આજથી મા દુર્ગાની ભક્તિના પવિત્ર પર્વ નવરાત્રિનો આરંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે એક વર્ષમાં કુલ ૪ નવરાત્રિ આવે છે. એમાંની એક મુખ્ય નવરાત્રિ એટલે આસો માસની નવરાત્રિ. આ વર્ષે નવરાત્રિ અખંડ છે. એટલે કે નવરાત્રિ પર્વ દરમ્યાન કોઈ તિથિ ક્ષય કે વૃદ્ધિ થતી નથી. માતાજીની ઉપાસના – ભક્તિ દ્વારા આધ્યાત્મિક ઊર્જા મેળવવાનું પર્વ એટલે શારદીય નવરાત્રિ. તા.૧૫મી ઑકટોબરને રવિવાર થી તા.૨૩મી ઑકટોબરને સોમવાર સુધી અખંડ શારદીય નવરાત્રિ દરમિયાન નવદુર્ગાનું પૂજન થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં નવરાત્રિ એટલે નવ દિવસ સુધી ચાલનારી માઁ નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાની સાથે સાથે કેટલાય ઘરોમાં ઘટસ્થાપન કરવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ માતાજીની અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. માઁ શક્તિની ઉપાસના કરવાવાળા ભક્તો માતાજીની નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવી માઁની પૂજા-અર્ચના-સાધના-આરાધના કરતાં હોય છે. આ તહેવારમાં અખંડ દીવાનું અનેરું મહત્ત્વ ગણાય છે. તેને સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે એટલે અખંડ જ્યોત માતાજીના નવે નવ દિવસ અખંડ જ્યોત સતત ચાલુ રાખવામાં આવે છે.
માતાજીની સામે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી તે ઘર ઉપર સદાય માઁ ની કૃપા વરસતી રહે છે. નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવવી સ્વાસ્થ્ય માટે બહુ જ સારું છે. કારણ કે ઘી અને કપૂરની મહેંકથી સાધકની શ્ર્વાસોચ્છવાસની પ્રક્રિયામાં સુધારો થઇ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી વધે છે. નવરાત્રિમાં અખંડ દીપક પ્રગટાવવાથી માઁ પોતાના ભક્તોને કદાપી નિરાશ નથી કરતી. ઘરમાં ક્લેશ – કંકાસ થતો નથી, વાતાવરણ શુદ્ધ બને છે.