ચોરને કીમતી વસ્તુ હાથ ન લાગી એટલે મહિલાને ચુંબન ચોડી દીધું!
મુંબઈ: ચોરીને ઇરાદે ઘરમાં ઘૂસેલો ચોર કોઈ કીમતી વસ્તુ હાથ ન લાગતાં મહિલાને ચુંબન કરી ફરાર થઈ ગયો હોવાની વિચિત્ર ઘટના મલાડ પરિસરમાં બની હતી. પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર ઘટના મલાડ પૂર્વના કુરાર વિલેજમાં ત્રીજી જાન્યુઆરીની રાતે બની હતી. આરોપી ચોરીને ઇરાદે દરવાજાનો લૉક ખોલી ઘરમાં ઘૂસ્યો હતો. દરવાજાને અંદરથી બંધ કર્યા પછી ઘરમાં ફાંફાં માર્યા છતાં તેને ચોરી કરવા જેટવી કોઈ વસ્તુ મળી નહોતી.
આ પણ વાંચો: બોલો, સાંતાક્રુઝમાં ચોરી અને વેચાણ થાણેમાંઃ ચોર પાસેથી જપ્ત કર્યાં 110 મોબાઈલ…
કહેવાય છે કે ઘટના સમયે ઘરમાં 38 વર્ષની મહિલા એકલી જ હતી. ચોરે મહિલાને ઊંઘમાંથી જગાડી હતી. મહિલા બૂમાબૂમ ન કરે તે માટે તેનું મોં હાથથી બંધ કર્યું હતું. ચોરે મહિલા પાસે સોનાના દાગીના, રોકડ, મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ માગ્યાં હતાં. ઘરમાં કોઈ દાગીના ન હોવાનું મહિલાએ કહેતાં ચોરે વિચિત્ર હરકત કરી હતી.
મહિલાને કિસ કરી ચોર ઘરમાંથી રફુચક્કર થઈ ગયો હતો. આરોપીની આવી હરકતથી મહિલાને આંચકો લાગ્યો હતો. તેણે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી આરોપીને તાબામાં લીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મહિલા રહે છે એ જ પરિસરમાં આરોપી પણ રહે છે. પરિવાર સાથે રહેતો આરોપી હાલમાં બેરોજગાર છે. તેનો કોઈ ગુનાહિત ભૂતકાળ પણ ન હોવાનું પોલીસનું કહેવું છે.