ચીન પાસે આવી જશે સિક્સ્થ જનરેશનના ફાઈટર જેટઃ ભારત ક્યાં છે? જાણો એરફોર્સ ચીફ શું કહી રહ્યા છે
નવી દિલ્હીઃ દેશની ઉત્તરી સરહદો પર પહેલેથી જ મોટો પડકાર ઊભો કરી રહેલું ચીન તેના દળોને સતત આધુનિક બનાવી રહ્યું છે. ચીને હવે છઠ્ઠી પેઢીના ફાઈટર જેટનું પણ નિર્માણ કર્યું છે અને આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. અત્યંત આધુનિક ટેક્નોલોજીવાળા J-36 ફાઈટર જેટને કારણે તેની એરફોર્સની ક્ષમતામાં ઘણો વધારો થયો છે, જે ભારત માટે મોટો ખતરો છે. તેનાથી વિપરીત, ભારતીય વાયુસેના તેના આધુનિકીકરણમાં સતત પાછળ રહી રહી છે. વાયુસેના પાસે ફાઈટર પ્લેનની સંખ્યા ઓછી છે. ઉપરાંત તેમને તેજસ ફાઈટર પ્લેનની સપ્લાયમાં વિલંબ થઈ રહ્યો છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે 2010માં ભારતીય વાયુસેના માટે મંજૂર કરાયેલા 40 સ્વદેશી બનાવટના તેજસ ફાઈટર જેટ્સની પ્રથમ બેચ આજ સુધી પ્રાપ્ત થઈ નથી. તેમણે એ મુદ્દો પણ ઉઠાવ્યો છે કે કોઇ પણ બાબતમાં સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સમયસર ડિલિવરી ન થવાને કારણે કોઈપણ હથિયાર તેની સુસંગતતા ગુમાવી દે છે અને પછી તેનો કોઇ અર્થ રહેતો નથી. જો સમયમર્યાદાનું ધ્યાન રાખવામાં નહીં આવે તો ટેક્નોલોજીનો કોઈ ફાયદો થશે નહીં. તેમણે જણાવ્યું હતું કે આપણે નિષ્ફળતાઓથી ડરવું જોઈએ નહીં. આપણે આપણી નિષ્ફળતાઓમાંથી શીખવું જોઈએ અને આગળ વધવું જોઈએ. આપણે રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) પણ બહુ જ ઓછો ખર્ચ કરી રહ્યા છીએ. હાલમાં સંરક્ષણ બજેટના 5 ટકા જ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે વપરાઇ રહ્યા છે. આપણે R&D ભંડોળ વધારીને 15 ટકા કરવાની અને આ પ્રોસેસમાં ખાનગી ભાગીદારોની મદદ લેવાની પણ જરૂર છે.
એક સેમિનારમાં એરસ્પેસમાં આત્મનિર્ભરતાના વિષય પર બોલતા વાયુસેના પ્રમુખે જણાવ્યું હતું કે તેજસ પ્રોજેક્ટ 1980 ના દાયકામાં મિગ-21 અને સુ-7 વિમાનોને બદલવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. તેણે 2001 માં તેની પહેલી ઉડાન ભરી હતી અને તેનું નામ ‘તેજસ’ રાખવામાં આવ્યું હતું. 2016 માં, તેને વાયુસેનાના 45મા સ્ક્વોડ્રન ‘ધ ફ્લાઇંગ ડેગર્સ’ માં સામેલ કરવામાં આવ્યું અને આમ તેજસને એરફોર્સમાં સામેલ કરવાની શરૂઆત થઈ. આજે આપણે 2025માં છીએ અને હજુ પણ પહેલા 40 વિમાનોની રાહ જોઈ રહ્યા છીએ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ઉત્પાદિત તેજસ MK1A વિમાનનો પ્રથમ બેચ 2024-2025 માં ડિલિવરી થવાનો હતો, પરંતુ HAL ફક્ત 2-3 વિમાનો જ ડિલિવરી કરી શકશે, જ્યારે 16 વિમાનોનું વચન આપવામાં આવ્યું હતું. આવી આપણી ઉત્પાદનક્ષમતા છે. જોકે, અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક તરફથી તેજસ માટે એન્જિનના સપ્લાયમાં પણ વિલંબ થઈ રહ્યો છે.
Also read:
પ્રોડક્શન એજન્સીઓએ અદ્યતન ઉત્પાદન પ્રક્રિયાઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા એર ચીફ માર્શલ એપી સિંઘે ખાનગી કંપનીઓને સામેલ કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, આપણે કેટલાક ખાનગી ખેલાડીઓને ઉત્પાદનમાં લાવવાની જરૂર છે. આપણે સ્પર્ધા કરવાની જરૂર છે. આપણી પાસે બહુવિધ સ્ત્રોતો ઉપલબ્ધ હોવા જોઈએ જેથી કરીને લોકો તેમના ઓર્ડર ગુમાવવાથી સાવચેત રહે, અન્યથા વસ્તુ સ્થિતિ બદલાશે નહીં.”