Canada PM: ભારતીય મૂળના હિન્દુ નેતાએ કેનેડાના વડા પ્રધાન બનવા દાવેદારી નોંધાવી

ઓટાવા: કેનેડાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડા પ્રધાન પદ અને લિબરલ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી (Justin Trudeau Resign) છે. પાર્ટી જ્યાં સુધી નવા નેતાની પસંદગીના કરે ત્યાં સુધી ટ્રુડો વડાપ્રધાન પદ પર રહેશે, એવામાં તેમનું સ્થાન લેવા માટે ઈચ્છુક દાવેદારોની સખ્યા વધી રહી છે. ગુરુવારે ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ (Chandra Arya) આ રેસમાં જંપલાવ્યું છે, તેમણે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી.
ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે તેઓ કેનેડાના આગામી વડા પ્રધાન બનવા માંગે છે અને દેશના પુનર્નિર્માણ અને સમૃદ્ધિ માટે કામ કરવા માંગે છે.
કેનેડાને મજબુત નેતૃત્વની જરૂર:
ચંદ્ર આર્યએ લખ્યું, “હું આપણા દેશનું પુનર્નિર્માણ કરવામાં અને ભાવિ પેઢીઓ માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે કેનેડાના આગામી વડા પ્રધાન બનવા માટે ઉમેદવારી નોંધાવી રહ્યો છું. કેનેડાને એવા નેતૃત્વની જરૂર છે જે મોટા અને બોલ્ડ નિર્ણયો લેવાથી ના ડરે. આજે દેશના અર્થતંત્રને પુનર્જીવિત કરવા અને તમામ કેનેડિયન નાગરિકોને સમાન તકો પૂરી પાડવા માટે કઠિન નિર્ણયો લેવાની જરૂર છે.’ તેમણે કેનેડાને સાર્વભૌમ પ્રજાસત્તાક બનાવવાનું વચન આપ્યું અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ખાસ પગલાં લેવાની વાત કરી. જોકે, લિબરલ પાર્ટીએ હજુ સુધી આગામી નેતાની ચૂંટણી માટેના નિયમો જાહેર કર્યા નથી.
Also read: કેનેડાના વડા પ્રધાનની શા માટે મીડિયાએ કરી ટીકા?
કોણ છે ચંદ્ર આર્ય?
ચંદ્ર આર્યનો જન્મ કર્ણાટકના ટુમકુર જિલ્લાના દ્વારલુ ગામમાં થયો હતો અને તેમણે ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીથી MBA કર્યું હતું. 2006 માં કેનેડા ગયા પછી, તેમણે પહેલા ઇન્ડો-કેનેડા ઓટાવા બિઝનેસ ચેમ્બરના પ્રમુખ તરીકે સેવા આપી અને બાદમાં 2015 ની કેનેડિયન ફેડરલ ચૂંટણીમાં નેપિયન રાઇડિંગમાંથી સાંસદ બન્યા. તેઓ 2019 અને 2021 માં પણ ફરીથી ચૂંટાયા હતા. ચંદ્ર આર્ય રાજકારણમાં સક્રિય રહ્યા છે, ખાસ કરીને ભારતીય સમુદાય અને કેનેડિયન સમાજ માટે મહત્વના મુદ્દાઓ પર અંગે બોલી રહ્યા છે. તેમણે 2022 માં કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં તેમની માતૃભાષા કન્નડમાં ભાષણ આપ્યું હતું અને ટોરોન્ટોમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ સામે પણ જોરશોરથી અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આ હુમલા માટે ખાલિસ્તાની ઉગ્રવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતાં.