સૌથી મોટી કચાશ: ભારતે એકેય લેફટ-આર્મ ફાસ્ટ બોલરને ન રમાડ્યો, બે બૅટરને બેસાડી રાખ્યા અને પરિણામ શર્મનાક પરાજય
સિડની: ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ બોર્ડર-ગાવસકર ટ્રોફી 1-3થી હારી ગઈ એ માટે ઘણા કારણો છે, પરંતુ જેના પર ઓછી ચર્ચા થઈ છે એવા બે કારણ આ મુજબના છે: એકેય લેફટ-આર્મ ફાસ્ટ બોલર ટીમમાં નહોતો સમાવાયો. બીજું, ટોપ-ઓર્ડર એક પછી એક દાવમાં ફ્લૉપ જઈ રહ્યો હતો એમ છતાં બે સારા બૅટર સ્કવોડમાં હોવા છતાં તેમને ઇલેવનમાં નહોતા લેવામાં આવ્યા.
ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયામાં સતત ત્રીજી વાર ટેસ્ટ સિરીઝ જીતવામાં (વિજયની હૅટ-ટ્રિક નોંધાવવામાં) નિષ્ફળ રહી હતી. મેલબર્નના ઐતિહાસિક મેદાન પર પણ ભારત સતત ત્રીજી ટેસ્ટ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું.
આપણ વાંચો: ટ્રોફી મારા નામની, હું મેદાન પર જ હતો અને મને જ સમારોહમાં આમંત્રણ નહીં?: સુનીલ ગાવસકર
ઍડિલેઈડ ખાતેની બીજી ટેસ્ટ પિંક-બૉલ ડે/નાઇટ ટેસ્ટ હતી જે અગાઉ ભારતીય ટીમે (46-46 ઓવરવાળી એકમાત્ર પ્રેક્ટિસ મેચને બાદ કરતા) વધુ કંઈ મૅચ પ્રેક્ટિસ જ નહોતી કરી. રોહિત શર્મા સિરીઝમાં મોડો આવ્યો હતો.
રોહિતે પહેલા તો કેએલ રાહુલને ઓપનિંગમાં જ રમવા દીધો હતો, પરંતુ છઠ્ઠા ક્રમે પોતે રન નહોતો બનાવી શક્યો એટલે મેલબર્નની ચોથી ટેસ્ટમાં પોતે પાછો અસલ ઓપનિંગના સ્થાન પર રમવા આવી ગયો હતો અને રાહુલને વનડાઉનમાં મોકલવામાં આવ્યો હતો. રોહિત સિડનીની છેલ્લી ટેસ્ટમાં ન રમ્યો એટલે રાહુલને ફરી ઓપનિંગમાં રમવાનું કહેવામાં આવ્યું હતું.
રોહિત તેમ જ વિરાટ કોહલી અને રિષભ પંતના શૉટ સિલેક્શન પણ સારા નહોતા જેને લીધે ભારતે પરાજયની દિશા જોવી પડી હતી.
જોકે આ બધા વચ્ચે ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે મોટાભાગે જસપ્રીત બુમરાહે જ એકલા હાથે બોલિંગનો બોજ ખમવો પડ્યો હતો એમાં એક ચર્ચા અત્યારે એવી થઈ રહી છે કે ભારતીય ટીમમાં કેમ એક પણ લેફટ-આર્મ ફાસ્ટ બોલર નહોતો? અર્શદીપ સિંહ ખૂબ કામ લાગ્યો હોત. ખલીલ અહેમદ અને યશ દયાલને શરૂઆતમાં ઑસ્ટ્રેલિયા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ પાછા મોકલી દેવાયા હતા.
આપણ વાંચો: મેલબર્નમાં મહાજંગઃ ભારત જીતશે તો ટ્રોફી રીટેન કરશે
ટીમમાંના પાંચેય પેસ બોલર રાઈટ-આર્મ હતા: બુમરાહ, સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા અને આકાશ દીપ. નીતીશ રેડ્ડી પણ રાઈટ-આર્મ મિડિયમ પેસ બોલર છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી સતત ફ્લૉપ જઈ રહ્યા હોવા છતાં અનુક્રમે ઓપનિંગ અને મિડલ ઓર્ડરમાં અભિમન્યુ ઈશ્વરન અને સરફરાઝ ખાન જેવા યુવાન બૅટર સ્કવોડમાં હોવા છતાં તેમનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો. ધ્રુવ જુરેલને અને દેવદત્ત પડિક્કલને પર્થમાં મોકો આપ્યા બાદ છેક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.