અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વનો ત્રીજો તબક્કો એટલે જિલ્લા પ્રમુખની નિમણુકની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા 580 જેટલા મંડળ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થઈ ચૂકી છે. હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા 33 જિલ્લા પ્રમુખ અને આઠ મહાનગરપાલિકાના પ્રમુખો માટેની નિયુક્તિની પ્રક્રિયા શરૂ થઈ છે. જે અંતર્ગત ગત બે દિવસ એટલે કે ત્રણ અને ચાર જાન્યુઆરીએ ભાજપે જિલ્લા પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખના પ્રબળ દાવેદાર લોકોએ બાયોડેટા સાથે જિલ્લા પ્રમુખ માટેની દાવેદારી નોંધાવી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં ૧૧ થી ૧૪ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો ભાગ લેશે…
આ દાવેદારોએ દાવેદારી કર્યા બાદ જિલ્લા કક્ષાએ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં દાવેદારોના બાયોડેટા એકત્ર કરી નામાવલિ તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ મળેલા જિલ્લા પ્રમુખના દાવેદારો અંતર્ગત આજે સંગઠન પર્વને લઈને કમલમ ખાતે સવારથી માંડીને સાંજ સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. જેમાં મહાનગરના પ્રમુખો તેમજ જિલ્લા પ્રમુખો માટેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા કક્ષાએ મોકલેલા ચૂંટણી નિરીક્ષકો તેમજ સહ ચૂંટણી નિરીક્ષકો અને જિલ્લાના વર્તમાન પ્રતિનિધિઓ સાથે જિલ્લા વાઇઝ બેઠકોનો દોર સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ સાથે યોજાઈ હતી. જેમાં 33 જિલ્લા પ્રમુખ અને આઠ મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારીઓને તબક્કાવાર સાંભળવામાં આવ્યા હતા.
ચૂંટણી અધિકારીઓ દ્વારા કલેક્ટ કરેલા બાયોડેટા પ્રદેશ કક્ષાએ પહોંચ્યા હતા. આજે પહોંચેલા પ્રદેશ કક્ષાના બાયોડેટા અંતર્ગત જિલ્લા પ્રમુખો અને મનપાના પ્રમુખો માટે ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ જાણવા મળ્યું હતું. કેમ કે 33 જિલ્લા પ્રમુખો અને આઠ મહાનગરપાલિકાના પ્રમુખો માટે અંદાજે 1300 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રદેશ ભાજપને મળેલા દાવેદારોમાં સરેરાસ દરેક જિલ્લામાં અંદાજે 25થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ દાવેદારોની ફોર્મ બનાસકાંઠા જિલ્લાને પ્રાપ્ત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં 90 જેટલા દાવેદારોએ પ્રમુખ બનવાની તત્પરતા દર્શાવી હતી. તો તે જ પ્રકારે મહાનગરપાલિકામાં પણ સૌથી વધુ દાવેદારો સુરત મહાનગરપાલિકાના પ્રમુખ બનવા માટે બાયોટેડા આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના પ્રમુખ બનવા માટે 70 જેટલા દાવેદારો મેદાનમાં છે.
આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે સ્માર્ટ હોમ્સ…
અમદાવાદની આઠ મહાનગરપાલિકામાં મળેલા પ્રમુખો માટેના દાવેદાર અંતર્ગતની નજર કરીએ તો અમદાવાદ મનપામાં 25, વડોદરા મનપાના 55, ગાંધીનગર મનપામાં 35, સુરત મનપાના 70, રાજકોટ મનપાના 33, ભાવનગર મનપાના 41 ઉમેદવારો હાલ તો મેદાનમાં છે. એ મુજબ જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં 24 દાવેદારો, ખેડા જિલ્લામાં 27 દાવેદારો, આણંદ જિલ્લામાં 32 દાવેદારો, સુરેન્દ્રનગર જિલ્લામાં 28 દાવેદારો, બોટાદ જિલ્લામાં 38 દાવેદારો, રાજકોટ જિલ્લામાં 24 દાવેદારો, તાપી જિલ્લામાં 32 દાવેદારો, સુરત જિલ્લામાં 17 દાવેદારો, ભરૂચ જિલ્લામાં 37 દાવેદારો, નર્મદા જિલ્લામાં 24 દાવેદારો, મોરબી જિલ્લામાં 18 દાવેદારો, અમરેલી જિલ્લામાં 46 દાવેદારો, ગાંધીનગર જિલ્લામાં 34 દાવેદારો, દાહોદ જિલ્લામાં 47 દાવેદારો મેદાનમાં છે. હવે જોઈએ કોણ પ્રમુખનો તાજ મેળવે છે, કોણ બાકાત રહે છે, તે હવે 10 જાન્યુઆરી સુધીમાં ખ્યાલ આવી જશે.