બીડમાં સરપંચની હત્યા: ધનંજય મુંડે વિરુદ્ધ ‘બદનક્ષીભરી’ ટિપ્પણી કરવા બદલ જરાંગે સામે ગુનો
બીડ: બીડ જિલ્લામાં સરપંચની હત્યા અંગે રાજ્યના પ્રધાન ધનંજય મુંડે વિરુદ્ધ કથિત બદનક્ષીભરી ટિપ્પણી કરવા પ્રકરણે મરાઠા અનામત આંદોલન કાર્યકર્તા મનોજ જરાંગે સામે ગુનો દાખલ કરાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
તુકારામ આઘવે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પરલી પોલીસે રવિવારે ટિપ્પણી કરવા અને સમાજમાં ભાગલા પાડવાના આરોપસર જરાંગે વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો.
પરભણીમાં શનિવારે રેલી દરમિયાન જરાંગેએ બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાને લઇ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રધાન મુંડેને ટાર્ગેટ કર્યા હતા.
આપણ વાંચો: બીડમાં સરપંચની હત્યાનો કેસ: સર્વપક્ષી મોરચામાં બધા આરોપીની ધરપકડ કરવાની માગણી
જરાંગેએ કહ્યું હતું કે જો દેશમુખના પરિવારને હાનિ થશે તો મરાઠા સમુદાય મુંડેને રસ્તા પર ફરવા દેશે નહીં.
જરાંગેની ટિપ્પણીથી મુંડેના સમર્થકો નારાજ થયા હતા અને તેમણે જરાંગે વિરુદ્ધ ગુનો નોંધવાની માગણી કરી હતી.
સમર્થકોએ જરાંગે વિરુદ્ધ બીડના શિવાજીનગર પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નોંધનીય છે કે 9 ડિસેમ્બર, 2024ના રોજ દેશમુખનું અપહરણ કરવામાં આવ્યા બાદ ત્રાસ આપી તેમની હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેમણે પવનચક્કી પ્રોજેક્ટનું સંચાલન કરતી ઊર્જા કંપની પાસેથી નાણાં પડાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
આપણ વાંચો: બીડમાં સરપંચની હત્યા કેસમાં નવો ખુલાસોઃ એક મોટા નેતાને ૧૬ કોલ આવ્યાનો દાવો
પોલીસે આ કેસમાં સાત આરોપીની ધરપકડ કરી છે. મુંડેના સહયોગી વાલ્મીક કરાડની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) આ કેસોની તપાસ કરી રહી છે. (પીટીઆઇ)