તમારા ઘરે પણ તો નથી આવતું ને ચીની લસણ?
નવી મુંબઈઃ ભારતીય કૃષિ ઉત્પાદનોના વેચાણ પર અસર ન જોવા મળે એ માટે ચીનના કૃષિ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં છેલ્લાં કેટલાક દિવસથી એપીએમસી માર્કેટમાં ચીનથી મોટા પ્રમાણમાં લસણ આવી રહ્યું છે.
મહત્ત્વની વાત એ છે કે છુપાઈને આવી રહેલાં આ લસણનો આકાર મોટો હોવાને કારણે છોલવામાં સરળતા રહે છે એટલે તેની ડિમાન્ડ વધુ છે. ડિમાન્ડ વધુ હોવાને કારણે બજારમાં તે મોંઘાભાવે વેચાઈ રહ્યો છે. પરિણામે બજાર સમિતિ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરશે કે કેમ એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે.
ભારતીય બજારમાં અનેક દેશોમાંથી કૃષિમાલ આવી રહ્યો છે અને એમાં સૂકા મેવાનું પ્રમાણ સૌથી વધુ છે. ત્યાર બાદ શાકભાજી-ફળનો નંબર આવે છે. પરંતુ ભારતીય કૃષિમાલના વેચાણ પર અસર ન જોવા મળે, તેમ જ ભારત અને ચીન વચ્ચેના તણાવને ધ્યાનમાં લઈને છેલ્લાં ચાર-પાંચ વર્ષથી એપીએમસીએ ચીની ખેતપેદાશોની આયાત બંધ કરી દીધી હતી.
પરંતુ હવે છુપી રીતે ચીની બનાવટની વસ્તુઓ બજારમાં આવી રહી છે, જેમાં ચીની કાંદા, બટેટા અને લસણનો સમાવેશ થાય છે. દરરોજ આશરે લસણના બે કન્ટેનર બજારમાં આવે છે. આ લસણ સફેદ અને જાંબળી રંગનો છે, પરિણામે વેપારીઓ આ લસણ ગાવઠી હોવાનું કહીને વેચી રહ્યા છે.
ગાવઠી લસણ આકારમાં નાનો હોઈ તેની કળીઓ પણ ઝીણી હોય છે અને તેની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. જ્યારે આ ચીની લસણની કળીઓ મોટી હોય છે અને તેને ગંધ હોતી જ નથી. આ ઉપરાંત આ લસણને લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખી શકાતો નથી. હોટેલવ્યવસાયિકો અને ચાઈનીઝ સ્ટોલ ધરાવતા લોકો દ્વારા ખૂબ જ માગણી કરવામાં આવી રહી છે.
આ લસણ તુર્કી અને અફઘાનિસ્તાન થઈને આ લસણ છેક ભારત કે નેપાળ માર્ગે ભારતની બજારમાં આવી રહ્યો છે. કેટલાક ચોક્કસ વેપારીઓ જ આ પ્રકારે લસણ મંગાવીને વેચી લરહ્યા છે. હોલસેલ માર્કેટમાં ભારતીય લસણ 100થી 150 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે, જ્યારે ચીની લસણ 150થી 200 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. રિટેઈલ માર્કેટમાં આ લસણ 70 રૂપિયા પાવ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે જ્યારે ભારતીય લસણ 50 રૂપિયા પાવ કિલોના ભાવે મળી રહ્યું છે.