World Hindi Day 2025: ભારત વિવિધ ભાષાઓથી સમૃદ્ધ દેશ છે પરંતુ દેશની ઓળખ મૂળ રીતે હિન્દી ભાષાથી થાય છે. હિન્દી રાષ્ટ્રભાષા છે. જે ભારતની સાંસ્કૃતિક અને ભાષાકીય એકતાનું પ્રતીક છે. દેશમાં આશરે 40 ટકા ભારતીયોની માતૃભાષા હિન્દી છે. હિન્દી માત્ર ભાષા જ નહીં પંરતુ ભારતીયોની ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. હિન્દી ભાષાનો વ્યાપ એટલો વધારે છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. હિન્દીના મહત્ત્વને દેશ-વિદેશ સુધી પહોંચાડવા દર વર્ષે વૈશ્વિક સ્તર પર હિન્દી દિવસ મનાવવામાં આવે છે.
કારોબારમાં હિન્દીનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની વધતી હાજરીને કારણે આંતરરાષ્ટ્રીય વ્યવસાય માટે અંગ્રેજીથી હિન્દી અનુવાગ મહત્વપૂર્ણ છે. હિન્દી 52.80 કરોડ લોકોની માતૃભાષા છે અને તેને બિઝનેસ વ્યૂહરચનામાં અપનાવવાથી વિશ્વભરના હિન્દી ભાષી પ્રેક્ષકો સાથે પહોંચવામાં મદદ મળી શકે છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગ એટલે કે બોલિવૂડએ પણ દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
હિન્દી ફિલ્મનો બિઝનેસ
હિન્દી ફિલ્મ ઉદ્યોગ એટલે કે બોલિવૂડ પણ આ ભાષાના આધારે મોટો વ્યવસાય કરે છે. એક અહેવાલ મુજબ, 2023 માં કુલ બોક્સ ઓફિસનું કલેકશન 130 અબજને સ્પર્શી ગયું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ કમાણી કરતું વર્ષ બનાવ્યું હતું. ભારતમાં વિશ્વનો સૌથી જૂનો અને સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ છે, અહીં બોલિવૂડ બોક્સ ઓફિસ પર રાજ કરે છે. કોવિડ-19 મહામારી આવી તે પહેલાં, ભારતની બોક્સ ઓફિસની આવક 114 અબજ રૂપિયાથી વધુની હતી. કોવિડ પછી, થિયેટરોમાં મૂવી જોનારાઓના પાછા ફરવાને કારણે 2022 માં મૂવી ટિકિટના સરેરાશ ભાવમાં લગભગ 37 ટકાનો વધારો થયો હતો.
હિન્દી ભાષાનું આર્થિક મહત્ત્વ
ભારતના વિવિધ રાજ્યોમાં હિન્દી ભાષાનું આર્થિક મહત્ત્વ ખૂબ વધારે છે. હિન્દી ભાષી વિસ્તારો વસ્તીનો નોંધપાત્ર ભાગ ધરાવે છે. હિન્દી જાહેરાતો અને માર્કેટિંગ કેમ્પેઇનનો ઉપયોગ કરીને બિઝનેસને વ્યાપક લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે. એક અહેવાલ મુજબ, ભારતમાં લગભગ 57% ઇન્ટરનેટ વપરાશકર્તાઓ ભારતીય ભાષાઓનો ઓનલાઇન ઉપયોગ કરે છે, જેમાં હિન્દી મોખરે છે. હિન્દી જાહેરાત ગ્રાહકના વર્તન પર ખૂબ પ્રભાવ પાડે છે. પ્રાદેશિક બજારોમાં હિન્દીનો ઘણો પ્રભાવ છે. ઘણી કંપનીઓ માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં હિન્દીનો ઉપયોગ કરીને, વિશાળ બજાર સુધી પહોંચે છે.
વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ હિન્દી ભાષાના વૈશ્વિક પ્રચાર અને મહત્ત્વને પ્રોત્સાહન આપવાનો છે. પ્રથમ વખત વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન 10 જાન્યુઆરી 1975ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયું હતું. આ ઐતિહાસિક પરિષદનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાનો હતો. આ પરિષદમાં લગભગ 30 દેશોના 122 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. યુરોપિયન દેશ નોર્વેમાં ભારતીય દૂતાવાસમાં પ્રથમ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ હિન્દી દિવસનું મહત્ત્વ
આ દિવસ હિન્દી ભાષાને વૈશ્વિક સ્તરે માન્યતા આપવાનો પ્રયાસ છે.
વિદેશમાં હિન્દી ભાષા પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવા માટે આ ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે, વિવિધ દેશોમાં ભારતીય દૂતાવાસો અને હાઇ કમિશન દ્વારા હિન્દી વર્કશોપ, પરિષદો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.