‘ડિજિટલ એરેસ્ટ’ને બહાને નાણાં પડાવનારી રાજસ્થાની ટોળકી પકડાઈ
દક્ષિણ મુંબઈની હોટેલમાં રહીને ટોળકી છેતરપિંડીથી મેળવેલી રકમ મુંબઈની બૅન્કમાંથી કઢાવતી: મોટા ભાગની રકમ યુએસડીટીથી વિદેશ મોકલાતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગુનામાં સંડોવણીનું જુઠ્ઠાણું ચલાવી ડિજિટલ એરેસ્ટને બહાને નાગરિકો પાસેથી નાણાં પડાવનારી રાજસ્થાનની ટોળકીને સાયબર પોલીસે દક્ષિણ મુંબઈની હોટેલમાંથી પકડી પાડી હતી. સાયબર ફ્રોડથી મેળવેલા રૂપિયા મુંબઈની બૅન્કમાંથી કઢાવીને મોટા ભાગની રકમ યુએસડીટીથી વિદેશ મોકલવામાં આવતી હોવાનું તપાસમાં જણાયું હતું.
નૉર્થ રિજન સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ગંગવિશન માંજુ (32), વિકાસ બિશ્ર્નોઈ (21), પ્રેમસુખ બિશ્ર્નોઈ (19), રામનિવાસ બિશ્ર્નોઈ (32), સુનીલ બિશ્ર્નોઈ (24) અને અજયકુમાર બિશ્ર્નોઈ (21) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી વિવિધ બૅન્કનાં 15 ડેબિટ કાર્ડ, 16 ચેકબુક, 10 મોબાઈલ ફોન, 17 સિમ કાર્ડ અને 3.50 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
આપણ વાંચો: અમદાવાદમાં 17 લાખના ડિજિટલ એરેસ્ટ કેસની તપાસમાં રશિયન નાગરિક સહિત ત્રણ ઝડપાયા
કાંદિવલીમાં વડીલો સાથે રહેતા કિરણ નાગરેચા (49)ની ફરિયાદને આધારે સાયબર પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે 12 ડિસેમ્બર, 2024ના રોજ ફરિયાદીને અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. સૌપ્રથમ ટ્રાયના કર્મચારીના સ્વાંગમાં આરોપીએ ફરિયાદી સાથે વાત કરી હતી. ફરિયાદીના સિમ કાર્ડનો ઉપયોગ વિવિધ ગુનામાં થયો હોવાથી સિમ કાર્ડ બંધ થવાની ભીતિ આરોપીએ બતાવી હતી.
બાદમાં પોલીસની વરદી પહેરેલા શખસ સાથે વીડિયો કૉલ પર ફરિયાદીની વાત કરાવાઈ હતી. દિલ્હીમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદીની સંડોવણી સામે આવી હોવાથી તેનું એરેસ્ટ વૉરન્ટ અને બૅન્ક ખાતા ફ્રિઝ કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે, એવું આરોપીએ કહ્યું હતું. આ રીતે ડરાવીને ફરિયાદીને રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી.
આપણ વાંચો: માનવ તસ્કરીના કેસમાં ડિજિટલ એરેસ્ટ: વિદેશ વસતા વૃદ્ધ સાથે 10 લાખની ઠગાઈ
અધિકારીના જણાવ્યા મુજબ આરોપીએ જણાવેલા બૅન્ક ખાતામાં ફરિયાદીએ 32 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ પ્રકરણે ગુનો નોંધી સાયબર પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ફરિયાદીએ જે બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેમાંથી અલગ અલગ 15 બૅન્ક ખાતાંમાં એ નાણાં ટ્રાન્સફર કરાયાં હતાં.
એક બૅન્ક ખાતાની વિગત તપાસતાં તે ચેમ્બુરની શાખાનું હોવાનું જણાયું હતું. બૅન્ક ખાતા સાથેના મોબાઈલ નંબર અને ઈ-મેઈલની તપાસમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. પકડાયેલા આરોપી રાજસ્થાનના વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.