ભારતનો બાંગ્લાદેશ સરકારને ઝાટકો, શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ તો ભારતે…
નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશના નિર્વાસિત વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઢાકામાં તેના પ્રત્યાર્પણની માંગ વધી રહી છે. શેખ હસીના દેશ છોડીને ગયા ઓગસ્ટમાં ભારત આવ્યા હતા. ત્યારથી તેઓ ભારતમાં જ છે.
આ પણ વાંચો : India GDP Data: ભારતીય અર્થવ્યવસ્થા માટે માઠા સમાચાર, વર્ષ 2025 માં જીડીપીમાં જોવા મળશે આ ફેરફાર
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ તેમની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના વિઝાને તાજેતરમાં લંબાવવામાં આવ્યો છે, જેથી તેઓ પહેલાની જેમ ભારતમાં રહી શકે. સૂત્રોએ એ પણ સ્પષ્ટ કર્યુંહતું કે ભારતમાં શરણાર્થીઓ માટે કોઈ વિશેષ કાયદો ન હોવાથી ભારતે તેમને આશ્રય આપ્યો નથી.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે 23 ડિસેમ્બરે ભારતના વિદેશ મંત્રાલયને રાજદ્વારી નોંધ મોકલી હતી. જોકે, ભારત સરકારે હજુ સુધી આ અંગે કોઈ હકારાત્મક પ્રતિભાવ આપ્યો નથી. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ઢાકાએ પ્રત્યાર્પણ માટે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી નથી.
પાસપોર્ટ રદ કરવાની જાહેરાત
આ દરમિયાન બાંગ્લાદેશ સરકારે શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. શેખ હસીનાની ધરપકડ કરવાનું વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે. આ 97 લોકો પર જુલાઈમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને બળજબરીથી ગુમ કરવા અને હત્યાઓમાં કથિત રીતે સામેલ હોવાનો આરોપ છે. બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે જાહેરાત કરી છે કે શેખ હસીના અને અન્ય 75 વ્યક્તિઓના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 6 જાન્યુઆરીએ, બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલે શેખ હસીના વિરુદ્ધ બીજું ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ટ્રિબ્યુનલે બાંગ્લાદેશની પોલીસને શેખ હસીના અને અન્ય 11 લોકોની ધરપકડ કરીને 12 ફેબ્રુઆરીએ ટ્રિબ્યુનલ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે.
ભારતમાં શેખ હસીનાનું ભવિષ્ય શું?
ભારતમાં શેખ હસીનાના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે પહેલેથી જ કહ્યું છે કે શેખ હસીનાએ પોતાની ભવિષ્યની યોજનાઓ જાતે જ નક્કી કરવાની છે. ભારતે આમાં કોઈ નિર્ણય કરવાનો નથી. દરમિયાન, બાંગ્લાદેશના રાષ્ટ્રીય સ્વતંત્ર તપાસ પંચના વડાએ કહ્યું છે કે કમિશનના સભ્યો 2009માં બાંગ્લાદેશ રાઈફલ્સ દ્વારા 74 લોકોની હત્યામાં શેખ હસીનાની પૂછપરછ કરવા માટે ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, ભારત સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
આ પણ વાંચો : શું છે ચીનમાં ફેલાઈ રહેલાં નવા વાઈરસ HMPVના લક્ષણો? જાણી લેશો તો ફાયદામાં રહેશો…
શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતે યુનુસ સરકારને સંકેત આપ્યો છે કે પ્રત્યાર્પણની વિનંતી હાલ માટે હોલ્ડ પર રહેશે, તેથી હાલમાં તો ભારત તરફથી કોઈ નક્કર પગલું ભરાય તેવું લાગતું નથી. એવા સંજોગોમાં મોહમ્મદ યુનુસ સરકારના આગામી શું પગલા લે છે એ જોવાનું રસપ્રદ રહેશે.