‘મને મત આપ્યો એટલે તમે મારા બોસ નથી બની ગયા..’ બારામતીના મતદારો પર અજિત પવાર થયા નારાજ
બારામતી (મહારાષ્ટ્ર): NCP પ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમના જિદ્દી સ્વભાવ માટે જાણીતા છે. અજિત પવાર તેમની સ્પષ્ટવક્તા શૈલીના કારણે રાજ્યના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, આવી શૈલીને કારણે તેઓ ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકાઇ જતા હોય છે.
તેઓ ઘણીવાર જાહેર મંચ પરથી પોતાના જ કાર્યકરોને ઠપકો આપતા જોવા મળે છે. એનસીપી પાર્ટીમાં વિભાજન પછી અજિત પવાર છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યની રાજનીતિના કેન્દ્રમાં છે. વિધાનસભા ચૂંટણી બાદ મહાગઠબંધન સરકારમાં અજિત પવાર ફરી એકવાર નાયબ મુખ્ય પ્રધાન બન્યા છે.
અજિત પવાર રાજ્ય સરકારના શિયાળુ સત્ર બાદ વિદેશ પ્રવાસે ગયા હતા. અજિત પવાર વિદેશ પ્રવાસ પરથી પરત આવ્યા બાદ આજે બારામતીની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે મતવિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.
આપણ વાંચો: Delhi વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારની એનસીપીની એન્ટ્રી, 11 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત
તેમની મુલાકાત સમયે વિવિધ તાલુકાઓ અને ગામડાઓમાંથી ખેડૂતો તેમની સમસ્યાઓ લઈને બારામતીમાં આવ્યા હતા. ખેડૂતોને આશા હતી કે અજિત પવાર લોકોની સમસ્યાઓ સાંભળશે. અને આ સમસ્યાઓના નિરાકરણ માટે કેટલાક પગલાં લેશે. અજિત પવારે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધી હતી.
એ સમયે અજિત પવાર મંચ પરથી બોલતી વખતે પોતાનો ગુસ્સો ગુમાવી બેઠા હતા. કાર્યકરો દ્વારા તેમને એક પછી એક વિવિધ સૂચનો આપવામાં આવી રહ્યા હતા કે આ બધા કામો હજી સુધી થયા નથી. ભાષણ દરમિયાન સતત સૂચનોથી અજિત પવાર નારાજ થયા હતા અને તેમણે કાર્યકર્તાને એમ કહીને ઠપકો આપ્યો હતો કે, “તમે મને વોટ આપ્યો છે, તો તમે મારા માલિક નથી બની ગયા”.
તેમના આ નિવેદન બાદ વાતાવરણ થોડું તંગ બની ગયું હતું. ત્યાર બાદ કેબિનેટ મંત્રી સંજય શિરસાટે સમગ્ર મોરચાની કમાન સંભાળી લીધી હતી. તેમણે અજિત પવારનો બચાવ કરતા જણાવ્યું હતું કે, કેટલીકવાર જનપ્રતિનિધિ કામ કરતા હોય ત્યારે કેટલાક મતદારો અમુક મુદ્દાઓ પર કામ કરવાનો આગ્રહ રાખતા હોય છે.
આપણ વાંચો: ચૂંટણી વખતે જાહેર યોજનાઓના કારણે તિજોરી પર ભારણઃ અજિત પવારે આપ્યા આ નિર્દેશ
એવા સમયે જનપ્રતિનિધિઓ પર જ કેમેરા ફોક્સ કરીને તેની વર્તણૂંક દર્શાવવામાં આવે છે, પણ મતદારોનું વર્તન ક્યાંય દર્શાવવામાં આવતું નથી.
જોકે, આવી રીતે એક વાર નારાજ થયા બાદ અજિત પવાર ટાઢા પણ પડ્યા હતા. તેમણે અધિકારીઓને કામ નહીં કરવા બદલ ઠપકો પણ આપ્યો હતો. તેમણે કામમાં કોઈ કમી ન આવે અને યોગ્ય રીતે કામ થાય તેવી સૂચના આપી હતી.
દરેક સમસ્યાનો ઉકેલ મળવો જોઈએ. તેમણે લોકોના કોઈ કામ બાકી ન રહે તેની કાળજી લેવા જણાવ્યું હતું અને જરૂરિયાત મુજબ ભંડોળ ઉપલબ્ધ કરાવવાની પણ તાકીદ કરી હતી.
જોકે, તેમના આવા ગુસ્સાવાળા નિવેદનને કારણે તો વિપક્ષને તેમની પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે. અજિત પવારનું આ નિવેદન હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયું છે, કારણ કે ચૂંટણી પહેલા લોક કલ્યાણની વાતો કરનારા નેતાઓ ચૂંટણી પછી જનતા સાથે કેવું વર્તન કરે છે તેની ચર્ચા થઈ રહી છે.