પાસપોર્ટ કૌભાંડ: સીબીઆઈના પ. બંગાળ અને સિક્કિમમાં પચાસ સ્થળે દરોડા
કોલકાતા: બનાવટી દસ્તાવેજોને આધારે પાસપોર્ટ આપવાને મામલે સીબીઆઈએ એક અધિકારી સહિત બે જણની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ શનિવારે કહ્યું હતું. એજન્સીએ શનિવારે પ. બંગાળ તેમ જ સિક્કિમસ્થિત જુદા જુદા પચાસ સ્થળે દરોડા પાડ્યા હતા અને સરકારી અધિકારી સહિત ૨૪ જણને અટકાયતમાં લીધા હતા. પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમમાં અમે પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કરી સિક્કિમના પાસપોર્ટ સેવા લઘુ કેન્દ્ર (પીએસએલકે)ના વરિષ્ઠ સુપરિન્ટેન્ડન્ટ અને એક પાસપોર્ટ એજન્ટની ધરપકડ કરી હોવાનું તેમણે કહ્યું હતું. સિક્કમના ગંગટોકસ્થિત પાસપોર્ટ સેવા લઘુ કેન્દ્ર ખાતે એક વ્યક્તિ પાસેથી રૂ. ૧.૯૦ લાખની લાંચ લેતા વરિષ્ઠ સુપરિન્ટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી હોવાનું સીબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. કોલકાતાસ્થિત નાયબ પાસપોર્ટ અધિકારી અને અન્ય સરકારી કર્મચારી સહિત ૨૪ આરોપીઓ વિરુદ્ધ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. દરોડા દરમિયાન ધરપકડ કરાયેલા પીએસએલકેના અધિકારી પાસેથી રૂ. ૩.૦૮ લાખની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું
હતું. (એજન્સી)