છોટે છોટે પેગ : ઉત્તરાયણ પહેલા દારૂની 300 mlની બોટલની માંગ વધી
અમદાવાદ: ગુજરાતમાં કાયદાકીય રીતે દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે, છતાં વર્ષોથી ગેરકાયદે રીતે બુટલેગરો દ્વારા વિવિધ રીતે રાજ્યની સીમામાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડતા (Liquor Bootlegging) આવ્યા છે. ગુજરાત સરકાર અને પોલીસ વિભાગના અનેક પ્રયત્નો છતાં બુટલેગીંગની પ્રવૃતિઓ અટકી શકી નથી. બુટલેગરો અલગ અલગ યુક્તિઓથી ગુજરાતમાં દારૂ ઘુસાડે છે અને વેચે છે. એવામાં ગુજરાત પોલીસે હાલમાં જ બુટલેગરોની નવી યુક્તિઓનો ખુલસો કર્યો છે.
બુટલેગરોની નવી યુક્તિ:
બુટલેગરો એક નવી રણનીતિ અપનાવી રહ્યા છે. સામાન્ય રીતે દારૂની 750 મિલીની બોટલો વેચાતી હોય છે, પરંતુ હવે 300 મિલી નાની બોટલોમાં દારૂ વેચવામાં આવી રહ્યો છે. એક એહવાલ મુજબ ગત 5 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર પોલીસે ચેકિંગ દરમિયાન બાપુનગરમાં એક વાહનને અટકાવ્યું ત્યારે દારૂની નાની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 4.97 લાખ રૂપિયાની કિંમતની 3,192 નાની દારૂની બોટલો જપ્ત કરવા આવી હતી, જો કે બુટલેગરો ભાગી જવામાં સફળ રહ્યા હતા.
નાની બોટલોની માંગ વધી:
એક અખબારી અહેવાલ અનુસાર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચેકિંગથી બચવા બુટલેગરો નાની બોટલ સ્મગલ કરવાની નવી યુક્તિ અપનાવી રહ્યા છે. સામાન્ય રીતે હરિયાણા અને પંજાબમાં બનેલી 750 મિલી બોટલનો મોટો જથ્થો રાજસ્થાન મારફતે ગુજરાતની બોર્ડરમાં ઘુસાડવામાં આવતો હોય છે. હવે બુટલેગરો ચેકિંગથી બચવા અને મોટા વાહનોની જરૂરિયાત ઘટાડવા માટે 300 મિલી બોટલનો વેચી રહ્યા છે.
ગ્રાહકોની પણ માંગ:
અહેવાલ મુજબ છેલ્લા ઘણા સમયથી સ્થાનિક પોલીસે ગેરકાયદે રીતે દારૂ પીનારાઓને પકડવા માટે પ્રયાસો વધાર્યા છે, જેથી પીનારા બુટલેગરો પાસે નાની બોટલો માંગી રહ્યા છે, જેને છુપાવવી અને લઇ જવી સરળ હોય છે. પોલીસ અધિકારી એ જણાવ્યું કે નાની બોટલો ખિસ્સામાં અથવા નાના પર્સમાં છુપાવવી સરળ હોય છે. પોલીસ માટે ચેકિંગ દરમિયાન નાની બોટલો શોધવી મુશ્કેલ હોય છે.
એક અખબારી અહેવાલ મુજબ, ઉત્તરાયણ નજીક આવી રહી છે, ત્યારે ગ્રાહકો હવે 300 મિલી બોટલ પસંદ કરે છે. પતંગ ઉડાવતી વખતે ખિસ્સામાં નાની બોટલ છુપાવીને પી શકાય છે.
આ પણ વાંચો…હદ થઈ ગઈઃ વડોદરામાં 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની બેગમાં દારૂની બોટલ!
કોઈપણ જાતનો નશો શરીર-મન અને જીવનને પાયમાલ કરી નાખે છે તે જાણવા છતાં લોકો આવા નશા તરફ વળે છે ત્યારે નાગરિકોએ પોતાની જાત પર નિયંત્રણ રાખી આવી નશાખોરીથી બચતા રહેવાની જરૂર છે. આ માટે નશામુક્તિ કેન્દ્રો છે, તેની મદદ લઈ શકાય છે.