તરોતાઝા

શિયાળામાં તાજાં-તાજાં લાલ-લાલ ગાજર પ્રતિદિન ખાવાં જોઈએ

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

આપણે સર્વે એક સુંદર કહેવતથી માહિતગાર છીએ જ. ‘પૌષ્ટિક આહાર માંદગીથી બચાવે’. ‘પાકશાસ્ત્ર’ અને ‘પાકકલા’ અરસપરસ સંકળાયેલાં છે. પાકશાસ્ત્રની ખાસિયત, યોગ્ય માત્રામાં અનાજ-મસાલા-ગળપણ-ખટાશ-લોટ-તેલ-ઘી-શાકની પસંદગી કરવી. પાકકલા એટલે તેની એકબીજા સાથે મેળવણી કે મેળાપ કરીને તૈયાર કરવામાં આવતી સ્વાદિષ્ટ વાનગીનો ખજાનો તૈયાર કરવો. આહાર વ્યક્તિની સ્વાદેન્દ્રિયને આનંદિત કરી દે. સ્વાદિષ્ટ ભોજન માનવીના શરીરના વિકાસની સાથે તેનામાં ઊર્જા વધારે. કયું અનાજ કે શાક કેવી રીતે પકાવવાથી પૂરતું પોષણ આપે તે કળા છે. ભારતનાં પ્રત્યેક રાજ્યોની ભાતીગળ પાકકલાની વિવિધતા વિશે જાણવું તેમજ તેને અપનાવવાની આવશ્યક્તા છે. આ કલા વ્યક્તિગત બદલાતી હોય છે.

ચાલો… આજે એવાં જ એક શાકની વાત કરીશું જેનો ઉપયોગ પ્રત્યેક રાજ્યમાં એક ખાસ મીઠાઈ બનાવવા માટે કરવામાં આવે છે. સમજી ગયાને…..!! આપણે વાત કરવી છે શિયાળાની સવારને ગુલાબી બનાવતાં ‘લાલ-લાલ’ – ‘તાજા -તાજા’ ‘ગાજર’ તથા ‘ગાજરના હલવા’ વિશે. શિયાળાની શરૂઆત થાય તેની સાથે બજારમાં લાલ-લાંબા ગાજર જોેવા મળે. ગાજર સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. કિલોથી વધુ ગાજર ખરીદવાની ઈચ્છા ફેરિયા પાસે પ્રકટ કરશો, તેની સાથે સીધો સવાલ આપને કરશે. શું ગાજરનો હલવો બનાવવા માટે ખરીદવા છે? જો હા કહી, તો સ્વયં તે વીણી વીણીને સારા ગાજર આપને ટોકરીમાં કાઢી આપશે. ગાજરનો હલવો મીઠાઈ જ એવી છે જેનું નામ પડતાં જ પ્રત્યેકના મોંમાં પાણી છૂટવા લાગે. ગાજરના ગુણ જોતાં પહેલાં તેમાંથી બનતી વિવિધ વાનગી વિશે જાણી લઈએ. સૂપ, સલાડ, સંભારો, રાયતું, અથાણું, મુરબ્બો, કૅક, પરાઠા, પૂરી, ગાજર પુલાવ, કટલેસ, મૂઠિયાં, હલવો, ખીરની સાથે અનેકવિધ વાનગીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ગાજરમાં પોટેશિયમ, વિટામિન એ, વિટામિન ઈ, કેરીટોનૉઈડ જેવાં પોષક તત્ત્વો સમાયેલાં છે. ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો સમાયેલાં છે. જેનો ઉપયોગ આહારમાં કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેથી જ શિયાળાની શરૂઆત થતાં ગાજરનું નિયમિત સેવન કરવું જોઈએ. પ્રતિદિન 1 ગાજર ખાવાથી ઘરના પ્રત્યેક સભ્યોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. 50 ગ્રામ ગાજરનું સેવન નિયમિત કરવાથી આંખોનું તેજ વધવા લાગે છે. ગાજરને વિવિધ ભાષામાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાં ગર્જર, ક્ન્નડમાં ગજ્જટી, તમિળમાં ગજરકીલંગૂ, બંગાળીમાં ગાજરા, તેલુગુમાં ગજ્જારગેડ્ડા, મરાઠીમાં ગાજરા, મલયાલમમાં કરફ્ફૂ, અરબીમાં બજરૂલ.

