મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને મળશે ચોખ્ખી હવા, કરવામાં આવ્યું છે આ ખાસ આયોજન
પ્રયાગરાજઃ મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મકાકુંભમાં આવતા તમામ શ્રદ્ધાળુઓને શુદ્ધ હવા મળી રહે તે માટે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં મિયાવાકી દ્વારા 56,000 વર્ગ મીટરથી વધુ વિસ્તારમાં ઑક્સિજન બેંક તૈયાર કરવામાં આવી રહી છે. હાલ તે ગાઢ વનમાં બદલાઇ ચૂક્યું છે. આ પ્રયાસોના કારણે પર્યાવરણનું સંરક્ષણ થવાની સાથે શહેરની વાયુ ગુણવત્તામાં પણ સુધારો થયો છે.
મિયાવાકી પદ્ધતિ શું છે
મિયાવાકી પદ્ધતિની શોધ જાણીતા જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકીએ 1970ના દાયકામાં કરી હતી. આ ટેકનિકથી વૃક્ષોને ખૂબ નજીક લગાવવામાં આવે છે. જેનાથી તે ખૂબ ઝડપથી વધે છે અને એક ગાઢ વનનું રૂપ લે છે. આ ટેકનિકથી છોડ 10 ગણી ઝડપથી વધે છે. જેનાથી શહેરોમાં જંગલનો આભાસ રચાય છે. મિયાવાકી ટેક્નિકમાં મિશ્રિત દેશી પ્રજાતિના છોડ વાવવામાં આવે છે. જેનાથી પ્રાકૃતિક વનનો અનુભવ થાય છે. આ ટેકનિકથી માટીની ગુણવત્તામાં સુધારો થાય છે અને વનના વિકાસને ગતિ મળે છે.
Also read: મહાકુંભમાં રેલવે કર્મચારીઓના જેકેટ પર લગાવેલા સ્કેનરથી મુસાફરો ટિકિટ બુક કરાવી શકશે
પ્રયાગરાજ નગર નિગમે આ ટેકનિકોનો ઉપયોગ કરીને શહેરમાં 10થી વધારે સ્થાનો પર વૃક્ષારોપણ કર્યુ છે. આ વિસ્તારોમાં વૃક્ષો વાવવાથી ન માત્ર ગંદકી અને દુર્ગંધ દૂર થઈ છે પરંતુ પર્યાવરણમાં પણ સુધારો થયો છે. ઉપરાંત તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પ્રયાગરાજમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણની શરૂઆત આશરે ચાર વર્ષ પહેલા 2020-21માં કરવામાં આવી હતી. નાના સ્તર પર શરૂ થયેલા આ પ્રોજેક્ટને 2023-24માં મોટા પાયે વિસ્તારવામાં આવ્યો હતો.
કયા વૃક્ષો વાવવામાં આવ્યા
મિયાવાકી પદ્ધતિથી આંબા, મહુડા, લીમડા, આંબલી, તુલસી, આંબળા, બોરડી, કદંબ, વાંસ, ગુલમહોર જેવા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.