સ્પોર્ટસ

6, 4, 4, 6, 4, 6: મૅચના છેલ્લા છ બૉલમાં બન્યા 30 રન, રિન્કુની જેમ બાજી પલટી નાખી!

સિલ્હટઃ બાંગ્લાદેશના 31 વર્ષની ઉંમરના રાઇટ-હૅન્ડ બૅટર અને રંગપુર રાઇડર્સ ટીમના કૅપ્ટન-વિકેટકીપર નુરુલ હસન ગુરુવારે અહીં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં છવાઈ ગયો હતો. તેણે છેલ્લી ઓવરમાં પોતાની ટીમને ફૉર્ચ્યુન બારિશાલ નામની ટીમ સામે જિતાડવાની હતી અને એ ઓવરના છ બૉલમાં તેણે 6, 4, 4, 6, 4, 6ના સ્કોરિંગ શૉટ સાથે 30 રન ખડકીને રંગપુરની ટીમ વતી રંગ રાખ્યો હતો. તેણે 2023ની આઇપીએલને ગુંજવી નાખનાર રિન્કુ સિંહની ફટકાબાજી યાદ કરાવી દીધી હતી.

આ પણ વાંચો : વિરાટ અને અનુષ્કાએ બે હાથ જોડીને શાષ્ટાંગ પ્રણામ કર્યા, વિડિયો વાયરલ થયો…

રંગપુરે 198 રનનો લક્ષ્યાંક મેળવવાનો હતો. 19મી ઓવરને અંતે રંગપુરનો સ્કોર 172/7 હતો. વેસ્ટ ઇન્ડિઝથી રમવા આવેલા પેસ બોલર કાઇલ માયર્સને એ અંતિમ ઓવરની જવાબદારી સોંપાઈ હતી. નુરુલ હસન સ્ટ્રાઇક પર હતો અને એ આખરી ઓવરમાં રંગપુરે 26 રન બનાવવાના હતા. માયર્સના પ્રથમ બૉલમાં સિક્સર ફટકાર્યા બાદ બીજા-ત્રીજા બૉલમાં નુરુલે બૅક-ટુ-બૅક ફોર ફટકારી હતી. ચોથા બૉલમાં ફરી સિક્સર ફટકારાઈ અને પાંચમા બૉલમાં વધુ એક ફોર મારવામાં આવી હતી. એ તબક્કે 24 રન થઈ ગયા હતા અને જીતવા માત્ર બે રન જોઈતા હતા. જોકે નુરુલે માયર્સના છેલ્લા બૉલને પણ નહોતો છોડ્યો અને સિક્સર ફટકારી દીધી હતી.

નુરુલની આ ઇનિંગ્સ પરથી 2023ની આઇપીએલની રિન્કુ સિંહ (48 અણનમ, 21 બૉલ, છ સિક્સર, એક ફોર)ની ફટકાબાજી યાદ આવી ગઈ. કોલકાતાના રિન્કુએ ત્યારે ગુજરાત ટાઇટન્સના યશ દયાલ (4-0-69-0)ની મૅચની છેલ્લી ઓવરના છેલ્લા પાંચ બૉલમાં પાંચ સિક્સર ફટકારીને કેકેઆરને રોમાંચક વિજય અપાવ્યો હતો.

આખી મૅચની વાત કરીએ તો ફૉર્ચ્યુન બારિશેલે 20 ઓવરમાં પાંચ વિકેટે 197 રન બનાવ્યા હતા જેમાં કાઇલ માયર્સના અણનમ 61 રન હાઇએસ્ટ હતા જે તેણે ફક્ત 29 બૉલમાં સાત સિક્સર અને એક ફોરની મદદથી બનાવ્યા હતા. કૅપ્ટન તમીમ ઇકબાલે 34 બૉલમાં બે સિક્સર, ચાર ફોરની મદદથી 40 રન અને વિકેટકીપર નજમુલ શૅન્ટોએ 30 બૉલમાં એક સિક્સર, પાંચ ફોર સાથે 41 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : 20મી ટાટા મુંબઈ મૅરેથોનમાં રેકૉર્ડ-બ્રેકિંગ 60,000 રનર ભાગ લેશે

રંગપુર રાઇડર્સે 20 ઓવરમાં સાત વિકેટે 202 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. એમાં ઇફ્તિખાર અહમદ (48 રન, 36 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અને ખુશદિલ શાહ (48 રન, 24 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)ના એકસરખા યોગદાન હતા. ઓપનર તૌફિક ખાન (38 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નો પણ સારો ફાળો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button