માઉન્ટ એવરેસ્ટનું બે વાર આરોહણ કરનાર પ્રથમ મહિલા સંતોષ યાદવ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરનાર પહેલી મહિલા બચેન્દ્રી પાલ છે એ સહુ કોઈ જાણે છે, પરંતુ બબ્બે વાર એવરેસ્ટનું આરોહણ કોણે કરેલું એ જાણો છો ? એનું નામ સંતોષ યાદવ…માઉન્ટ એવરેસ્ટનું આરોહણ એક વાર નહીં, બબ્બે વાર કરનાર ભારતની જ નહીં, વિશ્વની પણ પ્રથમ મહિલા. પર્વતારોહણની અસાધારણ સિદ્ધિઓ માટે કેટલાયે પુરસ્કારો અને સન્માનો મળેલા એને. અર્જુન પુરસ્કાર, તેનજિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ, દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત, કે.કે. બિરલા ફાઉન્ડેશન ખેલ વિશેષ પુરસ્કારથી સન્માનિત,લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ દ્વારા સન્માન અને સર એડમન્ડ હિલેરી માઉન્ટેન લિગેસી મેડલ…
આ સન્માન અને પુરસ્કારો સંતોષને એમનેમ નથી મળ્યાં. એવરેસ્ટ પર્વતનું આરોહણ કર્યું છે એણે. ઇન્ડો-જાપાની અભિયાનના સદસ્ય તરીકે 1992માં સંતોષે એવરેસ્ટ સર કરવાનો પહેલો પ્રયાસ કર્યો. પણ ખરાબ હવામાનને પગલે અભિયાન મોકૂફ રાખવું પડ્યું. એ પછી 10 મે 1992ના ભારત-નેપાળ અભિયાનના સભ્ય તરીકે પહેલી વાર માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કર્યું. એવરેસ્ટ પર ત્રિરંગો ફરકાવનાર એ સૌથી નાની ઉંમરની મહિલા હતી. 1993માં ફરીથી એવરેસ્ટ સર કર્યું.એ પળ સંભારતાં સંતોષે કહેલું, ‘ક્ષણની વિશાળતામાં ડૂબવામાં કેટલોક સમય લાગ્યો. પછી મેં ભારતીય ત્રિરંગો ફરકાવ્યો. એ અનુભૂતિ અવર્ણનીય હતી. દુનિયા પર ભારતનો ત્રિરંગો લહેરાતો હતો. વાસ્તવમાં આ એક આધ્યાત્મિક ક્ષણ હતી. મને એક ભારતીય તરીકે અત્યંત ગર્વ થયો…’
કોઈ પણ ભારતીયને ગર્વ થાય એવા સંતોષના પર્વતારોહણના અન્ય ઉદાહરણો :6600 મીટર ઊંચા વ્હાઈટ પર્વત શિખરના આરોહણમાં શિખર પર ત્રિરંગો ફરકાવનારી સંતોષ પહેલી ભારતીય મહિલા હતી. આફ્રિકાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલિમાંજરો, આર્જેન્ટિનાના માઉન્ટ એકોનકાગુઆ, રશિયાના માઉન્ટ એલ્બ્રસ અને એન્ટાર્ટિકાના માઉન્ટ વિંસનનું પણ સંતોષે આરોહણ કર્યું છે. પર્વતારોહી સંતોષનો જન્મ 10 ઓક્ટોબર 1967ના હરિયાણાના રેવાડી ખાતે જોનિયાવાસ ગામમાં થયેલો. માતા ચમેલીદેવી. પિતા સૂબેદાર રામસિંહ યાદવ જમીનદાર હતા. પાંચ દીકરાની માતા ચમેલીદેવીએ કાળક્રમે પુત્રીને જન્મ આપ્યો. પુત્રીરત્નના જન્મથી ઘરમાં સહુ સંતુષ્ટ થયાં, એથી નવજાત બાળકીનું નામ સંતોષ રખાયું.
