ફિલ્મ જગત માટે માઠા સમાચાર, ફિલ્મ મેકર પ્રીતિશ નંદીનું 73 વર્ષની વયે નિધન…
મુંબઈઃ બોલિવૂડ માટે વધુ એક માઠા સમાચાર છે. જાણીતા ફિ્લમ મેકર, કવિ અને લેખક પ્રીતિશ નંદીનું નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેમના નિધનના સમાચાર કુશન નંદીએ આપ્યા હતા. ફિલ્મ મેકરના નિધન પર અભિનેતા અનુપમ ખેરે શોક વ્યક્ત કર્યો હતો.
અનુપમ ખેરે તેમને યાદ કરતાં લખ્યું, મારા સૌથી નજીકના મિત્ર પૈકીના એક પ્રીતિશ નંદીના નિધન અંગેના સમાચાર જાણીને સ્તબ્ધ થઈ ગયો છું. તેઓ અદ્ભૂત કવિ, લેખક, ફિલ્મકાર અને એક બહાદુર સંપાદક-પત્રકાર હતા. તેઓ મુંબઈમાં મારા પ્રારંભિક દિવસોમાં સપોર્ટ સિસ્ટમ અને તાકાતના મહાના સ્ત્રોત હતા.
અનુપમ ખેરે આગળ લખ્યું, હું જેમને મળ્યો હોય તેવા સૌથી નિડર લોકોમાંથી તેઓ એક હતા. હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. થોડા સમયથી અમારી મુલાકાત નહોતી થઈ, પરંતુ એક સમયે અમે સાથે હતા. હું તેમને ક્યારેય નહીં ભૂલી શકું. તેમણે મને ફિલ્મફેર અને તેનાથી પણ મોટી વાત The Illustated Welky ના કવર પર રાખીને મને હેરાન કરી દીધો હતો. તેઓ મિત્રતાની સાચી વ્યાખ્યા જાણતા હતા. હું તમને મારી સાથે વીતાવેલી ક્ષણો માટે યાદ કરીશ મારા મિત્ર.
પ્રીતિશ નંદીની કરિયર
પ્રીતિશ નંદી એક પત્રકાર પણ હતા. તેમણે 1990ના દાયકામાં દૂરદર્શન પર ધ પ્રીતીશ નંદી શો નામનો ટૉક શો કર્યો હતો. આ શોમાં તેમણે અનેક જાણીતા હસ્તીઓના ઈન્ટરવ્યૂ લીધા હતા. 2000ના દાયકાની શરૂઆતમાં તેમણે પોતાના બેનર પ્રીતીશ નંદી કમ્યુનિકેશન્સ અંતર્ગત ‘સુર’, ‘કાંટે’, ‘ઝંકાર બીટ્સ’, ‘ચમેલી’, ‘હજારો ખ્વાહિશેં એસી’, ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’ જેવી ફિલ્મો બનાવી હતી. આ ઉપરાંત તેમની કંપનીએ વેબ સીરિઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ અને ‘એંથોલીઝ સીરિઝ’, ‘મોર્ડન લવ મુંબઈ’નું પણ નિર્માણ કર્યું હતું.
પ્રીતિશ નંદીને વર્ષ 1977 માં ભારતીય સાહિત્યમાં યોગદાન આપવા બદલ પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો. રાજ્યસભામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ શિવસેનાની ટિકિટ પર ચૂંટાયા હતા. તેઓ છ વર્ષ સુધી સંસદના સભ્ય હતા અને સ્વતંત્રતાના 50 વર્ષની ઉજવણી કરવા માટેની રાષ્ટ્રીય સમિતિ, સંરક્ષણ માટેની સંસદીય સમિતિ, સંચાર માટેની સંસદીય સમિતિ, વિદેશી બાબતોની સંસદીય સમિતિ સહિત અનેક સમિતિઓના સભ્ય પણ હતા. નંદીએ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપિત ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના અપગ્રેડેશન માટેની નિષ્ણાત સમિતિનું નેતૃત્વ કર્યું હતું.