પક્ષી પ્રેમીઓ માટે ખુશ ખબર; નળસરોવરમાં ટૂંક સમયમાં શરુ થશે બોટિંગ સર્વિસ
ગાંધીનગર: શિયાળાની ઋતુમાં અમદવાદ પાસે આવેલા નળસરોવર અભયારણ્યમાં મોટી સંખ્યામાં વિદેશથી યાયાવર પક્ષીઓ (Migratory Birds)આવી ચડતા હોય છે, આ સમયમાં નળસરોવરમાં પક્ષી પ્રેમીઓનો ધસારો જોવા મળતો હોય છે. એવામાં અહેવાલો છે કે નળસરોવર પક્ષી અભયારણ્યમાં બોટિંગ સર્વિસ (Boating Service at Nalsarovar) ટૂંક સમયમાં ફરી શરૂ થવા જઈ રહી છે.
આ કારણે બોટિંગ બંધ કરાયું:
અમદાવાદ જીલ્લાના સાણંદ નજીક 120 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ લાખો યાયાવર પક્ષીઓ માટે શિયાળા દરમિયાન આશ્રય સ્થાન છે. વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના પછી, રાજ્યભરના તળાવોમાં સુરક્ષાના કારણોસર બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે બોટિંગ ફરી શરુ કરવામાં આવનાર છે, ત્યારે મુલાકતીઓની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બોટિંગ માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર(SOP) અમલમાં મુકવામાં આવી છે, અને અમે આ માર્ગદર્શિકા અનુસાર મંજૂરીઓ આપીશું.
પ્રવાસીઓ ઘટ્યા:
પ્રવાસીઓ મોટી સંખ્યામાં નળસરોવર આવી રહ્યા છે, પરંતુ તેઓ નિરાશ થઈને જાય છે કારણ કે બોટિંગ બંધ હોવાથી નજીકથી પક્ષીઓ જોઈ શકાતા નથી. બોટિંગ સુવિધાને આભાવે મુલાકાતીઓને સરોવરના કિનારા પાસે ઊભા રહીને પક્ષીઓ જોવાની ફરજ પડે છે, પક્ષીઓ કિનારાની નજીક આવે ત્યારે જ મુલાકાતીઓને પક્ષીઓ જોવા મળતા હોય છે. બોટિંગ સુવિધા બંધ હોવાને કારણે અભયારણ્યની સૌથી વ્યસ્ત સિઝન દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.
Also read: એ હાલો, નળ સરોવરને કાંઠે, જ્યાં લાખોની સંખ્યામાં યાયાવર બન્યા છે મોંઘેરા મહેમાન…
સ્થાનિકોની આજીવિકાને અસર:
બોટિંગ બંધ થવાને કારણે પ્રદેશમાં ઘણા લોકો બેરોજગાર બન્યા છે. બોટ માલિકો અને બોટ ચાલકોની આવક બંધ થઇ ગઈ હતી. પ્રવાસીઓની સંખ્યા ઘટતા બાવળા, વિરમગામ અને લીંબડી એમ ત્રણ તાલુકાઓના 15 ગામોના લોકોની આજીવિકાને અસર પહોંચી છે, કેમ કે અ ગામના લોકો આજીવિકા માટે અભયારણ્યની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.
ગત વર્ષે આટલા લાખ પક્ષીઓ આવ્યા:
અહેવાલ મુજબ ગત વર્ષે, નળસરોવરમાં 140 થી વધુ પ્રજાતિઓના ૩.2 લાખથી વધુ યાયાવર પક્ષીઓ આવ્યા હતા, જેમાં ફ્લેમિંગો, પેલિકન, વ્હાઈટ સ્ટોર્ક, સાઇબેરીયન ક્રેન અને એશિયન ઓપનબીલ જેવા વિદેશી પક્ષીઓનો સમાવેશ થાય છે. આ પક્ષીઓ યુરેશિયા, રશિયા અને ચીન જેવા દૂરના પ્રદેશોમાંથી સ્થળાંતર કરી નળસરોવર સુધી પહોંચે છે. આ અભયારણ્યમાં ગત સિઝન દરમિયાન આશરે 61,000 પ્રવાસીઓ અને પક્ષી પ્રેમીઓ આવ્યા હતાં.