20મી ટાટા મુંબઈ મૅરેથોનમાં રેકૉર્ડ-બ્રેકિંગ 60,000 રનર ભાગ લેશે
મુંબઈઃ રવિવાર, 19મી જાન્યુઆરીએ ટાટા મુંબઈ મૅરેથોનની 20મી સીઝન યોજાશે જેમાં 60,000 રનર ભાગ લેશે અને એ નવો વિક્રમ છે. એશિયાની આ સૌથી મોટી અને સૌથી લોકપ્રિય મૅરેથોન બે દાયકાથી શહેરના તેમ જ દેશ-વિદેશમાંથી ભાગ લેવા આવતા રનર માટે આરોગ્ય અને ફિટનેસની બાબતમાં તો પ્રોત્સાહક બની જ છે, વિવિધ પ્રકારના પ્રેરક સંદેશના ફેલાવા તેમ જ અભિયાનને વેગ આપવા માટેનું માધ્યમ પણ આ રેસ બની છે.
એશિયાની આ સૌથી પ્રતિષ્ઠિત મૅરેથોન 19મી જાન્યુઆરીએ વહેલી સવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે અસંખ્ય અગ્રણીઓ તેમ જ માનવંતા મહેમાનોની હાજરીમાં શરૂ થશે.
ટાટા મુંબઈ મૅરેથોનના પ્રમોટર પ્રોકૅમ ઇન્ટરનૅશનલ દ્વારા ગુરુવારે સાંજે મુંબઈમાં આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી કે ટ્રૅક ડિસ્ટન્સ રનિંગના ઇતિહાસના સૌથી સફળ અને ગ્રેટેસ્ટ પુરુષ ઍથ્લીટ સર મો ફારાહને વર્લ્ડ ઍથ્લેટિક્સ ગોલ્ડ લૅબલ રેસ માટેના ઇન્ટરનૅશનલ ઇવેન્ટ ઍમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: TATA Marathon: મુંબઈ મૅરેથોનની તારીખ જાહેર થઈ ગઈ, રજિસ્ટ્રેશન આજથી શરૂ
વિશ્વની ટોચની 10 મૅરેથોનમાં ગણાતી કુલ 3,90,238 ડૉલરની પ્રાઇઝ મનીવાળી ટાટા મુંબઈ મૅરેથોનનું સ્લોગન છે,
ચૅન્જબિગેનહિયર’. આ વખતની રેસમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયનો (પુરુષ વર્ગમાં) હેઇલ લેમી બર્હાનુ તથા શ્રીનુ બુગાથા તેમ જ (મહિલા વર્ગમાં) આબેરાશ મિન્સેવો અને નિરમાબેન ઠાકોર સહિત બીજા જાણીતા રનર્સ પણ ભાગ લેશે.
19મી જાન્યુઆરીની ટાટા મુંબઈ મૅરેથોનમાં વિવિધ કૅટેગરીમાં આટલા રનર્સ ભાગ લેશેઃ મુખ્ય મૅરેથોન (11,791), હાફ મૅરેથોન (13,771), 10-કે (7,184), ચૅમ્પિયન્સ વિથ ડિસઍબિલીટી (1,089), સિનિયર સિટિઝન્સ રન (1,894) અને ડ્રીમ રન (24,238). વર્ચ્યુઅલ રન માટેના રજિસ્ટ્રેશન બુધવાર, 15મી જાન્યુઆરીએ રાત્રે 11.59 સુધી (અથવા તમામ સ્પૉટ ભરાઈ જાય ત્યાં સુધી) ભરી શકાશે. વધુ વિગતો ટાટા મુંબઈ મૅરેથોનની વેબસાઇટ પરથી મળી શકશે.