બેંગલુરું: ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના વર્તમાન અધ્યક્ષ એસ. સોમનાથે 14 જાન્યુઆરી 2025ના રોજ નિવૃત્ત (S Somnath Retierment) થઈ રહ્યા છે, તેમની જગ્યાએ વી નારાયણન ISROના નવા અધ્યક્ષ (V Narayaran ISRO Chief) બનશે. વી નારાયણન અવકાશ વિભાગના સચિવ તરીકે પણ કાર્યભાર સંભાળશે. કેબિનેટની નિમણૂક સમિતિના આદેશ મુજબ, વી નારાયણન 14 જાન્યુઆરીએ વર્તમાન ઈસરોના વડા એસ સોમનાથના સ્થાને ચાર્જ સંભાળશે. તેઓ આગામી બે વર્ષ સુધી અથવા આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ પદની જવાબદારી સંભાળશે.
Also read: ISRO ભરશે નવી ઉડાન: કેબિનેટે ચંદ્રયાન-4 સહીત આ મહત્વના પ્રોજેક્ટ્સને મંજુરી આપી…
વી નારાયણન ISROના વરિષ્ઠ વૈજ્ઞાનિક છે. તેમની પાસે રોકેટ અને સ્પેસક્રાફ્ટ પ્રપલ્શન ક્ષેત્રે ચાર દાયકાનો બહોળો અનુભવ છે. તેઓ હાલમાં ઇસરોના મુખ્ય કેન્દ્રોમાંના એક લિક્વિડ પ્રપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) ના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
વી નારાયણનની પસંદગી શા માટે કરવામાં આવી?
• 1984 માં ISRO માં જોડાયા પછી વી નારાયણને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે સાઉન્ડિંગ રોકેટ, ASLV (ઓગમેન્ટેડ સેટેલાઇટ લોંચ વ્હીકલ), અને PSLV (પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ) ના સોલીડ પ્રોપલ્શન ક્ષેત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
• વી નારાયણનને રોકેટ અને સ્પેસ પ્રોપલ્શન ક્ષેત્રે અગ્રણી નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે પ્રોસેસ પ્લાનિંગ, એબ્લેટિવ નોઝલ સિસ્ટમ, કમ્પોઝિટ મોટર કેસ અને કમ્પોઝિટ ઇગ્નીટર કેસ જેવી ટેકનોલોજીના વિકાસમાં યોગદાન આપ્યું હતું.
• હાલ તેઓ નારાયણન LPSC ના ડાયરેક્ટર છે, જેનું મુખ્યાલય વાલિયામાલા, તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. આ કેન્દ્ર ભારતના અવકાશ કાર્યક્રમ માટે મુખ્ય લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ વિકસાવે છે.
કેબિનેટની નિમણૂક સમિતિ અનુસાર, વી નારાયણન આગામી બે વર્ષ માટે ISROના વડા અને અવકાશ વિભાગના સચિવ તરીકે સેવા આપશે. તેઓ ગગનયાન અને ચંદ્રયાન-4 જેવા ભારતના મહત્વકાંક્ષી અવકાશ મિશનને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ISROમાં નારાયણનનો બહોળો અનુભવ ભારતીય અવકાશ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મદદ કરશે. તેમના નેતૃત્વમાં ભારત અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા સાથે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખને વધુ મજબૂત કરશે એવી આશા છે.