સ્પોર્ટસ

રાજકોટમાં આવતી કાલથી સ્મૃતિ મંધાનાની ટીમની કઈ મોટી કસોટી છે, જાણો છો?

રાજકોટઃ ભારતની મહિલા ક્રિકેટરો ક્યારેય પણ આયરલૅન્ડ સામે વન-ડે મૅચ હારી નથી અને ક્યારેય એની સામે દ્વિપક્ષી વન-ડે શ્રેણી રમી પણ નથી એટલે આવતી કાલે રાજકોટમાં તેમની સામે ભારતીય ટીમની બે રીતે આકરી કસોટી થશે.
ભારત અને આયરલૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે આવતી કાલે રાજકોટમાં ખંઢેરી ખાતેના નિરંજન શાહ સ્ટેડિયમમાં ત્રણ મૅચની વન-ડે શ્રેણી (સવારે 11.00 વાગ્યાથી) શરૂ થશે. ત્રણેય મૅચ રાજકોટના આ સ્ટેડિયમમાં જ રમાશે. મુખ્ય કૅપ્ટન હરમનપ્રીત કૌર અને મુખ્ય ફાસ્ટ બોલર રેણુકા સિંહને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાનાને ભારતીય ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે અને તેણે હરમનપ્રીત તથા રેણુકાની ગેરહાજરીમાં ભારતને વિજય અપાવવાનો છે. સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા વાઇસ-કૅપ્ટન છે.

વાત એવી છે કે આયરલૅન્ડ સામે ભારતીય મહિલાઓ તમામ 12 વન-ડે જીતી છે. આ મૅચો વિવિધ ટૂર્નામેન્ટોમાં રમાઈ હતી. 12 વન-ડેમાંથી તમામ 12માં જીત મેળવવાની સાથે વિમેન ઇન બ્લ્યૂ હવે સતત 13મી વન-ડે પણ જીતવાના પ્રયાસમાં છે. જોકે આ મૅચ બન્ને રાષ્ટ્ર વચ્ચેની પહેલવહેલી મહિલા સિરીઝમાં રમાવાની હોવાથી મંધાના ઍન્ડ કંપનીએ તમામ દૃષ્ટિકોણોને ધ્યાનમાં રાખીને રમવું પડશે.

આ પણ વાંચો: આયરલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર: સ્મૃતિ મંધાનાને સોંપ્યું સુકાન

ભારતીય ટીમ તાજેતરમાં જ વડોદરામાં વેસ્ટ ઇન્ડિઝનો 3-0થી વાઇટ-વૉશ કરી ચૂકી છે તેમ જ નવી મુંબઈની ટી-20 શ્રેણીમાં 2-1થી વિજય મેળવી ચૂકી છે એટલે ખૂબ જોશમાં છે. બીજું, મંધાના બહુ સારા ફૉર્મમાં છે. તેણે આ બે સિરીઝમાં અનુક્રમે 148 રન અને 193 રન બનાવ્યા હોવાથી આયરલૅન્ડની બોલર્સ માટે સ્વાભાવિક રીતે સૌથી બહુમૂલ્ય વિકેટ છેલ્લા એક મહિનામાં એક સેન્ચુરી (105 રન) તેમ જ ઉપરાઉપરી પાંચ હાફ સેન્ચુરી (54, 62, 77, 91 અને 53 રન) ફટકારી ચૂકેલી મંધાનાની જ હશે.

હરમનપ્રીતની ગેરહાજરીમાં બૅટિંગનો બોજ મંધાના ઉપરાંત હર્લીન દેઓલ, પ્રતીકા રાવલ અને જેમાઇમા રૉડ્રિગ્સ પર પણ રહેશે. ખાસ કરીને હર્લીન દેઓલ ભારતીય ટીમને મોટો સ્કોર અપાવી શકે. તાજેતરની વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝમાં હર્લીનના 160 રન હાઇએસ્ટ હતા જેમાં 115 રનની સેન્ચુરી પણ સામેલ હતી.

આ પણ વાંચો: IND VS WI: સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

રેણુકાની ગેરહાજરીમાં બોલિંગની જવાબદારી ખાસ કરીને 20 વર્ષીય ટિટાસ સાધુ અને 28 વર્ષની સાઇમા ઠાકોર પર રહેશે.
દીપ્તિ શર્માએ તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી વન-ડેમાં 31 રનમાં છ વિકેટનો કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સ નોંધાવ્યો હતો એટલે ભારતીય ટીમને તેની પાસે પણ ઘણી અપેક્ષા છે.

ગૅબી લુઇસ આયરિશ ટીમની કૅપ્ટન અને ઓર્લા પ્રેન્ડરગાસ્ટ વાઇસ-કૅપ્ટન છે.

ભારત-આયરલૅન્ડ મહિલા સિરીઝનું શેડ્યૂલ

(1) પ્રથમ વન-ડે, શુક્રવાર 10મી જાન્યુઆરી, રાજકોટ, સવારે 11.00 વાગ્યાથી
(2) બીજી વન-ડે, રવિવાર 12મી જાન્યુઆરી, રાજકોટ, સવારે 11.00 વાગ્યાથી
(3) ત્રીજી વન-ડે, બુધવાર 15મી જાન્યુઆરી, રાજકોટ, સવારે 11.00 વાગ્યાથી


બન્ને દેશની ટીમમાં કોણ-કોણ?

ભારતીય ટીમઃ સ્મૃતિ મંધાના (કૅપ્ટન), દીપ્તિ શર્મા (વાઇસ-કૅપ્ટન), પ્રતીકા રાવલ, હર્લીન દેઓલ, જેમાઇમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), ઇમા ચેટ્રી (વિકેટકીપર), તેજલ હસબનીસ, રાઘવી બિશ્ટ, મિન્નુ મની, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, ટિટાસ સાધુ, સાઇમા ઠાકોર અને સાયલી સતઘારે.

આયરલૅન્ડની ટીમઃ ગૅબી લુઇસ (કૅપ્ટન), ઓર્લા પ્રેન્ડરગાસ્ટ (વાઇસ-કૅપ્ટન), ઍવા કૅનિંગ, ક્રિસ્ટિના કૉલ્ટર રિલી, અલાના ડાલ્ઝેલ, લૉરા ડેલની, જ્યોર્જિના ડેમ્પ્સી, સારા ફૉર્બ્સ, આર્લીન કેલી, જોઆના લૉઘ્રાન, એઇમી મૅગ્વાયર, લીઆ પૉલ, ઉના રેમન્ડ-હૉએ, ફ્રેયા સાર્જન્ટ અને રેબેકા સ્ટૉકેલ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button