સ્પોર્ટસ

વિવાદાસ્પદ ટીનેજર કૉન્સ્ટૅસે બુમરાહ સામેની ભૂલ સ્વીકારી, કોહલીના ભરપેટ વખાણ કર્યા

સિડનીઃ તાજેતરમાં ભારત સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ચારમાંથી માત્ર એક ઇનિંગ્સમાં હાફ સેન્ચુરી ફટકારનાર અને ઓપનિંગમાં સાવ સાધારણ રમનાર 19 વર્ષનો સૅમ કૉન્સ્ટૅસ પર્ફોર્મન્સને બદલે બે મોટા વિવાદ બદલ ચર્ચામાં રહ્યો છે.

વિરાટ કોહલી સાથે તેમ જ જસપ્રીત બુમરાહ સાથે તેનો વિવાદ થયો હતો. બુમરાહ સાથેના વિવાદ સંબંધમાં કૉન્સ્ટૅસે એક ચૅનલ સાથેની મુલાકાતમાં ભૂલ સ્વીકારી હતી અને વિરાટ કોહલીના ખૂબ વખાણ કરીને તેની સાથેના વિવાદને ઠંડો પાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો.

કૉન્સ્ટૅસના બુમરાહ અને કોહલી સાથેના વિવાદ આ મુજબ હતાઃ (1) સિડનીની છેલ્લી ટેસ્ટના પહેલા દાવમાં દિવસની રમતની અંતિમ પળોમાં બુમરાહ રન-અપ શરૂ કરી રહ્યો હતો ત્યારે બૅટર ઉસમાન ખ્વાજાએ સમય બગાડવાના હેતુથી બુમરાહને અટકી જવા કહ્યું હતું.

આપણ વાંચો: રાહુલે બ્રેક લીધો, ઑસ્ટ્રેલિયાના પ્રવાસના આ ખેલાડીઓ વિજય હઝારે ટ્રોફીમાં રમશે

કૉન્સ્ટૅસે પણ હાથ બતાવીને બુમરાહને રોક્યો હતો એટલે બુમરાહ ઉશ્કેરાયો હતો અને કૉન્સ્ટૅસને ઠપકો આપવા આગળ આવ્યો ત્યારે કૉન્સ્ટૅસ પણ ભારતીય ટીમના આ વર્લ્ડ નંબર-વન અને સિનિયર બોલર સામે દલીલ પર ઊતરી પડ્યો હતો. અમ્પાયરે બન્નેને છોડાવ્યા હતા.

થોડી વારમાં જ બુમરાહે ખ્વાજાને આઉટ કરીને પોતાની તાકાત બતાવી દીધી હતી અને કૉન્સ્ટૅસની નજીક આવીને ખુન્નસથી તેની સામે જોઈને તેને નવા નિશાળિયા તરીકેની તેની મર્યાદા બતાવી દીધી હતી.

(2) વિરાટ કોહલી સાથે પણ કૉન્સ્ટૅસનો વિવાદ થયો હતો. બૅટર કૉન્સ્ટૅસ એક ઓવર બાદ ગ્લવ્ઝ બદલતા-બદલતા પિચ નજીક ચાલી રહ્યો હતો ત્યારે સામેથી કોહલી આવ્યો અને તેની સાથે ખભો ટકરાવ્યો હતો. ત્યાર બાદ બન્ને વચ્ચે દલીલ થઈ હતી.

કૉન્સ્ટૅસે એક ચૅનલને આજે મુલાકાતમાં બુમરાહ સાથેના ઘર્ષણ બાબતમાં ખેદ વ્યક્ત કરતા અને પોતાની ભૂલ કબૂલ કરતા કહ્યું, મને આ ઘટના પરથી શીખવા મળ્યું. હું તો સમય બગાડવા માટે જ બુમરાહને રોકી રહ્યો હતો કે જેથી તેમને રમતના એ અંત ભાગમાં વધુ એક ઓવર બોલિંગ કરવા ન મળે.

આપણ વાંચો: ટ્રોફી મારા નામની, હું મેદાન પર જ હતો અને મને જ સમારોહમાં આમંત્રણ નહીં?: સુનીલ ગાવસકર

જોકે છેલ્લું અટ્ટહાસ્ય તો બુમરાહનું જ હતું. તે જેવો તેવો બોલર નથી. વર્લ્ડ ક્લાસ બોલર છે અને સિરીઝમાં તેની 32 વિકેટ હાઈએસ્ટ હતી. હવે જો ફરી વાર એવી ઘટના બનશે તો હું બુમરાહ સામે કંઈ જ દલીલ નહીં કરું.'

કોહલી સાથેની ખભાની ટક્કરના બનાવ બાબતમાં કૉન્સ્ટૅસે ચૅનલને કહ્યું,એ ઘટના બાદ પછીથી હું મારા બાળપણના હીરો કોહલી પાસે પહોંચી ગયો હતો. મેં તેની સાથે થોડી વાતચીત કરી હતી અને તેને કહ્યું કે તું મારો આદર્શ છે અને તારી સામે રમવામાં હું ગર્વ અનુભવી રહ્યો છું.’

કૉન્સ્ટૅસે કોહલી વિશે એવું પણ કહ્યું કે `મૅચ દરમ્યાન મને સુખદ આશ્ચર્ય થતું કે વાહ, વિરાટ કોહલી જે મૅચમાં બૅટિંગ કરી રહ્યો છે એ મૅચમાં હું પણ રમી રહ્યો છું અને ક્રાઉડ તેને જોરદાર ચિયર-અપ કરી રહ્યા છે.

આપણ વાંચો: મેલબર્નમાં મહાજંગઃ ભારત જીતશે તો ટ્રોફી રીટેન કરશે

કોહલી ખૂબ જ વિનમ્ર સ્વભાવનો છે. ખેલાડી ઉપરાંત માણસ તરીકે પણ ખૂબ સારો છે. મને તેણે ભવિષ્ય વિશે શુભેચ્છા આપી હતી અને કહ્યું કે શ્રીલંકાના પ્રવાસ માટે જો તને સિલેક્ટ કરાશે તો એમાં તું સારું રમીશ એવી મને આશા છે. મારા આખા પરિવારને કોહલી પ્રિય છે. હું નાનપણથી તેને ફૉલો કરું છું, તે મારો આદર્શ છે અને ક્રિકેટનો તે લેજન્ડ છે.’

સ્વાભાવિક છે કે ઑસ્ટ્રેલિયા આ સિરીઝ જીતી ગયું એટલે આનંદના વાતાવરણમાં કૉન્સ્ટૅસને બુમરાહ અને કોહલી, બન્ને પર પ્રેમ ઉભરાઈ આવ્યો છે અને ભૂલ સ્વીકારી લીધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button