મહારાષ્ટ્ર

ભેદી ઘટના! મહારાષ્ટ્રના ત્રણ ગામના લોકોના માથામાં અચાનક ટાલ પડી ગઈ, તંત્ર દોડતું થયું

બુલઢાણા: મહારાષ્ટ્રના પશ્ચિમ વિદર્ભના બુલઢાણા જિલ્લાના 3 ગામને એક રહસ્યમય બીમારીએ ભરડામાં લીધા છે. અચાનાક બોંડગાંવ, કાલવડ અને હિંગણા ગામના રહેવાસીઓના માથાના વાળ ખરવા (Sudden hair fall in Maharastra Villages) લાગ્યા, માત્ર ત્રણ દિવસના સમયગાળામાં રહેવાસીઓના માથામાં ટાલ પડી ગઈ. આ ઉપરાંત લોકોના હાથ, પગ અને છાતીના વાળ ખરી ગયા. ગામવાસીઓ સાથે આવું કેમ થઇ રહ્યું છે, એ અંગે ચોક્કસ જાણકારી મળી શકી નથી.

તંત્ર દોડતું થયું;
આ સમસ્યાની જાણકારી મળતા જ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી દોડતા થઇ ગયા છે. અધિકારીઓ ત્રણેય ગામમાં પહોંચી ગયા છે અને આ ઘટના પાછળના કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ દર્દીઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, અને સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગની ટીમના જણાવ્યા અનુસાર, લગભગ 150 લોકો આ સમસ્યાથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે અને ડોકટરોને શંકા છે કે આ સંખ્યા વધી શકે છે. ડોક્ટરો માને છે કે વાળ ઝડપથી ખરવાનું કારણ પાણીમાં ભળેલું હાનીકારક રસાયણ હોઈ શકે છે, જેને કારણે સ્વાસ્થ્ય અંગે સમસ્યા ઉભી થઇ શકે છે. તપાસ ટીમમાં સામેલ એક સ્કિનકેર નિષ્ણાતે જણાવ્યું હતું કે ત્રણેય ગામડાઓમાંથી એકત્રિત કરાયેલા પાણીના નમૂના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. અધિકારીઓને આશા છે કે વધુ તપાસ પછી જ ચોક્કસ કારણ જાણી શકાશે.

Also read: ખરેખર મુખ્ય પ્રધાનના વખાણ કે પછી મહારાષ્ટ્રમાં ફરી રાજકારણ ગરમાશે?

આ લક્ષણો બાદ વાળ ખરી રહ્યા છે:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભોગ બનેલા લોકોએ જણાવ્યું હતું કે શરૂઆતમાં માથાના ભાગ પરની ચામડીમાં ખંજવાળ આવવાનું શરુ થાય છે, ત્યારબાદ વાળ પાતળા થવા લાગે છે અને થોડા દિવસોમાં વાળ ઝડપથી ખરવા લાગે છે.

ગામલોકોએ આપવીતી જણાવી:
મીડિયા સાથે વાત કરતા એક મહિલાએ કહ્યું કે ગયા રવિવારથી તેના વાળ ખરી રહ્યા હતા. તેણે વાળ એક નાની બેગમાં સાચવીને રાખ્યા છે. એક યુવકે કહ્યું કે તેના વાળ સતત ખરી રહ્યા છે અને છેલ્લા દાઢીના વાળ પણ ઝડપથી ખરી રહ્યા છે. ઘણા લોકોએ પોતાના માથા મુંડાવી નાખ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button