અમરેલીઃ બનાવટી લેટરપેડ કાંડ મુદ્દે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પાયલ ગોટી જેલમાંથી બહાર આવ્યા બાદ અમરેલી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પાયલ ગોટી સાથે જેની ઠુંમર અને એડવોકેટ આનંદ યાજ્ઞિક સહીત અગ્રણીઓ પહોંચ્યા હતા . તેમણે જિલ્લા પોલીસ વડા સમક્ષ રજુઆત કર્યા બાદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એડવોકેટ દ્વારા dsp પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આ સમગ્ર કાંડમાં મુખ્ય આરોપી અમરેલી ડી એસ પી છે અને અમે સીટ નો સ્વીકાર કરતા નથી. સીટના નામે પોલીસ તંત્રને કેમ પાયલ ગોટીના ઘરની આસપાસ ખડકી દેવાઈ છે.
હાઇ કોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે સમગ્ર મામલે મીડિયા સમક્ષ શું કહ્યું
એડવોકેટ આનંદ યાજ્ઞિક એસપીને મળ્યાં બાદ થયા લાલઘૂમ થયા હતા. તેમણે પોલીસ અધિક્ષક સામે આરોપ કર્યા કરતાં કહ્યું- પોલીસ અધિક્ષક જ મુખ્ય ગુનેગાર છે. પોલીસે આરોપીઓને માર માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઉભા હતા તેવો આક્ષેપ કર્યો હતો. પાયલ ગોટી સહિતના આરોપીઓને ઉભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા હતા. અમે સીટ ટીમનો સ્વીકાર કરતા નથી. એસપી સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમારે પોલીસ રક્ષણની જરૂર નથી. ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે. સાયબર સેલ, SOG, DCB અને અમરેલી પોલીસના દરેક કર્મીઓ અને અધિકારીઓએ દીકરીને મારી હતી. IG કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ છે. આગામી દિવસોમાં DGને રૂબરૂ મળી રજૂઆત કરીને પોલીસ ફરિયાદ કરીશું.
ગઈકાલે મો઼ડીરાત સુધી ચાલેલા નાટક બાદ આજે પાયલ ગોટી સામે ચાલીને મેડિકલ ચેકઅપ માટે પહોંચી હતી. જેની સાથે તેના વકીલ ઉપરાંત કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પણ હાજર રહ્યાં હતા. હકીકતમાં ગઈકાલે મોડી સાંજે SITની ટીમ પાયલ ગોટીના નિવાસ સ્થાન પર પહોંચી હતી. જ્યાં પાયલ ગોટીનું નિવેદન નોંધી તેના પરિવારના સભ્યો સાથે તેને મેડિકલ ચેકઅપ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન રસ્તામાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોલીસના કાફલાને અટકાવ્યો હતો અને પાયલ ગોટીને ઘરે મૂકી જવા માટે વિનંતી કરી હતી. પાયલ ગોટીએ પણ અત્યારે મેડિકલ માટે બહાર જવાનો ઈનકાર કરતા પોલીસ અધિકારીઓ તેને ઘરે મૂકી ગયા હતા.
શું હતો સમગ્ર મામલો
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું, જેનો ભારે વિરોધ થયો હતો. જે બાદ ત્રીજી જાન્યુઆરીએ આ પાટીદાર યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા હતા. સેશન્સ કોર્ટે 15 હજારના બૉન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપ્યા હતા.