એકસ્ટ્રા અફેર

HNPV Virusનો ખતરો: સરકારને સોશિયલ મીડિયામાંથી કોનો ભરોસો કરવો?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દુનિયાભરનાં લોકોના મગજમાંથી કોરોના વાઇરસનો ડર માંડ માંડ ગયો છે ત્યાં હવે ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવીનો હાહાકાર હોવાના સમાચારથી લોકો ફફડી રહ્યાં છે. દુનિયામાં અત્યારે સોશિયલ મીડિયાનો પ્રભાવ છે અને સોશિયલ મીડિયા પર એવી વાતો જોરશોરથી ચાલી રહી છે કે, હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવીના રૂપમાં કોરોના જેવા જ ભયંકર રોચગાળો દુનિયાના દરવાજે ટકોરા મારી રહ્યો છે તેથી સાવચેત થઈ જજો. બાકી કોરોનાના રોગચાળા વખતે થયેલું એમ લાશોના ઢગ ખડકાઈ જશે ને સારવાર માટે હૉસ્પિટલો પણ ખૂટી પડશે. બીજી તરફ સરકારી તંત્ર જુદું જ વાજું વગાડી રહ્યું છે. ચીન અને ભારત બંનેની સરકારોએ લોકોને સધિયારો આપ્યો છે કે, ચિંતા કરવાની જરૂર નથી ને જેવો હાઉ ઉભો કરાઈ રહ્યો છે એવો કોઈ ભયંકર વાઇરસ કાળો કેર વર્તાવી રહ્યો નથી. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, હ્યુમન મેટાપ્યુમો વાઇરસના ચેપના દરમાં કોઈ વધારો જોવા મળ્યો નથી અને સરકાર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહી છે.

ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ ડીજીએચએસના અધિકારી ડો. અતુલ ગોયલે લોકોને ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એમના કારણે કોઇ રોગચાળો નથી વકર્યો એવો સધિયારો આપીને લોકોને નહીં ગભરાવાની અપીલ કરી છે. તેમના કહેવા પ્રમાણે તો મેટાપ્યુમો વાઇરસ બીજા વાઇરસની જેમ જ સામાન્ય વાઇરસ જ છે, યમદૂત નથી. હ્યુમન મેટાપ્યુમો વાઇરસના કારણે પણ લોકોને સામાન્ય શરદી થાય છે. બહુ બહુ તો વૃદ્ધ અને ખૂબ જ યુવાન લોકોમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી શકે પણ તેના કારણે કોઈ મરતું નથી તેથી ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એનસીડીસી નજર રાખીને બેઠું છે તેથી સ્થિતિ ગંભીર થશે એટલે તરત ચેતવણી આપી જ દેશે.

ચીનમાં ફેલાઈ રહેલા હ્યુમન મેટાપ્યુમો વાઇરસ અંગે ચીનની સરકારે પણ સત્તાવાર નિવેદન બહાર પાડીને લોકોને ખોટો ડર કાઢી નાંખવા કહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગના કહેવા પ્રમાણે, શિયાળામાં ચીનમાં શ્વસનને લગતા રોગો વકરે જ છે તેથી તેનાથી ડરવાની જરૂર નથી. હ્યુમન મેટાપ્યુમો વાઇરસના ડરના કારણે પ્રવાસીઓ ચીન આવતા બંધ થઈ ગયા છે તેથી તેમણે આશ્વાસન આપતાં તેમણે કહ્યું, છે કે, ચીનની સરકાર ચીનમાં આવનારા ચીની નાગરિકો અને વિદેશીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તેથી કોઈ પણ ચિંતા વિના તમતમારે ચીનમાં આવો ને આરામથી ફરો. ભારત અને ચીનની સરકારથી અલગ જ માહોલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા લોકો સામે એવું ચિત્ર ઊભું કરે છે કે જાણે આભ તૂટી પડ્યું છે અને હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવીના મામલે પણ એવું જ થઈ રહ્યું છે. અત્યારે સોશિયલ મીડિયા પર એવો માહોલ પેદા કરી દેવાયો છે કે, હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવી કોરોના કરતાં પણ ખતરનાક છે અને ચીનમાં કાળો કેર વર્તાવી રહ્યો છે. બાળકોની હૉસ્પિટલોમાં ન્યુમોનિયા અને વ્હાઇટ લંગ્સના કેસ વધી રહ્યા છે અને બાળકો ટપોટપ મરી રહ્યાં છે.

