કેન્દ્ર સરકાર રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મોટી રાહત આપવા જઇ રહી છે. રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે કેશલેસ સારવાર મળી શકશે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ રોડ અકસ્માતમાં ઘાયલ થનારાઓ માટે કેશલેસ સારવારની યોજના જાહેર કરી છે.
આ પણ વાંચો : આ વિજ્ઞાનિક બનશે ISROના નવા વડા, ભારતના સ્પેસ મિશનમાં આપી ચુક્યા છે મહત્વપૂર્ણ યોગદાન
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે સમગ્ર દેશમાં ડ્રાઇવિંગ ટ્રેનિંગ પોલિસી શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ લગભગ 1250 નવા ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટર ખોલવામાં આવશે.
નીતિન ગડકરીએ 7 જાન્યુઆરીએ એક નવી યોજનાની જાહેરાત કરતા કહ્યું હતું કે સરકાર રોડ અકસ્માતોને ઘટાડવા માટે તેનાથી બનતા બધા જ પ્રયાસો કરી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોની સારવાર માટે કેશલેસ સારવારની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ યોજના મુજબ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને હવે કેશલેસ સારવાર મળશે.
જો અકસ્માત પછી 24 કલાકની અંદર પોલીસને જાણ કરવામાં આવે છે, તો આ યોજના હેઠળ પીડિતાને 7 દિવસ સુધી મફતમાં સારવાર આપવામાં આવશે. હિટ એન્ડ રન કેસમાં મૃત્યુના કિસ્સામાં, મૃતકના પરિવારને તાત્કાલિક 2 લાખ રૂપિયા મળશે. આમ હવે અકસ્માતમાં જો કોઇ ઘાયલ થાય છે તો તેની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ ઉપરાંત જે કોઇ પણ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિનો જીવ બચાવશે તો તેને પણ 5000 રૂપિયાની પ્રોત્સાહક રકમ ઇનામ તરીકે આપવામાં આવશે.
આ રકમ વધારવા માટે પણ સરકાર વિચાર કરશે. આ યોજના માર્ચ મહિનાથી અમલમાં આવી રહી છે.
મંગળવારે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “અમે આ કેશલેસ યોજનાને કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી હતી. અમને તેમાં કેટલીક ખામીઓ જોવા મળી છે, જેને અમે સુધારી રહ્યા છીએ. આ યોજના ચોક્કસપણે સફળ થશે અને લોકો માટે ઘણી ફાયદાકારક રહેશે.” કેન્દ્રીય મંત્રી ગડકરીએ રાજ્યના પરિવહન મંત્રીઓ સાથેની બેઠક બાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી હતી.
તેમણે કહ્યું, “અમારી પ્રથમ પ્રાથમિકતા માર્ગ સલામતી છે. 2024માં માર્ગ અકસ્માતમાં 1.8 લાખ લોકોના મોત થયા હતા. તેમાંથી 30,000 લોકો હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ પામ્યા હતા. બીજી ગંભીર બાબત એ છે કે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાંથી 66 ટકા લોકો 18-34 વર્ષની વયજૂથના હતા. આ ઉપરાંત સ્કૂલ, કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળે યોગ્ય વ્યવસ્થાના અભાવે દસ હજાર બાળકોના મૃત્યુ થયા હતા તો ડ્રાઇવીંગ લાઇસન્સ ના લેવાને કારણે 3000 લોકોના મૃત્યુ થયા હતા.
ગડકરીએ જણાવ્યું હતું કે ભારત હાલમાં 22 લાખ કોમર્શિયલ ડ્રાઇવરોની અછતનો સામનો કરી રહ્યું છે, જે માર્ગ સલામતીને સુનિશ્ચિત કરવામાં પડકારોમાં વધારો કરે છે. ડ્રાઇવરોની યોગ્ય પ્રશિક્ષણ નીતિ લાવીને અમે આ સમસ્યાનું પણ નિરાકરણ કરીશું. આનાથી લોકોને રોજગારી પણ મળશે અને દેશમાં બેકારી પણ ઓછી થશે.
આ પણ વાંચો : ફિલ્મ જોતાં જોતાં મફતમાં ખાવા મળશે પોપકોર્ન; પણ તે માટે કરવું પડશે આટલું…
નીતિન ગડકરીએ જૂના વાહનોને સ્ક્રેપ કરવાની યોજના વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે “સ્ક્રેપિંગ આપણા ઓટોમોબાઈલ સેક્ટરમાં મોટો ફેરફાર લાવશે કારણ કે જૂની ગાડીમાં વપરાયેલા એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ અને પ્લાસ્ટિકનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે. સ્ક્રેપિંગ નીતિ દેશમાં વધુ રોજગારીનું સર્જન કરશે. આમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને વધારાનો રૂ. 18,000 કરોડનો GST પણ મળશે.”