ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

બાંગ્લાદેશના શેખ હસીનાનો પાસપોર્ટ રદ, પૂર્વ પીએમ સહિત અન્યો સામે યુનુસ સરકારની નવી કાર્યવાહી

ઢાકા: બાંગ્લાદેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દીધો છે. તેમની સાથે અન્ય 97 લોકોના પણ પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. તેમના પર જુલાઈ મહિનામાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને બળજબરીથી ગાયબ કરવાનો અને તેમની હત્યા કરવાનો આરોપ છે. આમાંના મોટાભાગના નેતાઓ અને લોકો આવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા છે. બાંગ્લાદેશના ઈમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે પદ ભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ કરી દીધા છે. તેમની સામે જુલાઈ ઓગસ્ટમાં થયેલા વિદ્યાર્થીઓના વિરોધ અને રમખાણોમાં લોકોને બળજબરીથી ગુમ કરવા અને તેમની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે.

સરકારના મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ આઝાદ મજુમદારે ફોરેન સર્વિસ એકેડેમી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખુલાસો કર્યો હતો કે રદ કરાયેલા કેટલાક પાસપોર્ટ ખાસ કરીને જબરદસ્તી ગાયબ કરવાના આરોપો સાથે જોડાયેલા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હસીનાના પાસપોર્ટ સહિત બાકીના 75 પાસપોર્ટ બળવાખોરીની હિંસક ઘટનાઓમાં તેમની કથિત સંડોવણીને કારણે રદ કરવામાં આવ્યા હતા. આ વિદ્રોહમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) એ શેખ હસીના અને અન્ય 11 વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન અપહરણ અને હત્યાઓના સંબંધમાં ધરપકડ વોરંટ જારી કર્યાના એક દિવસ બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે હસીના સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવા અને તેમની સમક્ષ હાજર કરવા માટે 12 ફેબ્રુઆરી સુધીની સમય મર્યાદા નક્કી કરી છે.

શેખ હસીના અને 15 લોકો વિરુદ્ધ ICTમાં ફરિયાદ દાખલ :-
મંગળવારે સવારે શેખ હસીના અને અન્ય 15 લોકો વિરુદ્ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન થયેલા કથિત ગોળીબારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શફીકુલ ઈસ્લામ મુફ્તી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 2021માં જ્યારે પીએમ મોદી આવ્યા ત્યારે ત્યાં વિરોધ ચાલી રહ્યો હતો. તે સમયે, શેખ હસીનાની સરકારે પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં તેનો 17 વર્ષનો પુત્ર અને અન્ય ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા.

Also read: શેખ હસીનાના બ્રિટન જવાના દરવાજા વિદેશ પ્રધાન એસ. જયશંકર ખોલી શકશે?

આ તાજેતરનું વોરંટ 17 ઓક્ટોબરના રોજ જારી કરાયેલ અગાઉના વોરંટ પછી આવ્યું છે, જેમાં હસીના પર વિરોધ દરમિયાન નરસંહાર અને માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે અવામી લીગના શાસનના પતન પછીના સમયગાળામાં શેખ હસીના, તેમના પક્ષના નેતાઓ અને વરિષ્ઠ કાયદા અમલીકરણ અધિકારીઓ સામે ઘણા કેસ અને ફરિયાદો દાખલ કરી છે.

નોંધનીય છે કે શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ મોહમ્મદ યુનુસ દેશના મુખ્ય સલાહકાર બન્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત થઈ રહેલા હુમલાના પગલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો વણસ્યા છે. તેમજ બાંગ્લાદેશની વચગાળાની સરકારે લોકોને હસીનાના પ્રત્યાર્પણનું વચન આપ્યું છે અને આ બાબતે ભારતને અપીલ પણ કરી છે. શેખ હસીના ઓગસ્ટ-2024થી ભારતમાં સુરક્ષિત આશરો લઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button