યશસ્વીને વન-ડેના ડેબ્યૂનો મોકોઃ રાહુલ, જાડેજા, શમી ડાઉટફુલ
ચૅમ્પિયન્સ ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટ માટે ટીમ જાહેર કરવા રવિવાર સુધીની મહેતલ, જાણો કોઈ હોઈ શકે ટીમમાં…
નવી દિલ્હીઃ આવતા મહિને પાકિસ્તાનમાં યોજાનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમ જાહેર કરી દેવા વિશે 12મી જાન્યુઆરી છેલ્લી તારીખ છે અને એ દિવસે અથવા એ પહેલાં જાહેર થનારી ટીમમાં કૅપ્ટન રોહિત શર્મા તથા વિરાટ કોહલી (ન્યૂ ઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં કંગાળ રમવા છતાં) સ્થાન જાળવી રાખશે, એવી ધારણા એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. યશસ્વી જયસ્વાલ આ ટીમમાં હશે, પરંતુ કેએલ રાહુલ તેમ જ રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી ટીમમાં નહીં હોય એવું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મૅચો દુબઈમાં રમાશે.
પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (પીટીઆઇ)ના અહેવાલ મુજબ યશસ્વીએ વન-ડેમાં હજી ડેબ્યૂ નથી કર્યું, પણ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે તેને સિલેક્ટ કરીને વન-ડેની કારકિર્દી પણ શરૂ કરવાનો મોકો અપાશે એવું માનવામાં આવે છે. તેના સમાવેશ સાથે ઓપનિંગમાં લેફ્ટ-હૅન્ડનો વિકલ્પ ઉપલબ્ધ થશે જેનાથી ટીમ ઇન્ડિયાને ઘણો ફાયદો થશે અને હરીફ ટીમના બોલર્સે વ્યૂહરચના બદલવી પડશે.
આ પણ વાંચો: હેડ-કોચ ગૌતમ ગંભીરની ગાદી પર સંકટ, ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ નિષ્ફળ જઈશું તો…
અહેવાલમાં બતાવવામાં આવેલી ધારણા અનુસાર રિષભ પંત વિકેટકીપર-બૅટર તરીકે પ્રથમ પસંદગી હશે. એ જોતાં, કેએલ રાહુલ વિશેની ચર્ચા પર કદાચ પૂર્ણવિરામ મૂકી દેવામાં આવશે. 2023ના વન-ડે વર્લ્ડ કપ વખતે રિષભ પંત કાર-અકસ્માતને લીધે ન રમી શક્યો હોવાથી રાહુલને ટીમમાં સમાવાયો હતો. જોકે શ્રીલંકા સામેની સિરીઝમાં અધવચ્ચે તેને પડતો મૂકવામાં આવ્યો હતો. એ સિરીઝમાં પંત એક મૅચ રમ્યો હતો અને અકસ્માત બાદ પાછા આવ્યા પછી પંત તે એકમાત્ર વન-ડે રમ્યો છે.
જો અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્શન કમિટી વધારાના વિકેટકીપરને લેવાનું નક્કી કરશે તો રાહુલ અથવા ધ્રુવ જુરેલ અથવા સંજુ સૅમસનનો સમાવેશ થઈ શકે. કહેવાય છે કે હેડ-કોચ ગૌતમ ગંભીરનો સિલેક્શનની બાબતમાં મત માગવામાં આવશે તો તે સૅમસનને લેવાનું વધુ પસંદ કરશે.
વાઇટ-બૉલ ક્રિકેટમાં રવીન્દ્ર જાડેજા કરતાં અક્ષર પટેલ વધુ અસરદાર હોવાથી અક્ષરને ઑલરાઉન્ડર તરીકે અને વૉશિંગ્ટન સુંદરને મુખ્ય ઑફ-સ્પિનર તરીકે પસંદ કરવામાં આવે એવી સંભાવના છે.
કુલદીપ યાદવ દેશના મુખ્ય વિકેટ-ટેકિંગ બોલર્સમાં ગણાય છે, પરંતુ તેણે તાજેતરમાં સર્જરી કરાવી હોવાથી વિજય હઝારે ટ્રોફીમાં નથી રમ્યો અને હવે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે તેના રમવા વિશે શંકા છે.
મોહમ્મદ શમીની ફિટનેસ વિશે સિલેક્શન કમિટીને હજી સુધી સ્પષ્ટ જાણકારી ન મળી હોવાથી તેનું સિલેક્શન કરાશે કે કેમ એમાં શંકા છે.
ચૅમ્પિયન્સ ટ્રોફી માટેના સંભવિત ભારતીય ખેલાડીઓઃ
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી/રવિ બિશ્નોઈ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, આવેશ ખાન/મોહમ્મદ શમી, રિન્કુ સિંહ/તિલક વર્મા.