પુરુષ

તમને ક્રોધ પર કાબૂ મેળવતાં આવડે છે?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

હમણાં ‘ઈન્સ્ટાગ્રામ’ પર એક સરસ મજાનું ક્વોટ વાંચવા મળ્યું, હિન્દીમાં લખ્યું હતું : ‘ગુસ્સે મેં વો મત ગવા દેના, જો તુમને શાંત રહ કર પાયા હૈ.’ પહેલી નજરે અત્યંત સાદું લાગતું આ ક્વોટ આમ પણ મીડિયોકર જ છે. જોકે કેટલીકવાર મીડિયોકર સાહિત્ય પણ અત્યંત ગહન અર્થ લઈને આવતું હોય છે. એવું જ કંઈક આ ક્વોટનું પણ છે. ક્રોધ એ આપણા સૌનું સામાન્ય લક્ષણ છે. આપણે સૌ સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પરંતુ આપણે દિવસમાં અનેકવાર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ક્રોધનો સામનો કરતા જ હોઈએ છીએ. કેટલાક વળી ક્રોધના રિએક્શન્સ આપે તો કેટલાક લોકો મનમાં ને મનમાં બળ્યા કરે, પરંતુ ક્રોધથી આપણે કોઈ બચી શકતા નથી. અહીં સૌએ યાદ રાખવું પડશે એટલે કે આપણે જોરજોરથી બૂમરાણ નથી મચાવતા, કોઈની સાથે બાખડતા નથી અથવા તો ગાળાગાળી નથી કરતા એટલે આપણને ક્રોધ નથી આવતો એવું નથી. ખેર, ક્રોધ જો આપણું મૂળભૂત લક્ષણ હોય તો આપણે ક્રોધથી બચવું જ રહ્યું, પરંતુ હમણાં જ કહ્યું એમ આપણે બાખડતા નથી એટલે આપણે એમ જ માનતા રહીએ કે આપણને તો ક્રોધ આવતો જ નથી … હવે જેને સમસ્યા વિશે જ નથી ખબર એ સમસ્યાનું સમાધાન કઈ રીતે મેળવી શકે?

માની લો કે આપણે ભલે રિએક્ટ નહીં કરીએ, પરંતુ જો આપણે કોઈની હાજરી સાંખી શકતા ન હોઈએ તો એ આપણે ક્રોધ છે. આપણે કોઈને બતાવી દેવા માટે કે બીજાઓ સામે કશુંક સાબિત કરી દેવા માટે કરતા હોઈએ તો એ ક્રોધ છે. આપણે સીધી રીતે નહીં, પરંતુ મનમાં ને મનમાં અમુક દૃશ્યો સર્જીને તેમને-સામેવાળાને સંભળાવી દેતા હોઈએ તો એ આપણો ક્રોધ જ છે. કે પછી અમુક લોકોની હાજરીનો તાગ મેળવીને આપણે કોઈ પ્રસંગમાં નથી જતાં કે આપણો રસ્તો બદલી કાઢીએ છીએ તો એ પણ આપણો ક્રોધ છે ! ઈનશોર્ટ, ક્રોધને અને લાઉડ રિએક્શન્સને સીધી રીતે કોઈ લેવાદેવા નથી. ભલે આપણે ચોખ્ખા શબ્દોમાં કહેતા નથી હોતા તો પણ આપણે ક્રોધ તો કરતા જ હોઈએ છીએ અને આ ક્રોધ જ આપણને અનેક પ્રકારનું નુકસાન કરાવતો હોય છે.

એ નુકસાન કયા કયા ? તો કે એક, તો આપણે ક્રોધને પગલે આપણી સામાજિક પ્રેઝન્સ-હાજરી ઓછી કરી દઈએ છીએ. ક્રોધને પગલે જ આપણે આપણા અનેક સ્વજનોને ગુમાવી દઈએ છીએ. આ ઉપરાંત ક્રોધને કારણે આપણે હકારાત્મક દૃષ્ટિકોણ ગુમાવી દઈએ છીએ અને દરેક ઘટના કે સંજોગને નેગેટિવ દૃષ્ટિકોણથી જોતાં થઈ જઈએ છીએ. એ ખોટા દૃષ્ટિકોણને કારણે આપણે આપણી સારી કાર્યદક્ષતા ગુમાવીએ છીએ અને પછી ખાસ તો આપણે આપણા આરોગ્ય પર અત્યંત નકારાત્મક અસર ઊભી કરીએ છીએ.

પણ તો પછી આ ક્રોધથી બચવું કઈ રીતે ?લોકો કહે છે કે યોગ-પ્રાણાયમ કરો. અને એ પણ બહુ કરી જોયા, છતાં ય ક્રોધ ઘટતો નથી તો કરવું શું ? તો એ માટે અમારા એક મિત્ર એક જ સલાહ આપે છે. એ કહે છે કે ક્રોધથી બચવાનો એક ઉપાય એ છે કે આપણે સમજી જવાનું છે અમુક લોકો અને અમુક પરિસ્થિતિઓ ક્યારેય આપણા તાબામાં રહેવાના નથી. આપણને ક્રોધ એટલા માટે આવતો હોય છે કે આપણે સંજોગ કે માણસને આપણા તાબામાં રાખવાનો પ્રયત્ન
કરીએ છીએ અથવા તો એવું ઈચ્છીએ છીએ કે સામેનો માણસ કે સંજોગ આપણે ઈચ્છીએ તેમ વર્તે! પરંતુ આ ગ્રહ પર અમીબાની ઉત્પત્તિ થયેલી ત્યારથી એવું બન્યું નથી કે એક અમીબા બીજી અમીબાની મરજી મુજબ વર્તી હોય! તો આ તો માણસની જાત! એ કંઈ સામેનાની મરજી મુજબ વર્તે? એટલે આપણે મનને એ રીતે ટ્રેન કરવું કે સામેના માણસનું વર્તન કે ન ગમતો સંજોગ આપણા પર કોઈ જ અસર ન કરે!

એક રીતે આપણે મનને આ રીતે ટ્રેન કરી દઈશું પછી બધુ જ આપોઆપ ગોઠવાતું જશે અને આપણને ગુસ્સો આવતો બંધ થઈ જશે . આખરે આપણને સામેનાની કંઈ પડી હોય તો આપણને ગુસ્સો આવેને ! એવું જ સંજોગોનું પણ થઈ જશે. આપણને સમજાઈ જશે કે આના પર આપણો કોઈ કાબૂ જ નથી તો આપણે એ સંજોગ પર ક્રોધ શું કામ કરવો ? શું કામ આપણી ઊર્જા એ પાછળ બગાડવી ? બાય ધ વે, અમારા પેલા મિત્ર કોણ છે એ ખબર છે ? કદાચ એ તમારા પણ મિત્ર હોઈ શકે છે. નામ કહું . કૃષ્ણ વાસુદેવ યાદવ. એ મિત્રે આ વાત ગીતામાં કહી હતી ! અલબત્ત! આપણા મિત્રે આપેલી સલાહનો અમલ કરવો કંઈ સહેલો નથી. જોકે એ પણ આડવાત છે !

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button