નવરાત્રિ પૂર્વે જ પાવાગઢ ખાતે લાખ્ખો માઇભક્તો શનિવારથી જ માતાજીના દર્શનાર્થે ઊમટ્યા
શનિ-રવિની રજામાં દર્શન સાથે ફરવાનો બમણો લાભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ પૂર્વે શનિવારે જ માઇભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું અને સમગ્ર પાવાગઢ ડુંગર સહિત તળેટી જય માતાજીના જયઘોષથી ગુંજી ઊઠી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ૫૧ શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાય છે. પાવાગઢ ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માઇભક્તો વાર તહેવાર સહિત રોજે-રોજ પાવાગઢ ખાતે પધારી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જેમાં આસો અને ચૈત્રી નવરાત્રિમાં મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીની આરાધના કરવાનો અનેરો મહિમા છે. આસો નવરાત્રિ રવિવારથી આરંભ થાય છે ત્યારે નવરાત્રિના આરંભ પહેલાથી જ યાત્રાધામ પાવાગઢ ખાતે માઈ ભક્તોનું પૂર શનિવારથી ઉમટવાનું શરૂ થયું હતું.
સમગ્ર ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી માતાજીના રથ લઈ ઢોલ નગારા સાથે પગપાળા તેમજ પોતાના ખાનગી વાહનો તેમજ સરકારી બસોમાં હજારોની સંખ્યામાં માઇભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઊમટી પડતા છેક ડુંગરની તળેટી ચાંપાનેરથી લઈ માચી અને ડુંગર પર માતાજીના મંદિરના પરિસર સુધી ઠેર-ઠેર માનવ મહેરામણ ઊમટેલું જોવા મળ્યું હતું. સમગ્ર પાવાગઢ ડુંગર સહિત તળેટીમાં ચાંપાનેર અને માચી ખાતેના રોડ રસ્તાઓ જય માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યા હતા. આસો નવરાત્રિના પાવન પર્વને અનુલક્ષીને યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવવાની શક્યતાઓને પગલે મા કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ અને સ્થાનિક વહીવટીતંત્ર, એસટીતંત્ર તેમજ પોલીસતંત્ર દ્વારા તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ કરાઇ છે. નવરાત્રિના આરંભ પહેલાથી જ હજારોની સંખ્યામાં માઇ ભક્તો પાવાગઢ ખાતે ઉમટી પડતા સ્થાનિક પોલીસ દ્વારા ભક્તજનોની સુરક્ષા સલામતીની જાળવણીને લઈને ઠેર-ઠેર ચુસ્તબંદોબસ્ત ગોઠવી વધારાનો પોલીસબંદોબસ્ત ગોઠવી ઠેર-ઠેર ચાંપતી નજર રાખવામાં આવી હતી.