વંદે ભારતને કારણે લોકોમાં ઘટ્યો વિમાની મુસાફરીનો મોહ…
મુંબઇ: દેશની ટોચની ટૅકનોલૉજી સાથે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નવું વર્જન ટૂંક સમયમાં આવી રહ્યું છે. ભારતીય રેલવે આવતા વર્ષે સ્લીપર વંદે ભારત લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તે આરામ અને સલામતીના સંદર્ભમાં વધુ સારું રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી વિમાન પ્રવાસનનો ક્રેઝ પણ ઓછો થશે. સુવિધાની વાત કરીએ તો સ્લીપર વંદે ભારત વર્લ્ડ ક્લાસ ટ્રેનોમાંની એક હશે. આ ભારતની સૌથી ઝડપી દોડનારી ટ્રેન હશે. અપગ્રેડેડ ટ્રેક સાથે તે ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને મુસાફરીનો સમય ઘટાડશે.
રેલવે મંત્રાલયના નિવેદન અનુસાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પ્રથમ વખત દિલ્હી વારાણસી વચ્ચે ફેબ્રુઆરી ૨૦૧૯માં શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. હાલમાં દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસની ૩૪ જોડી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
વંદે ભારત એક્સપ્રેસમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનને પાછળ છોડી દેવાની ક્ષમતા છે. તેની સ્પીડ એટલી ઝડપી હશે કે તે અન્ય ટ્રેનો કરતા વધુ ઝડપથી ગંતવ્ય સ્થાને પહોંચશે. તે જ સમયે તે હવાઈ મુસાફરી કરતા મુસાફરોને આકર્ષિત કરી શકે છે.
નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ૮૨૩ બર્થ હશે. એટલે કે એક ટ્રેનમાં ૮૨૩ મુસાફરો પ્રવાસ કરી શકશે. સ્લીપર વંદે ભારત એક્સપ્રેસમાં કુલ ૧૬ કોચ હશે, જેમાં એક એસી ૧ , ચાર એસી ૨ અને ૧૧ એસી ૩ ક્લાસ કોચ હશે. તમામ કોચમાં એક મિની પેન્ટ્રી અને ત્રણ શૌચાલય હશે. આ ટ્રેન આરામ અને સુરક્ષાની દ્રષ્ટિએ વિશ્ર્વ કક્ષાની હશે. તે ભારતના ૨૪ રાજ્યોને જોડશે અને ૩૩ રૂટને આવરી લેશે.