બીજિંગઃ ચીને આજે ભારતીય સરહદ નજીક તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવાની તેની યોજનાનો પુનરોચ્ચાર કરતાં કહ્યું હતું કે આયોજિત પ્રોજેક્ટની આકરી વૈજ્ઞાનિક ચકાસણી કરવામાં આવી છે. જેની ભારત અને બાંગ્લાદેશ જેવા ડાઉનસ્ટ્રીમ દેશો પર કોઇ નકારાત્મક અસર થશે નહીં.
આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ લગભગ ૧૩૭ અબજ અમેરિકન ડોલર છે, જે ટેક્ટોનિક પ્લેટની સીમાની સાથે ઇકોલોજિકલ રીતે નાજુક હિમાલયના પ્રદેશમાં સ્થિત છે, જ્યાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. ચીનના વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા ગુઓ જિયાકુને અહીં એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે યારલુંગ ત્સાંગપો નદી(બ્રહ્મપુત્રા નદીનું તિબેટીયન નામ)ના નીચલા ભાગમાં ચીન દ્વારા કરવામાં આવનાર હાઇડ્રોપાવર પ્રોજેક્ટના બાંધકામની વૈજ્ઞાનિક ચકાસણી કરવામાં આવી છે. જેનાથી ડાઉનસ્ટ્રીમ દેશોના ઇકોલોજિકલ પર્યાવરણ, ભૂસ્તરશાસ્ત્ર અને જળ સંસાધનો પર કોઇ નકારાત્મક અસર થશે નહીં.
ડેમનું નિર્માણ કરવાથી આપત્તિ નિવારણ થશે
આ પણ વાંચો: બ્રહ્મપુત્રા નદી પર ચીન બનાવી રહ્યું દુનિયાનો મોટો ડેમઃ 137 અબજ ડોલરનો થશે ખર્ચ
તેમણે કહ્યું કે તેનાથી વિપરીત તે આપત્તિ નિવારણ અને શમન તથા આબોહવા પરિવર્તનની પ્રતિક્રિયા માટે અમુક અંશે અનુકૂળ રહેશે. જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતે ડેમ પર તેની ચિંતા વ્યક્ત કરી છે અને ભારતની મુલાકાતે આવેલા યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવાન અને ભારતીય અધિકારીઓ વચ્ચેની વાતચીતમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે તેમણે કહ્યું કે આ ડેમ આપત્તિ નિવારણ અને શમન તથા આબોહવા પરિવર્તનની પ્રતિક્રિયા માટે અમુક હદ સુધી અનુકૂળ રહેશે.
યારલુંગ જાંગબો નામનો ડેમ બાંધવાની યોજના
સુલિવાન જે હાલમાં દિલ્હીની મુલાકાતે છે. આજે વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે વાત કરી હતી અને બાઇડન વહીવટ હેઠળ છેલ્લા ચાર વર્ષમાં ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની વ્યાપક સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે ગયા મહિને ચીને તિબેટમાં ભારતીય સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર યારલુંગ જાંગબો નામનો ડેમ બાંધવાની યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના અનુસાર વિશાળ ડેમ હિમાલયની નજીક એક વિશાળ ખીણ પર બાંધવામાં આવશે, જ્યાં બ્રહ્મપુત્રા અરુણાચલ પ્રદેશ અને પછી બાંગ્લાદેશમાં વહેવા માટે એક વિશાળ યુ-ટર્ન લે છે.