રામસિંહ યાદવ જમીનદાર હતા અને શ્રીમંત પણ હતા.પણ દીકરીને વધુ ભણાવવાના પક્ષે નહોતા. સંતોષે પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી દિલ્હીની એક શાળામાં પ્રવેશ લેવાની વાત કરી. પણ માતાપિતાએ એની શાળાની ફી ભરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ત્યારે સંતોષે પાર્ટટાઈમ નોકરી કરીને પોતે પોતાની ફી ભરશે એવું વિનમ્રતાથી જણાવ્યું. આખરે ચમેલીદેવી અને રામસિંહે નમતું મૂક્યું. સંતોષની ફી ચૂકવવા તૈયારી દર્શાવી. આમ સંતોષ દિલ્હીમાં ભણવા લાગી. રેવાડીમાં કેન્દ્રીય વિદ્યાલય ખૂલ્યું. એથી સંતોષ રેવાડી આવી ગઈ. એણે બારમું પાસ કર્યું. સંતોષે જયપુરની પ્રખ્યાત મહારાણી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કોલેજકાળમાં સંતોષને કસ્તૂરબા છાત્રાવાસમાં રહેવાનું થયું. છાત્રાવાસની બારીમાંથી અરવલ્લીની પર્વતમાળા દેખાતી. નવરાશની પળોમાં સંતોષ બારીએ બેસીને મનોરમ્ય પહાડીઓ નિહાળ્યા કરતી. ક્યારેક કેટલાક લોકોને પહાડીઓ પર ચડતાં જોતી. એ સંદર્ભે સંતોષે કહેલું,
‘એક દિવસ મેં એવું નક્કી કર્યું કે પહાડીઓ પર કોણ ચડે છે અને ક્યાં જાય છે એની મારે તપાસ કરવી જોઈએ. બીજે દિવસે સવારે હું છાત્રાવાસથી ઝાલાના ડંગરી પહાડી તરફ ચાલી નીકળી. ત્યાં કેટલાંક સ્થાનિક લોકો કામ કરી રહેલા. મને એ લોકોને મળવું, વાતો કરવી ને એમના વિશે જાણવું ખૂબ ગમ્યું….’બીજે દિવસે સંતોષ ફરી એક વાર ત્યાં ગઈ તો ત્યાં કોઈ નહોતું. પણ એને પહાડીઓનું આકર્ષણ થઈ ગયું. એ પહાડીઓ પર ચડવાનો અને ફરવાનો આનંદ લેવા માંડી. એક દિવસ પહાડ ચડતાં ચડતાં એ શિખરે પહોંચી. ટોચ પરથી નીચેનું સુંદર દૃશ્ય જોઈને સંતોષ ભાવવિભોર થઈ ગઈ. એ સમયે સૂર્યોદય થઈ રહેલો અને ઊંચાઈ પરથી એવું લાગતું’તું કે પહાડીમાંથી સૂરજ નીકળી રહ્યો છે ! નીચે ઊતરતી વખતે એને રોક કલાઈમ્બીંગ કરતા કેટલાક છોકરાઓ મળ્યા. એકને સંતોષે પૂછ્યું, ‘શું હું પણ આવું કરી શકું ?’ ટોળીના આગેવાન છોકરાએ કહ્યું, હા,‘કેમ નહીં ?’ પછીની વાતચીત દરમિયાન સંતોષને ખબર પડી કે છોકરાઓ જે કરી રહ્યા છે તેને માઉન્ટેનિયરિંગ કહેવાય. તાલીમ લઈને પોતે પણ પર્વતારોહણ કરી શકે છે… એ જ ક્ષણે સંતોષે પર્વતારોહી બનવાનો સંકલ્પ કરી લીધો.
સંતોષની મંઝિલ નક્કી થઈ ગઈ. પછી એ મંઝિલ સુધી પહોંચાડતા રસ્તા પર પહેલું પગલું પાડ્યું. પોતે બચાવેલા નાણાંમાંથી ઉત્તરકાશીના નેહરુ પર્વતારોહણ સંસ્થાનમાં પ્રવેશ મેળવ્યો. આ સંદર્ભે સંતોષે કહેલું, ‘જયપુરમાં મારા કોલેજનું સેમેસ્ટર એપ્રિલમાં સમાપ્ત થવાનું હતું પણ એને બદલે 19 મેના પૂરું થયું. 21મેના મારે ઉત્તરકાશીમાં હાજર થવાનું હતું. એથી હું ઘેર પાછી ન ગઈ. હું સીધી જ ઉત્તરકાશી ચાલી ગઈ. મારે મારા પિતાને ક્ષમાયાચનાનો પત્ર લખવો પડ્યો. કારણ કે એમની અનુમતિ વિના મેં ઉત્તરકાશીમાં પ્રવેશ મેળવેલો.’
પ્રશિક્ષણ પૂરું થયા પછી સંતોષે પર્વતારોહણને કારકિર્દી બનાવી. 1989થી કારકિર્દીનો આરંભ કર્યો. અલગ અલગ દેશના આંતરરાષ્ટ્રીય પર્વતારોહણ કેમ્પમાં ભાગ લીધો.એવરેસ્ટ સહિતના પર્વતોનું આરોહણ કર્યું. ત્યાર બાદ ભારત-તિબેટ સરહદી પોલીસની નોકરીમાં અધિકારી તરીકે જોડાઈ ગઈ. સંતોષ એક પ્રેરક વક્તા છે. પોતાનાં વક્તવ્યો દ્વારા લોકોને જીવનમાં આગળ વધવા પ્રેરે છે. સંતોષ કહે છે, ‘જીવનમાં ઉદ્દેશ હોવો આવશ્યક છે. જીવનનો આનંદ મેળવવા માટે ઉદ્દેશ અવશ્ય હોવો જોઈએ. એ પ્રાપ્ત કરવા કઠોર પરિશ્રમ કરો. તમારું ધ્યેય ઊંચું હોવું જરૂરી છે. નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન…!’