ઠાકરેની શિવસેના સામે મનસેનો ઉપયોગ પ્યાદા તરીકે થઈ રહ્યો છે: સંજય રાઉત
મુંબઈ: રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નો ઉપયોગ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી)ને નબળી પાડવા માટે પ્યાદાની જેમ થઈ રહ્યો છે.
સેના (યુબીટી)ના નેતાએ અહીં એક પત્રકારના પ્રશ્ર્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલાર દિવસની શરૂઆતમાં મનસેના વડા રાજ ઠાકરેના નિવાસસ્થાને જઈને રાજ ઠાકરેને મળ્યા હતા.
ભાજપ વિધાનસભા ચૂંટણી પહેલા મનસે સાથે જોડાણ કરવા માગતી હતી, પરંતુ તેના સાથી પક્ષ, હરીફ શિવસેનાના વડા અને તત્કાલીન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન, એકનાથ શિંદેએ આ વિચારનો વિરોધ કર્યો હતો, એવો દાવો રાઉતે કર્યો હતો.
આ પણ વાંચો: કશું રાજકીય નથી: ઉદ્ધવ અને રાજ ઠાકરેના કૌટુંબિક કાર્યક્રમમાં હાજરી આપવા પર સંજય રાઉતની ટિપ્પણી…
‘બાળાસાહેબ ઠાકરેની શિવસેના સામે મનસેનો ઉપયોગ પ્યાદા તરીકે થઈ રહ્યો છે. તે મહારાષ્ટ્રની ભાવનાની વિરુદ્ધ છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
બાળ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે પિતરાઈ ભાઈ ઉદ્ધવ સાથેના મતભેદ બાદ પોતાના કાકાની પાર્ટીથી અલગ થઈ ગયા હતા અને 2006માં તેમણે મનસેની સ્થાપના કરી હતી.
મનસેએ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટેકો જાહેર કર્યો હતો, જોકે તે પછીની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સ્વતંત્ર રીતે લડી હતી. મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓમાં પાર્ટીનું વલણ મહત્વપૂર્ણ બની શકે છે.
આ પણ વાંચો: તો શિંદે વિના જ શપથવિધિ પાર પાડવાની ભાજપની યોજના હતી: આવો દાવો ઉદ્ધવ-સેનાના સંજય રાઉતે કર્યો છે
આ બધાની વચ્ચે સંજય રાઉતે ભારતીય ચૂંટણી પંચની પણ ટીકા કરી હતી અને એવો દાવો કર્યો હતો કે ઈવીએમમાંં ‘કૌભાંડ’ થયું છે.
તેમણે મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હીમાં ઈવીએમ સાથે છેડછાડના કથિત કિસ્સાઓનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો હતો કે ભાજપે ચૂંટણી પંચને હાઇજેક કર્યું હતું અને ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડ કરી હતી, જેને ચૂંટણી પંચે નકારી કાઢ્યું છે.
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિવાદાસ્પદ પ્રસ્તાવ પર બોલતાં રાઉતે તેને ‘એક પક્ષ અને એક નેતા’ના હાથમાં સત્તા એકીકૃત કરવા તરફનું પ્રથમ પગલું ગણાવ્યું હતું.