વૈશ્વિક સોનું ચાર સપ્તાહની ટોચેઃ સ્થાનિક સોનામાં રૂ. 215ની આગેકૂચ, ચાંદીમાં ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના ખાનગી રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ વધીને ચાર સપ્તાહની ટોચે પહોંચ્યા બાદ આજે લંડન ખાતે ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 214થી 215ની આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી મર્યાદિત રહેતાં વિશ્વ બજારથી વિપરીત ભાવમાં કિલોદીઠ રૂ. 75નો સાધારણ ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ખાસ કરીને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેવાની સાથે સ્ટોકિસ્ટો પણ નવી લેવાલીથી દૂર રહ્યા હોવાથી ભાવ કિલોદીઠ રૂ. 75ના સાધારણ ઘટાડા સાથે રૂ. 89,428ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ, સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈને કારણે આયાત પડતરોમાં વધારો અને સ્ટોકિસ્ટો તથા રોકાણકારોની છૂટીછવાઈ માગને ટેકે મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 214 વધીને રૂ. 77,268 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 215 વધીને રૂ. 77,579ના મથાળે રહ્યા હતા.
અમેરિકામાં ગઈકાલે જાહેર થયેલા ખાનગી રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં ઓછી સાવચેતીનું વલણ અપનાવે એવી શક્યતા સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ચાર સપ્તાહની ઊંચી સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા નોન ફાર્મ પૅરૉલ ડેટા પર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ સાધારણ 0.1 ટકા વધીને આૈંસદીઠ 2664.30 ડૉલર અને વાયદામાં ભાવ 0.4 ટકા વધીને આૈંસદીઠ 2681.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 30.17 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also read: વૈશ્વિક સોનું બે મહિનાના તળિયે પટકાયું: સોનું ₹ ૭૫,૦૦૦ની અંદર, ચાંદીમાં ₹ ૨૬૦૭નો કડાકો
એકંદરે સોનાના ભાવ પ્રતિકારક સપાટી કુદાવવા માટે નવાં ટ્રીગરના અભાવે સાંકડી વધઘટે અથડાઈ ગયા હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં વિશ્લેષક અજય કેડિયાએ જણાવતા ઉમેર્યું હતું કે હવે બજારની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅરૉલ ડેટા પર સ્થિર થઈ છે કેમ કે આ ડેટાની અસર ફેડરલ રિઝર્વની આગામી 28-29 જાન્યુઆરીની નીતિવિષયક બેઠકનાં નિર્ણય પર પડે તેમ છે. જોકે, તે પૂર્વે આગામી 20મી જાન્યુઆરીએ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ હોદ્દો અખત્યાર કર્યા બાદ કેવી વેપાર નીતિ અપનાવશે તેની પણ સોનાના ભાવ તથા ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાતના નિર્ણય પર પડશે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વે છેલ્લી નીતિવિષયક બેઠકમાં ફુગાવામાં વધારો થવાની શક્યતા તથા વેપાર નીતિમાં અપેક્ષિત બદલાવને ધ્યાનમાં લેતા વર્ષ 2025માં વ્યાજદરમાં ઓછી વખત કપાતનાં સંકેતો આપ્યા હતા. જોકે, એચએસબીસીએ એક નોટ્સમાં જણાવ્યું છે કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં સુધારાતરફી વલણ જોવા મળી શકે છે, પરંતુ વર્ષ 2025નાં ઉત્તરાર્ધમાં ખાસ કરીને હાજર અને નાણાંકીય પરિબળોને કારણે વર્ષાન્ત આસપાસ ભાવમાં નરમાઈનું વલણ જોવા મળી શકે છે. વધુમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું કે નવાં કૅલૅન્ડર વર્ષનાં આરંભિક સમયગાળામાં ચાર વર્ષમાં પહેલી વખત સોનાના એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ જોવા મળ્યો છે