તાપણું હોય કે આપણું, પણ થોડું અંતર રાખવું સારું
મોજની ખોજ -સુભાષ ઠાકર
ગઇકાલે હું બાથરૂમમાં નહાવા માટે અંદર જઉં એ પહેલાં ટી.વી પર સમાચાર જોયા: ‘રાજકોટમાં કાતિલ ઠંડીના કારણે 3નાં મોત’ તુર્ત જ મારો ચહેરો પાંજરાપોળની ગાય જેવો થઈ ગયો ને ફટાફટ પાછાં કપડાં પહેરી લીધાં, નહાવાનું માંડી વાળ્યું. અલ્યા ભૈ, જીવતા હોઈશું તો ઉનાળામાં પણ નવાશે નેયુ નો. એકવાર આ સ્વાર્થી જગત તમારી આંખમાંથી નીકળતાં આંસુ કોઈ લૂછી જશે, પણ શરદીમાં નીતરતા નાક લૂછવા કોઈ માઈનો લાલ કે લાલી નઇ આવે.
બાળપણમાં પણ જયંતીલાલ માસ્તરે એક સ્નાનસૂત્ર આપેલું એ યાદ આવ્યું: ‘નિત્ય નહાય એ નરકે જાય, માસે નહાય તો મહાપદ પાય, વર્ષે નહાય તો વૈકુંઠ જાય ને કદી ન નહાય એને ઘેર જમ પણ ન જાય’આ મને આજે પણ યાદ છે. એ વખતે હું ધોરણ સાતમાં ભણતો ને સ્કૂલમાં માસ્તરે સવાલ પૂછેલો: ‘બતાવો બાળકો, શિયાળનું બહુવચન શું થાય?’
‘શિયાળો.’ એક સાથે બધા વિદ્યાર્થીઓનો સામૂહિક જવાબ ‘શાબાશ..ચંબુ, હવે એ બતાવ કે શિયાળો શરૂ થયો એની ખબર કેમ પડે?’ ‘આમ તો ન જ પડે સર, પણ ભગવાન જાણે અમારી સાથે શું દુશ્મની હશે કે કાલે કોઈ ટોપો સોસાયટીની ટોયલેટની ટાંકીમાં બરફ નાખી ગયો ત્યારે ખબર પડી કે ઑફિસિયલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે.’
‘વાહ, ઠાકર.. હવે તું મને એ બતાવ કે સૌથી વધુ બરફ ક્યાં પડે છે?’ ‘સર, દારૂના ગ્લાસમાં’ ‘દારૂના ગ્લાસમાં? એ કઈ રીતે?’ ‘મારા પિતા પીતા ત્યારે દારૂમાં બરફ નાખતા જોયેલા’ ‘ચંપક, તું એ બતાવ કે પિતા કોને કહેવાય?’ ‘સર, પિતા એટલે પોતે પીતા હોય એ ચાલે પણ તમને પીતા જોઈ જાય તો છોતરાં કાઢી નાખે એનું નામ પિતા’ ચંપક ઉવાચ ‘યુ નો કે આવા એક પિતા મહાત્મા ગાંધી હતા, એમનો જન્મ કઈ સાલમાં થયેલો?’
‘સર, એ સાલમાં નઇ ગોદડીમાં જન્મેલા ને એ વખતે એવી કાતિલ ઠંડી કે….’ ‘એક મિનિટ, હવે ચમન… તું મને એ બતાવ કે ઠંડી લાગે તો તમે શું કરો?’ ‘કરવાનું શું? હિટર પાસે બેસીએ.’ ‘એ બતાવ કે બેઠા પછી પણ ઠંડી ન રોકાય તો..’ ‘તો હીટર ચાલુ કરીએ.’ આ સાંભળી માસ્તરની ખોપરી જ હીટર બની ગઈ પછી તરડાયેલા મોઢે પૂછ્યું:
‘ચંબુ, ચંપક, ને ઠાકર તમે મને વારાફરતી એ બતાવો કે સૌથી વધુ ઠંડી કયા એરિયામાં પડે છે? ‘સર, અમારા એરિયામાં’ ચંબુ બોલ્યો : ‘એટલી ખતરનાક ઠંડી પડેલી કે ટાઈપરાઇટરમાં ઠઅઝઅછ ટાઈપ કરો તો અંદર ઈંઈઊ છપાય’ ‘અરે, સર.. આ તો કંઇ નથી. અમારા એરિયામાં એટલી ભયંકર ઠંડી કે ભેંશને દોહીએ તો સીધી ગુલફી જ બહાર..’‘અબે એય ગુલફીની સગલી, સર… અમારી બાજુ એટલી ખતરનાક ઠંડી કે પેલા રસિક સટોડિયાએ આપઘાત કરવા સોસાયટીના ધાબા પરથી ભમ કરતી છલાંગ મારી પણ એ વચ્ચે જ થીજી ગયો. બોલો, નીચે પડ્યો જ નહીં.’