ગાજરના સ્વાસ્થ્યવર્ધક લાભ આંખોની તંદુરસ્તી માટે ગુણકારી : ગાજરમાં વિટામિન એનું પ્રમાણ ભરપૂર સમાયેલું છે. વિટામિન એ આંખોની તંદુરસ્તી માટે ખાસ પોષક તત્ત્વ ગણાય છે. વિટામિન એ આલ્ફા કેરોટીન તથા બીટા કેરોટીન નામક બે કેરોટીનૉઈડ થી મળે છે. ગાજરમાં કૅરોટીનાઈડ નામક પોષક સત્ત્વની સાથે ઍન્ટિ-ઓક્સિડન્ટ લ્યૂટિન તથા જેક્સૈંથિન સમાયેલાં છે. જે આંખની અંદર રહેલાં પ્રાકૃતિક યોગિક રેટિના તથા લૅન્સની રક્ષા કરે છે.

ડાયાબિટીસની સમસ્યામાં લાભકારી : ગાજરમાં ફાઈબરની માત્રા વધુ હોવાથી તેનો ઉપયોગ કરવાથી લોહીમાં બ્લડ શુગર તથા ઈન્સ્યુલિનનું પ્રમાણ જળવાઈ રહે છે. કાચા તેમજ અધકચરાં પકાવેલાં ગાજરનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો થાય છે. તેથી ગાજરનું સેવન કરવાથી લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી જ કહેવાય છે કે શિયાળામાં કાચા ગાજરનું સેવન અચૂક કરવું જોઈએ.

વજન નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : ગાજરની એક ખાસ વાત છે કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. વળી 88 ટકા પાણીની માત્રા હોય છે. જેથી ગાજરનું સેવન કરવાથી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. વળી કૅલરીની માત્રા વિશે વાત કરીએ તો 1 ગાજરમાં 80 કૅલરીઝ સમાયેલી હોય છે. જેથી તેનું સેવન કરનાર વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદગાર : બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ વધતી જોવા મળે છે. તેને નિયંત્રણમાં રાખવા માટે વ્યક્તિએ ખાસ સાવધાની રાખવી આવશ્યક છે. કેમ કે બ્લડ પ્રેશર વધી જવાથી શરીરના વિવિધ અંગો ઉપર તેની ખરાબ અસર પડે છે. ગાજર બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી શાક ગણાય છે. તેનું મુખ્ય કારણ ગાજરમાં નાઈટ્રેટની માત્રા સારા પ્રમાણમાં છે. જે રક્ત કોશિકોને પહોળી કરવામાં મદદ કરે છે. વળી પોટેશિયમની માત્રા ભરપૂર હોવાને કારણે ગાજરનું સેવન શિયાળામાં ખાસ કરવામાં આવે તો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં કે તેને ઘટાડવામાં મદદ મળી શકે છે.

કૅન્સર જેવી વ્યાધિને ઘટાડવામાં મદદરૂપ : ગાજરમાં ઍન્ટિ કૅન્સર ગુણો સમાયેલાં છે. તેથી ગાજરનું સેવન કરવાથી કૅન્સરના જોખમથી બચવામાં મદદ મળે છે. વાસ્તવમાં ગાજરમાં પૉલિ-એસિટિલીન તથા ફાલકૈરિનોલ જેવા ઘટક સમાયેલાં છે. જે કૅન્સરની કોશિકાને વિકસિત થતાં રોકવામાં મદદ કરે છે. હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી : ગાજરનું સેવન હૃદયની તંદુરસ્તી માટે અત્યંત લાભકારી ગણાય છે. ગાજરનું નિયમિત સેવન કરવાથી કોરોનરી હાર્ટ- ડિસીઝ થવાની સંભાવના ઘટી જાય છે.

