આમચી મુંબઈ

હૉસ્પિટલોના ઉપકરણો અને મશીનની દેખરેખ પાછળ બીએમસી કરશે ₹ ૬૨ કરોડનો ખર્ચ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં કાયમ મશીનો અને ઉપકરણો બંધ હોવાની અને દર્દીઓને બહાર મોંધા ભાવે મેડિકલ ટેસ્ટ કરાવવા પડતા હોવાની ફરિયાદો રહેતી હોય છે. જોકે હવે પ્રશાસને પોતાની તમામ હૉસ્પિટલોમાં રહેલા મશીનોની દેખરેખ અને સાચવણી કરવાનો કૉન્ટ્રેક્ટ ખાનગી કંપનીને આપવાનો નિર્ણય લીધો છે અને તે માટે વાર્ષિક સ્તરે લગભગ ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

પાલિકાની હૉસ્પિટલ સહિત પ્રસુતીગૃહના મશીન અને ઉપકરણો વપરાયા વગર પડી રહેતા હોય છે. તો અમુક સમયે તે બગડી જવાથી બંધ હોય છે. તેથી પાલિકાએ હવે પોતાના તમામ ૮,૦૦૦થી વધુ મશીનો તથા ઉપકરણોની દેખરેખ કરવા પર ખાસ ધ્યાન આપવાની છે. તે માટે પ્રશાસને એક ખાનગી સંસ્થાની નિમણૂક કરી છે. તે માટે ત્રણ વર્ષનો કૉન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે અને ૬૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. જોકે આટલા રૂપિયા ખર્ચયા બાદ પણ તમામ સાધનો વ્યવસ્થિત હાલતમાં કામ કરશે કે એવા સવાલ થઈ રહ્યા છે.

પાલિકાની કુલ પાંચ મુખ્ય હૉસ્પિટલ, પાંચ સ્પેશિયલ હૉસ્પિટલ, ૧૭ ઉપનગરીય હૉસ્પિટલ, ૨૮ પ્રસુતીગૃહ, ૧૭૫ દવાખાના, ૨૦૪ નાગરી આરોગ્ય કેન્દ્ર છે, જેમાં દર્દીઓ માટે અનેક વૈદ્યકીય ઉપકરણો તેમ જ મશીનો ઉપલબ્ધ છે. પાલિકાએ ખરીદી કરેલા આ સાધનોની દેખરેખના કૉન્ટ્રેક્ટ પૂરા થયા બાદ અનેક જગ્યાએ તેને રીન્યુ કરવામાં આવ્યા નહોવાથી તે બગડી ગયેલી હાલતમાં છે. તેથી પાલિકાએ તમામ મશીનો અને સાધનોની આગામી ત્રણ વર્ષ માટે દેખરેખ અને સમારકામ માટે એક સંસ્થાને નિમવાનો નિર્ણય લીધો છે. તે મુજબ ટેન્ડર મગાવીને સંસ્થાને નીમવામાં આવી છે.

મોંઘી દવાઓ પાલિકાની હૉસ્પિટલમાં જ મળશે!
મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં દર્દીઓને અમુક જ દવાઓ મફતમાં ઉપલબ્ધ થાય છે. બાકી મોટાભાગની દવાઓ દર્દીઓને બહારથી મોંધા ભાવે ખરીદવી પડે છે ત્યારે હવે આવી મોંધી દવા પણ હૉસ્પિટલમાં જ ઉપલબ્ધ થાય એવા પ્રયાસ ચાલી રહ્યા છે. પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ જણાવ્યું હતું કે સુધરાઈની હૉસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને તમામ પ્રકારની દવાઓ હૉસ્પિટલમાંથી જ મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અનેક મોંધી દવાઓ હૉસ્પિટલ પાસે ઉપલબ્ધ નહીં હોવાથી તેમને બહારથી મોંધા ભાવે ખરીદવી પડે છે અને પાલિકાની હૉસ્પિટલમાં આવતા મોટાભાગના દર્દીઓ આર્થિક રીતે સદ્ધર હોતા નથી. તેથી તમામ દવાઓ બહારથી ખરીદવી ના પડે અને હૉસ્પિટલમાં જ મળે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button