આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાત બન્યું “ટાઢુંબોળ”

અમદાવાદઃ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને પરિણામે ગુજરાતમાં ફરી ઠંડીના રાઉન્ડની શરૂઆત થઈ છે. હાલ રાજ્યના ઘણા ભાગોમાં લઘુતમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી જેટલું ગગડ્યું છે. જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સોમવારે 6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું ઠંડુગાર શહેર બન્યું છે. જ્યારે અમદાવાદનું તાપમાન ઘટી 13 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય પર આવતા પવનની દિશાઓમાં પરિવર્તન આવ્યું છે અને બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ ઉત્તરથી ઉત્તર-પૂર્વની દિશાના પવનો રાજ્યમાં ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે ગત રાત્રિથી જ ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં ખૂબ જ વધુ માત્રામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં આ વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીનો અનુભવ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Also read: Gujarat માં ઠંડીનો ચમકારો વધ્યો, કોલ્ડ વેવથી લોકો ઠુંઠવાયા

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં નલિયા ઉપરાંત રાજકોટમાં 8 ડિગ્રી, કંડલા એરપોર્ટ 9 ડિગ્રી, પોરબંદરમાં 11 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતુ. બીજી બાજુ હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, હમણાં એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં માવઠું થવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button