‘એય ફેંકું, ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે ઉપરથી કંઈ પણ પડે નીચે જ પડે પછી એ માણસ હોય કે વસ્તુ’
‘પણ સર, તમે માનશો નઇ એ દિવસે નિયમ પણ ઠરી ગયેલો’‘અબે, ચૂપ.. મારા માન્યમાં નથી આવતું કે આવું .’‘એ જ તો કીધું કે તમે માનશો નઇ.’માસ્તર ખુદ ઠંડીની વાતોથી ગરમ થઈ ગયા: ‘હવે વધુ ફેંકશો તો હું ખુદ કાયમ માટે ઠરી જઈશ. હવે એ બતાવો કે..’
‘સૉરી ટુ સે…સર, હવે કશું નઇ બતાવીએ બધું અમે જ બતાવશું તો તમે શું કેરમ રમશો?’ મારી ખચકી. ‘પ્લીઝ’ માસ્તરનો ચહેરો તાજી વિયાએલી ગાય જેવો થઈ ગયો: ‘આપ શિષ્યો, આપના ચરણ આપો મારે બધાને દંડવત કરવા છે’ એટલું બોલી આંખોમાં ઝળઝળિયાં સાથે માસ્તર બહાર નીકળી ગયા.આજે જિંદગીની સાંજ પડી ગઈ, આ વાતને વર્ષો વિત્યાં, પણ ઠંડીના અનુભવો યાદ છે ને આજની દશા જુઓ આજે અડધી રાતે રૂમમાં કટકટ અવાજ સાંભળી મારી ચંપા બોલી:
‘સુભુ, જુઓ તો આપણા રૂમમાં ઉંદરડાં કપડાં કાતરતાં નથી ને?’ ‘અરે, મારી રાતરાણી તે મારા પરથી ધાબળો ખેંચી કાઢ્યો છે તેથી ઠંડીની ધ્રુજારીથી કડકડ થતાં મારા દાંતનો અવાજ છે. ઓઢવાનું ખેંચવાવાળી બીજા દુખમાં શું સાથ આપવાની?’હું રડમસ અવાજે બોલ્યો. છેવટે હું મચ્છરદાની ઓઢીને સૂતો ત્યાં ઝૂમઝૂમઝૂમઝૂમ કરતો મચ્છર મારા કાનમાં બોલ્યો: ‘પ્લીઝ, મને અંદર આવવા દો.. હું કરડીશ નઇ – વિશ્વાસ રાખો એક બાજુ બેસી રહીશ. બાર બહુ ઠંડી છે.’
‘જો મચ્છર બકા’ હું અંદરથી બોલ્યો:
‘ખાસ હોય, શ્વાસ હોય કે વિશ્વાસ હોય, કોઈનો ભરોસો ન કરાય. યુનો, એકવાર મારા બાપુએ મને કબાટ ઉપર ચડાવીને કીધું: ‘માર છલાંગ, હું તેડી લઈશ, હું છું ને’ પણ જેવી છલાંગ મારી કે બાપુ તો ખસી ગયા ને હું ધડામ કરતો નીચે, મારા ઘૂંટણ છોલાઈ ગયા. મેં ભેકડો તાણતાં પૂછ્યું: ‘મારા સગા બાપુ થઈને આવો દગો? ખસી જવાનું?’ એ બોલ્યા, ‘બેટા, મારે તને એ શિખવાડવું છે કે આજે સગા બાપ પર પણ જલદી વિશ્વાસ ન મૂકતો. જીવનમાં આપણા જ આપણી પથારી ફેરવતા હોય… યાદ રાખ, તસવીરમાં સાથે હોય એ તકલીફમાં ન પણ હોય. જગતનો નિયમ છે તાપણું હોય કે આપણું, થોડું અંતર રાખવું સારું. નજીક જઈએ તો દાઝી જવાય ને દૂર જઈએ તો ઠંડી લાગે’ તો મેરે મચ્છર ભૈયા, સાંભળ એકવાર કદાચ ઠંડીમાં ધાબળા વગર સૂતેલા માણસને ધાબળા ઓઢાડવા તો સૌ તૈયાર થાય પણ ભૂખ્યા અને હૂંફ વગર સૂતેલા માણસનું કોણ? તારે ઠંડીથી બચવું હોય તો અમે જેમ મચ્છરદાની વસાવીએ છીએ એમ તમે માણસદાની વસાવી લો. બાકી સૉરી, હું અંદર નઇ લઈ શકું’ આ સાંભળી નિસાસા નાખતો મચ્છર ઝૂમઝૂમઝૂમ ગણગણતો ઊડી ગયો
શું કહો છો?