથી ચોરાયો લાખો રૂપિયાનો સરકારી દારૂ…
અમદાવાદઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક્સાઇઝ વિભાગના દારૂના ગોડાઉન માંથી જ લાખો રૂપિયાના સરકારી દારૂ ચોરી કરીને ગુજરાતમાં જ વેચી માર્યો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે દમણ પોલીસે ગણતરીના કલોકોમાં જ સરકારી દારૂ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. એક્સાઇઝ વિભાગને ચોરીની વાત ધ્યાને આવતા આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. મોટી દમણ વિસ્તારમાં કોટ વિસ્તારમાં એક્સાઇઝ વિભાગનું ગોડાઉન આવેલું છે જ્યાં વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂનો કરોડો રૂપિયાની કિંમતનો દારૂ સંગ્રહ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ઓણ કેસર કેરી મન મૂકીને ખાજોઃ સૌરાષ્ટ્રના આંબા મોરથી લચી પડ્યા, જૂઓ વીડિયો…
375 થી વધુ વિદેશી દારૂની પેટીઓની ચોરી
આ જપ્ત કરેલા દારૂમાંથી રૂપિયા 14 લાખથી વધુ ની કિંમતના 375 થી વધુ વિદેશી દારૂની પેટીઓની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરી હતી. આથી દમણ પોલીસે દારૂ ચોરીનો ભેદ ઉકેલવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી અને અન્ય ટેકનિકલ સર્વેલન્સના આધારે દમણ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. દમણ પોલીસે આ મામલામાં 9 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કઈ રીતે કરી ચોરી?
આ સરકારી દારૂ ચોરીની ઘટનામાં પોલીસની તપાસમાં ચોંકાવનારી વાત બહાર આવી હતી. મોટી દમણના વિશાલ હળપતિ અને હિરલ હળપતિ નામના બે માસ્ટરમાઈન્ડએ તેમના મિત્રોની એક ગેંગ બનાવી અને સૌ પ્રથમ એક્સાઇઝ વિભાગના આ દારૂના ગોડાઉનની રેકી કરી હતી. ત્યારબાદ મોકો મળતા જ રાત્રે ગોડાઉનની છતના પતરા ના સ્ક્રુ ખોલીને પતરા ખસેડી અને ગોડાઉનમાંથી એક પછી એક 375 થી વધુ વિદેશી દારૂની પેટીઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : Vadodara માં ઓનલાઈન ફૂડ ડિલિવરી બોયની શરમજનક હરકત, યુવતીનો હાથ પકડતા ધરપકડ કરાઇ
નવ લોકોની ધરપકડ
પોલીસે આ કેસમાં નવ લોકોની ધરપકડ કરી છે. તે નવ આરોપીઓમાં વિશાલ ભીખુભાઈ હળપતિ , હિરલ રમણભાઈ હળપતિ, દક્ષેશ ઈશ્વરભાઈ હળપતિ, ચિરાગ જગદીશભાઈ હળપતિ, વિશાલ ઉર્ફે નીમુ મહેશ હળપતિ, જીગર રાજુ હળપતિ , પ્રતિક ભીખૂભાઈ હળપતિ, વિવેક દિપકભાઈ હળપતિ અને હર્ષ દિપકભાઈ હળપતિનો સમાવેશ થાય છે.