તરોતાઝા

નિવૃત્તિ પછીનું પેન્શન: એનપીએસ

ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતા

નિવૃત્તિ પછી પેન્શન આવતું રહે એ માટેની યોજનાને ‘નેશનલ પેન્શન સિસ્ટમ (ગઙજ)’ કહે છે. આપણે ત્યાં એ અમલમાં મુકાઈ છે. ‘પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી’ના વિશેષ વિભાગ તરીકે ‘નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ અનુસાર એનપીએસ કારકિર્દીનાં વર્ષો દરમિયાન રળેલી આવકમાંથી પદ્ધતિસર અમુક રકમનું રોકાણ કરીને ભવિષ્યમાં વળતર મેળવવા માટેની નિવૃત્તિ અર્થેની બચત યોજના છે. નિવૃત્ત થયા બાદ સબસ્ક્રાઇબર-ગ્રાહક જમા થયેલા ભંડોળમાંથી અમુક હિસ્સો ઉપાડીને બાકીની રકમમાંથી એન્યુઇટી (વાર્ષિકી કે વર્ષાસન) ખરીદી શકે છે, જેથી પછીના જીવનમાં નિયમિત આવક તરીકે એનો ઉપયોગ થઈ શકે. સબસ્ક્રાઇબર્સે એનપીએસમાં રોકેલી રકમ પેન્શન ફંડમાં જમા થાય છે અને એનું રોકાણ ‘પીએફઆરડીએ’ના નિયમન હેઠળ આવતા પ્રોફેશનલ ફંડ મૅનેજર્સ કરે છે. રોકાણ માટેની માન્યતાપ્રાપ્ત માર્ગદર્શિકા અનુસાર શેર, સરકારી સિક્યોરિટીઝ, કૉર્પોરેટ ડિબેન્ચર્સ ધરાવતા ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં એનું રોકાણ કરવામાં આવે છે. સમય જતાં આ રોકાણનું મૂલ્ય દરેક એસેટ ક્લાસમાં મળેલા વળતરના આધારે વધે છે.

એનપીએસ હેઠળ બે પ્રકારનાં એકાઉન્ટ હોય છે:

1) ટિઅર વન એકાઉન્ટ:
સબસ્ક્રાઇબરે રોકેલી રકમ જમા કરવા માટેનું આ પરમાનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ હોય છે. ફંડ માટે નિશ્ચિત થયેલા પ્રમાણમાં અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવામાં આવે છે. સબસ્ક્રાઇબરે નક્કી કરેલા ફંડ મૅનેજર પાસે આ એકાઉન્ટ ખોલાવવાનું હોય છે.

2) ટિઅર ટુ એકાઉન્ટ:
સબસ્ક્રાઇબર ટિઅર વન પ્રકારનું એકાઉન્ટ ધરાવતા હોય ત્યારે જ એમને ટિઅર ટુ એકાઉન્ટ ખોલાવવાની પરવાનગી આપવામાં આવે છે. આ સ્વૈચ્છિક એકાઉન્ટ હોય છે, જેમાંથી નાણાંનો ઉપાડ કરી શકાય છે.

નપીએસના પોર્ટફોલિયોમાં એસેટ એલોકેશન બાબતે મળતા વિકલ્પ:
એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડની તુલનાએ એનપીએસમાં એસેટ ક્લાસની વિવિધતા મળે છે. ધારક અહીં જણાવ્યા પ્રમાણેના ચાર એસેટ ક્લાસમાં પોતાના રોકાણનું વિભાજન કરી શકે છે:

ઈક્વિટી (ઈ) – ભારતની લિસ્ટેડ કંપનીઓના શૅર કૉર્પોરેટ ડેટ (સી) ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, જાહેર ક્ષેત્રની કંપનીઓ તથા જાહેર નાણાકીય સંસ્થાઓ સહિતની કંપનીઓએ ઇસ્યૂ કરેલાં મની માર્કેટ સાધનો તથા બોન્ડ. સરકારી સિક્યોરિટીઝ (જી) રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે ઇસ્યૂ કરેલાં મની માર્કેટ સાધનો તથા બોન્ડ ઑલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એ) રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (રિટ્સ), ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (ઇનવિટ્સ), કમર્શિયલ મોર્ગેજ બેક્ડ સિક્યોરિટીઝ (સીએમબીએસ), મોર્ગેજ બેક્ડ સિક્યોરિટીઝ (એમબીએસ) તથા અન્યો.

એનપીએસ વિશે આ પણ જાણી લો…

1) એનપીએસ એકાઉન્ટ કોણ ખોલાવી શકે?
ભારતીય નાગરિકત્વ ધરાવતી 18થી 60 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકે છે.

2) શું કોઈ બિનરહીશ ભારતીય (એનઆરઆઇ) એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકે?
હા, એનઆરઆઇ પણ એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકે છે. જો એમના નાગરિકત્વમાં કોઈ પણ ફેરફાર થાય તો એકાઉન્ટ બંધ કરવામાં આવે છે.

3) એનપીએસ એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય?
પોઇન્ટ ઑફ પ્રેઝન્સ (પીઓપી) તરીકે ઓળખાવવામાં આવતી એન્ટિટી પાસે એનપીએસ એકાઉન્ટ ખોલાવવાનું હોય છે.
મોટાભાગની સરકારી અને ખાનગી બેન્કો પીઓપી હોય છે. બીજી અનેક નાણાકીય સંસ્થાઓ પણ પીઓપી તરીકે કાર્યરત હોય છે. દરેક પીઓપીની અધિકૃત શાખાઓને પીઓપી સર્વિસ પ્રોવાઇડર કહેવાય છે, જે કલેક્શન સેન્ટર તરીકે કામ કરે છે. એનપીએસ એકાઉન્ટ ઓનલાઇન પણ ખોલાવી શકાય છે.

4) એનપીએસ એકાઉન્ટ ખોલાવવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
અરજદારે સબસ્ક્રાઇબર રજિસ્ટ્રેશન ફોર્મની સાથે ઓળખનો, સરનામાનો અને જન્મતારીખનો પુરાવો બિડાણમાં રાખવો જરૂરી છે. આ બધા દસ્તાવેજો પોઇન્ટ ઑફ પ્રેઝન્સમાં સુપરત કરવાના હોય છે.

5) પરમાનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (પ્રાન) એટલે શું?
એનપીએસના દરેક સબસ્ક્રાઇબરને 12 અંકનો યુનિક નંબર ધરાવતું કાર્ડ આપવામાં આવે છે. આ યુનિક નંબરને પ્રાન કહેવાય છે.

6) શું કોઈ સબસ્ક્રાઇબર એક કરતાં વધારે એનપીએસ એકાઉન્ટ રાખી શકે?
ના, એક કરતાં વધારે એનપીએસ એકાઉન્ટ રાખી શકાય નહીં. સબસ્ક્રાઇબર નોકરી બદલે તોપણ એ જ એકાઉન્ટ બધે ચાલુ રાખી શકાય. ભારતમાં કોઈ પણ સ્થળે એ એકાઉન્ટ ચાલે છે.

7) જો લઘુતમ રકમ જમા કરવામાં આવે નહીં તો શું થાય?
જો સબસ્ક્રાઇબર લઘુતમ રકમ જમા કરાવે નહીં તો એમનું એકાઉન્ટ નિષ્ક્રિય કરી દેવાય છે. પછી, પીઓપી પાસે જઈને અમુક દંડની આવશ્યક રકમ જમા કરાવવામાં આવે તો એકાઉન્ટ ફરી સક્રિય કરી દેવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button