ગાજરમાં સમાયેલાં મિનરલ્સ, પોટેશિયમ શરીરના સોડિયમ લેવલને નિયંત્રણમાં રાખવામાં તથા તેને બહાર કાઢવામાં મદદ કરે છે. લોહીમાં રહેલાં કૉલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જેને કારણે હૃદય સંબંધિત બીમારીના ખતરાથી બચી શકાય છે. ગાજરનું સેવન કરવાથી ઍન્ટિ-ઓક્સિડન્ટનો પ્રભાવ વધી શકે છે. ગાજરમાં લાઈકોપીન હોય જેને કારણે હાર્ટ સંબંધિત રોગોથી સુરક્ષા મળે છે.

હાડકાંની તંદુરસ્તી માટે ગુણકારી : ગાજરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન કે ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. જે શરીરને માટે આવશ્યક પોષક તત્ત્વો ગણાય છે. ઉપરોક્ત 3 ઘટક તત્ત્વો હાડકાંની મજબૂતાઈ માટે તેમજ તેના યોગ્ય વિકાસ- સંભાળ માટે આવશ્યક છે. તેની ઊણપ શરીરમાં વર્તાય તો હાડકાંના ઘનત્વમાં ઘટાડો જોવા મળે
છે. તેથી જ શરીરમાં યોગ્ય માત્રામાં કૅલ્શિયમની માત્રા જળવાઈ રહે તો હાડકાંની મજબૂતાઈ વધે છે. તેથી ગાજરનું સેવન લાભકારી છે.

વાળ તથા ત્વચાને ચમકદાર બનાવવા માટે લાભકારક : ગાજરમાં વિટામિન સીની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. જે એક પ્રભાવી ઍન્ટિઓક્સિડન્ટ ગણાય છે. જે ત્વચાને યૂવી કિરણોથી બચાવે છે. ત્વચાને ચમકદાર બનાવે છે. ત્વચાને મુલાયમ બનાવે છે. ગાજરમાં આયર્ન તથા વિટામિન સી પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. જે વાળની તંદુરસ્તી માટે ઉપયોગી ગણાય છે.

ગાજરનો હલવો

સામગ્રી : 2 કિલો ગાજર, 6 નંગ કાજુ, 6 નંગ બદામ, 6 નંગ પિસ્તા, 1 મોટી ચમચી એલચી-જાયફળનો ભૂકો, 1 મોટો ટુકડો જાવંત્રી, 100 ગ્રામ ખાંડ અથવા 1 વાટકી મિલ્કમૅડ, 1 લિટર દૂધ, 1 વાટકી બરફી ગોળ, 2 ચમચી ઘી, 1 ચમચી ચારોળી, 1 ચમચી કિસમિસ.

બનાવવાની રીત : સૌ પ્રથમ ગાજરને બરાબર સાફ કરી લેવા. ઉપરની છાલ કાઢી લેવી. ગાજરને છીણી લેવા. એક જાડી કડાઈમાં પ્રથમ ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે કાજુ, બદામ સાંતળી લઈને એક વાટકીમાં કાઢી લેવાં. ગરમ ઘીમાં ખમણેલાં ગાજર ભેળવીને ધીમા તાપે 2મિનિટ માટે સાંતળી લેવું. ધીમે ધીમે તેમાં ગરમ કરેલું દૂધ ભેળવવું. જાવંત્રી ભેળવીને ધીમા તાપે પકાવવું. ગાજરમાંથી દૂધ બળવા આવે ત્યારે તેમાં એલચી-જાયફળનો ભૂકો મિક્સ કરવો. દ્રાક્ષ ભેળવવી. દૂધ બધું જ બળી જાય ત્યાર બાદ ખાંડ-અથવા મિલ્કમૅડ તેમજ બરફી ગોળ ભેળવીને બરાબર મિક્સ કરી લેવું. સાંતળેલાં કાજુ-બદામને કાપીને ગાજરના હલવામાં ભેળવવા. ચારોળી -પિસ્તાની કતરણ તથા એલચી-જાયફળના ભૂકાથી સજાવવું. સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક ગરમા-ગરમ ગાજરના હલવાની લહેજત માણવી. નોંધ : ગળપણનું પ્રમાણ સ્વાદ મુજબ ફેરફાર કરી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button