જવાબદાર કોણ! તિરુપતિ મંદિરમાં નાસભાગ મામલે 2 FIR નોંધવામાં આવી
તિરુમાલા: આંધ્રપ્રદેશના તિરુમાલામાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં બુધવારે રાત્રે મચેલી નાસભાગમાં છ શ્રદ્ધાળુઓના (Titupati Temple Stampede) મોત થયા છે. આ મામલે રાજકારણ પણ થઇ રહ્યું છે, જેને કારણે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર પર ઝડપી કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે. પોલીસે ગુરુવારે માહિતી આપી હતી કે આ ઘટનાના સંદર્ભમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. ઈજાગ્રસ્તોની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી રહી છે.
આ કલમ હેઠળ FIR નોંધાઈ:
સેંકડો શ્રદ્ધાળુઓ વૈકુંઠ દ્વાર દર્શન માટે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે આ નાસભાગ મચી હતી. 10 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા 10 દિવસીય વૈકુંઠ દ્વાર દર્શનમ માટે દેશભરમાંથી સેંકડો શ્રદ્ધાળુઓ અહીં આવ્યા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, અકુદરતી મૃત્યુ સાથે સંબંધિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 194 હેઠળ FIR નોંધવામાં આવી છે.
આ કારણે મચી નાસભાગ:
પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે જ્યારે એક બીમાર વ્યક્તિને બહાર કાઢવા માટે દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારે ભીડે આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે અચાનક નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ સત્તા ધરાવતા મહેસૂલ અધિકારીઓને તેમની ફરજના ભાગ રૂપે વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા અને તેમની ફરિયાદોના આધારે FIR નોંધવામાં આવી હતી.
Also read: તિરુપતિ મંદિરમાં મચી નાસભાગ, 4 શ્રદ્ધાળુનાં મોત…
PM અને CMએ શોક વ્યક્ત કર્યો:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને કોંગ્રેસના સાંસદો સહિત ઘણા નેતાઓએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. ગુરુવારે, ચંદ્રબાબુ નાયડુએ ઘાયલો અને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી હતી. મૃતકોના પરિવારોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય અને કરાર આધારિત નોકરી આપવામાં આવશે. ઘાયલોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.