પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગેરકાયદે પોસ્ટરો-હૉર્ડિંગો: થાકેલી પાલિકા હવે રાજકીય પક્ષોના શરણે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઠેર ઠેર લગાડવામાં આવેલા ગેરકાયદે રાજકીય હૉર્ડિંગ્સ હટાવવામાં મુંબઈ મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે, તેથી પાલિકાએ હવે રાજકીય પક્ષોને જ સંપર્ક સાધવાનો નિર્ણય લીધો છે. પાલિકા પ્રશાસને હવે વોર્ડ સ્તરે સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓને પત્ર લખીને પાલિકાના નિયમોનું પાલન કરવા અને તેમના સમર્થકોને પણ તેઓ નિયમોનું પાલન કરવાની અપીલ કરતો પત્ર લખવાનો નિર્ણય લીધો છે. પાલિકા હવે સીધું રાજકીય પક્ષોને જ તેમના કાર્યકર્તાઓને ગેરકાયદે બેનરો અને હૉર્ડિંગો લગાવવાથી દૂર રહે એવી વિનંતી કરવાની છે.
મુંબઈમાં ૨૦૨૪ની સાલમાં લોકસભા અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીને પગલે શહેરમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે હૉર્ડિંગ, બેનરો અને પોસ્ટરોમાં વધારો જોવા મળ્યો હતો. જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં લગભગ ૭૦,૯૩૦ ગેરકાયદે જાહેરાતો દૂર કરવામાં આવી હતી. તો ૨૯ કેસમાં પોલીસ ચેતવણી આપી હોવા છતાં નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યા બાદ પણ એફઆઈઆર નોંધવામાં આવ્યો નહોતો.
Also read: મોબાઇલ કંપનીઓનો 94 કરોડનો મિલકત વેરો ચૂકવવાનો બાકી, વસૂલાત માટે BMC નો રાજ્ય સરકારને પત્ર…
આ દરમિયાન પાલિકાની ‘આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ ડિસ્પ્લે’ પોલિસી ઑગસ્ટ ૨૦૨૪માં તૈયાર કરવામાં આવી હતી, તેના પર હજી સુધી અંતિમ વોર્ડ સ્તરની ટીમ સક્રિય રીતે સાઈટ પર જઈને હૉર્ડિંગ્સ હટાવી રહી છે. પરંતુ કમનસીબે બીજા દિવસે ફરીથી ત્યાં હૉર્ડિંગ્સ લગાવી દેવામાં આવતા હોય છે. અમે પ્રિન્ટરોને પણ સૂચના આપી છે કે પાલિકાના રોજ તથા ફૂટપાથ પર લગાડવામાં આવનારી જાહેરાતોને છાપવા પહેલા પાલિકાની મંજૂરી લેવાની રહેશે. છતાં પરિસ્થિતિમાં સુધારો આવતો નથી. તેથી હવે ગેરકાયદે રાજકીય બેનરોનો મુદ્દેે અમે સંસદ સભ્ય, વિધાનપરિષદના સભ્યો તથા પક્ષ પ્રમુખો સહિત સ્થાનિક પ્રતિનિધિઓને અપીલ કરવાનું નક્કી કર્યું છે.
પાલિકાના ‘એચ-વેસ્ટ’ વોર્ડ દ્વારા સ્થાનિક પ્રતિનિધિઓને પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં પાલિકાની પૉલિસી મુજબ જે રસ્તાઓ અને ફૂટપાથ પર હૉર્ડિંગ્સ, બેનરો, બોર્ડ અને કટઆઉટ જેવી અસ્થાયી જાહેરાતો પર પ્રતિબંધ છે. જો કોઈ જાહેરાત પ્રદર્શિત કરવા માગતું હોય તો તેઓએ પાલિકાને તેની માટે ફી ચૂકવાની કાયદેસરની મંજૂરી મેળવીને લગાવી શકે છે. આ પત્રમાં બોમ્બે હાઈ કોર્ટના ૨૦૧૭ના ચુકાદાના નિર્દેશનું પાલન કરવાની પણ વિનંતી કરવામાં આવી છે, જે આવા હૉર્ડિંગ્સ અને બેનરો લગાવવા પર પ્રતિબંધ મૂકે છે.