BRICSમાં થઇ નવા સભ્યની એન્ટ્રી, આ એશિયાઇ દેશ બન્યો બ્રિક્સનો ભાગ…
વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓના ઔપચારિક જૂથ બ્રિક્સની રચના 2009માં થઈ હતી જેમાં બ્રાઝિલ, રશિયા, ચીન અને ભારત સામેલ હતા. સમયની સાથે બ્રિક્સ સંગઠનનું વિસ્તરણ થયું અને ઘણા દેશો તેમાં જોડાયા. હવે તેમાં અન્ય એક દેશે પ્રવેશ કર્યો છે. બ્રિક્સનો ભાગ બનનાર ઇન્ડોનેશિયા 11મો દેશ બન્યો છે. મંગળવારે, જૂથના વર્તમાન અધ્યક્ષ બ્રાઝિલે જાહેરાત કરી હતી કે ઇન્ડોનેશિયા BRICS જૂથનું સંપૂર્ણ સભ્ય બની ગયું છે. બ્રાઝિલે જણાવ્યું હતું કે BRICS બ્લોકના નેતાઓએ 2023 માં જોહાનિસબર્ગ સમિટમાં ઇન્ડોનેશિયાની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. બ્રાઝિલના વિદેશ મંત્રાલયે બ્રિક્સમાં ઇન્ડોનેશિયાના જોડાણનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે ઇન્ડોનેશિયા અને અન્ય બ્રિક્સ સભ્યો વૈશ્વિક શાસન સંસ્થાઓના સુધારાને સમર્થન આપે છે. બ્રાઝિલ સરકાર બ્રિક્સમાં ઇન્ડોનેશિયાના જોડાણનું સ્વાગત કરે છે.
ઇન્ડોનેશિયાએ તેની નવી સરકારની સ્થાપના પછી જ BRICS માં જોડાવાની તેની રુચિ અંગે જૂથને ઔપચારિક રીતે જાણ કરી હતી. નિવેદન અનુસાર, BRICS દેશોએ જોહાનિસબર્ગમાં સંમત થયેલા માર્ગદર્શક સિદ્ધાંતો, માપદંડો અને પ્રક્રિયાઓને અનુરૂપ 2024માં ઇન્ડોનેશિયાના સભ્યપદને સર્વસંમતિથી મંજૂરી આપી હતી.
Also read: ભારત-ચીન સંબંધ: બરફ પીગળી રહ્યો છે…ખરેખર ?
BRICથી BRICS અને ત્યાર બાદની સફરઃ
નોંધનીય છે કે BRIC 2006માં ઔપચારિક જૂથ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. 2006માં ન્યૂયોર્કમાં UNGA સત્ર વખતે BRIC વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠક દરમિયાન જૂથને ઔપચારિક બનાવવામાં આવ્યું હતું. પ્રથમ BRIC સમિટ 2009માં રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાઈ હતી. ન્યૂયોર્કમાં 2010ની BRIC વિદેશ મંત્રીઓની બેઠકમાં, દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કરીને BRICનું BRICS સુધી વિસ્તરણ કરવા પર સહમતિ સાધવામાં આવી હતી. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાએ 2011માં સાન્યામાં યોજાયેલી ત્રીજી બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ 2024માં BRICSમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત એમ પાંચ સભ્ય ઉમેરાયા હતા અને BRICS 10 દેશનો સમુહ બન્યો હતો. હવે એશિયાઇ મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયા તેમાં જોડાયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, G20 ની તર્જ પર રચાયેલી BRICSની લોકપ્રિયતા ઝડપથી વધી છે.