નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં બુધવારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ વિતરણ કેન્દ્ર પાસે નાસભાગ મચી હતી. જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ઘણા ઘાયલ થયા હતા, જેમાંથી અમુકની હાલત ગંભીર છે. આજે સવારથી જ તિરુપતિના વિવિધ ટિકિટ સેન્ટરો પર વૈકુંઠ દર દર્શનની ટિકિટ માટે લગભગ 4000 શ્રદ્ધાળુઓ કતારમાં ઊભા હતા. બૈરાગી પટ્ટી પાર્કમાં ટોકન વિતરણ માટે ભક્તોને કતારમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી ત્યારે આ ઘટના બની હતી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાન બોર્ડ (ટીટીડી)ના અધ્યક્ષ બીઆર નાયડૂએ ઇમરજન્સી બેઠક બોલાવી છે. ઘટનાના એક દિવસ પહેલા ટીટીડીના કાર્યકારી અધિકારી જે શ્યામલા રાવે 10 થી 19 જાન્યુઆરી સુધી થનારા વૈકુંઠ એકાદશી અને વૈકુંઠ દ્વારા દર્શન માટે કરવામાં આવેલી વ્યવસ્થાની જાણકારી હતી. તેમણે કહ્યું હતું કે, શ્રદ્ધાળુઓને વૈકુંઠ દ્વારના દર્શન કરાવવા ટીટીડીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાવે કહ્યું હતું કે, ટીટીડીએ સાત લાખ શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરી છે. વૈકુંઠ દ્વાર 10 દિવસ સુધી ખુલ્લા રહેશે અને વ્યવસ્થાનો વિશેષ પ્રોટોકોલ રહેશે.
મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ શોક વ્યક્ત કર્યો
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ તિરુપતિમાં થયેલી નાસભાગમાં 4 શ્રદ્ધાળુઓના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.