ચીનમાં સ્વતંત્ર મીડિયા જેવું કશું છે નહીં ને સરકાર જે માહિતી આપે એ જ બહાર આવે છે છતાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની સ્થિતિ પાંચ વર્ષ પહેલા કોરોના વાઇરસના સંક્રમણ જેવી જ છે. મતલબ કે, લોકો ટપોચપ મરી રહ્યાં છે પણ ચીનની સરકાર આ વાત છુપાવી રહી છે. સોશિયલ મીડિયાના કહેવા પ્રમાણે, હ્યુમન મેટાપ્યુમો વાઇરસના કારણે ચીનમાં લોકોમાં ભયનું વાતાવરણ છે, હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ને સ્મશાનોમાં પણ જગા મળતી નથી. સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ઓનલાઇન વીડિયોમાં વધુ પડતી ભીડવાળી હૉસ્પિટલોનાં દૃશ્યો જોવા મળે છે અને સ્મશોનાના સીન પણ બતાવાઈ રહ્યા છે. તેના કારણે ભારતમાં પણ લોકોમાં ફફડાટ છે. ભારતમાં પણ લોકોમાં ડર ફેલાવીને સોશિયલ મીડિયા પર પોતાની દુકાન ચલાવતા નમૂના મચી પડ્યા છે અને હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવીનો ખતરો ભારત પર ઝળુંબી રહ્યો હોવાના દાવા કરી રહ્યા છે.

આ ડરનો માહોલ પેદા કરવામાં સોશિયલ મીડિયા પર જ રચીપચી રહેતી નવરી બજાર પણ યોગદાન આપી રહી છે. જેમને મેડિકલ સાયન્સમાં સાંધાની સૂઝ પડતી નથી એવા કેટલાક યુઝર્સ વળી એવી વાતો ફેલાવી રહ્યા છે કે, ચીનમાં તો એચએમપીવી, ઈન્ફલ્યુએન્ઝા એ, માઇકોપ્લાજ્મા ન્યુમોનિયા અને કોવિડ -19 સહિતના ઘણા વાયરસ એક સાથે ફેલાઈ રહ્યા છે તેમાં લોકોનો ખો નિકળી ગયો છે. આરોગ્ય સેવાઓ પર ભારે દબાણ છે કેમ કે લોકોની સારવાર કરવા માટે પૂરતી સગવડો જ નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીનની સરકારે આ વાઇરસના કાળા કેરના કારણે દેશભરમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. ચીનની સરકાર કે ડબ્લ્યુએચઓ દ્વારા મેડિકલ ઈમરજન્સી લદાઈ હોવાની જાહેરાત કરાઈ નથી અને ચીને તો આંતરરાષ્ટ્રીય મીડિયાના આવતા આ અહેવાલને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધો છે, છતાં સોશિયલ મીડિયા પર જોરશોરથી આ વાતો ચાલી રહી છે. સોશિયલ મીડિયા વા વાયો ને નળિયું ખસ્યું જેવું કામ કરે છે ને લોકો પણ આ વાતો પર ભરોસો કરી લે છે તેથી આ વાત જોરશોરથી ચાલી રહી છે.

આ બધી વાતોના કારણે લોકો મૂંઝવણમાં છે કેમ કે સરકારી તંત્ર ને સોશિયલ મીડિયા બંનેની વિશ્વસનિયતા સાવ ઝીરો છે. સોશિયલ મીડિયા ને સરકાર બંને જૂઠાણાં ફેલાવવામાં માહિર છે તેથી કોને સાચા માનવા એ લોકો માટે સવાલ છે. લોકોની મૂંઝવણ સમજી શકાય એવી છે ને તેમાંથી નિકળવાનો એક માત્ર ઉપાય સતર્કતા છે. હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવી કંઇક અંશે કોરોના વાઇરસ જેવો જ છે. સામાન્ય રીતે આ વાઇરસના ચેરના કારણે શરદી જેવા લક્ષણો જોવા મળે છે અને મોટે ભાગે નાના બાળકો અને વૃદ્ધોને અસર કરે છે. આ સંજોગોમાં શરદીનાં લક્ષણો થાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે. એચએમપીવીના કેસ માત્ર ચીનમાં જ નોંધાયા છે, ભારત કે અન્ય દેશોમાં કોઇ કેસ મળ્યા નથી અને ચીનમાં આ વાઇરસની ગંભીરતા હજુ પણ અસ્પષ્ટ છે છતાં ભારતમાં લોકો પહેલેથી સાવચેતી રાખે તો કશું થશે નહીં. ખોટું પેનિક કર્યા વિના શાંતિ રાખીને મેડિકલ સારવાર લઈ લેવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button